ઓબેસિટી અને ઇમ્યુન સિસ્ટમને સીધો સંબંધ

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 31st May 2017 05:34 EDT
 
 

અત્યારના સમયનો સૌથી મહત્વનો રોગ અને બીજા અસંખ્ય રોગોની જડ જેને ગણવામાં આવે છે, જેનો ભોગ બનનારાની સંખ્યા દિવસે-દિવસે વધતી જ જાય છે એ રોગ છે ઓબેસિટી. ઓબેસિટી જિનેટિક પણ હોય છે અને એને એક લાઇફસ્ટાઇલ ડિસોર્ડર પણ ગણાય છે. જેમ કે કોઈ વ્યક્તિના જીન્સ એવા છે કે એ ઓબીસ એટલે કે મેદસ્વી થઈ શકે તો એનો મતલબ એવો નથી કે વ્યક્તિ મેદસ્વી બની જ જાય. વ્યક્તિ મેદસ્વી ત્યારે જ બને જ્યારે એ જીન્સને ઉત્તેજન મળે. ખોટી લાઇફસ્ટાઇલથી કે કોઈ પ્રકારની ખોટી આદતોથી આ જીન્સને બળ મળે છે અને વ્યક્તિ ઓબીસ બને છે.

આ ઓબેસિટી અનેક પ્રકારની બીમારી ખેંચી લાવે છે અને આથી જ લોકો પોતાની ફિટનેસ માટે, પોતાના વજન માટે અને પોતાની લાઇફસ્ટાઇલ માટે એકદમ સજાગ બની રહ્યા છે. જો તમે આ વર્ગમાં હજી પણ સામેલ થયા ન હો તો એ જાણવું જરૂરી છે કે ઓબેસિટી તમારી ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ પર પણ અસર કરે છે. ઓબેસિટી અને ઇમ્યુન સિસ્ટમ વચ્ચે શું સંબંધ છે એ આજે સમજીએ.

તાજેતરમાં એક ઇન્ડિયન-અમેરિકન સ્ટડીમાં સાબિત થયું છે કે ઓબેસિટીને કારણે પુરુષોની રોગપ્રતિકારક શક્તિ સ્ત્રીઓની સરખામણીમાં વધુ અસરગ્રસ્ત થાય છે. રોગપ્રતિકારક શક્તિ અને ઓબેસિટી વચ્ચે શું સંબંધ છે તે સમજતાં પહેલાં ઓબેસિટીની પુરુષ અને સ્ત્રીની રોગપ્રતિકારક શક્તિ પર જુદી-જુદી અસર વિશે સમજીએ.

રિસર્ચ મુજબ પુરુષોની રોગપ્રતિકારક શક્તિ સ્ત્રીઓ કરતાં વધુ અસર પામે છે. સ્ત્રી અને પુરુષ બન્નેની ઓબેસિટીમાં ઘણો ફરક છે. સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોન હોય છે જે સ્ત્રીનું રક્ષક હોર્મોન કહેવાય છે. ઓબેસિટીને લીધે સ્ત્રી પર જેટલાં પણ રિસ્ક હોય છે એ રિસ્કથી સ્ત્રીને આ હોર્મોન બચાવે છે. જ્યાં સુધી સ્ત્રીનો મેનોપોઝ ટાઇમ આવતો નથી ત્યાં સુધી સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન પૂરતી માત્રામાં હોય છે, જેને કારણે સ્ત્રી મેનોપોઝ પહેલાંના સમયમાં સુરક્ષિત રહે છે. મેનોપોઝ પછી એક સ્ત્રી અને એક પુરુષ બન્ને પર ઓબેસિટીનું રિસ્ક સમાન ગણાય છે. ઓબેસિટીની અસર જેમ સ્ત્રી અને પુરુષ બન્ને પર અલગ-અલગ છે એ જ રીતે રોગપ્રતિકારક શક્તિ પર ઓબેસિટીની અસર જુદી-જુદી હોઈ શકે છે.

પ્રોટીન

આપણી રોગપ્રતિકારક શક્તિમાં મુખ્ય પરિબળ જે ભાગ ભજવે છે એ છે પ્રોટીન. જે લોકો ઓબીસ છે તેમની ડાયટમાં મોટાભાગે ફેટ અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ જોવા મળે છે અને પ્રોટીનની માત્રા ખૂબ જ ઓછી જોવા મળે છે. જે વ્યક્તિની ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જ જાય છે, કારણ કે સમગ્ર રોગપ્રતિકારક શક્તિ જે ઇન્ફેક્શન સામે લડે છે એ લડતમાં જે નેટવર્ક કામ કરે છે એનું મુખ્ય પરિબળ પ્રોટીન હોય છે. ઓબીસ લોકોના શરીરમાં જરૂરી પ્રોટીનની કમી હોવાને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

ફેટ્સ

જે રીતે ઓબીસ માણસના ખોરાકમાં પ્રોટીનની કમી હોય છે એ જ રીતે તેના શરીરમાં ફેટ્સનું પ્રમાણ વધારે હોય છે. જિનેટિક કે તેમની લાઇફસ્ટાઇલ કોઈ પણ કારણસર વ્યક્તિના શરીરમાં ફેટ ડિપોઝિટ થાય છે. આ ફેટ્સ વ્યક્તિની સેન્સિસ પર કામ કરે છે. માણસને જ્યારે બહારથી કોઈ ઇન્ફેક્શન લાગે ત્યારે તેના શરીરનું નેટવર્ક કામે લાગી જાય છે અને તેની સેન્સ તેને બાહ્ય પરિબળ સાથે લડવાની સૂચના આપે છે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ એક્ટિવ બને છે. હવે જ્યારે વ્યક્તિના શરીરમાં ફેટ્સ વધી જાય ત્યારે આ સેન્સિસ થોડું ઓછું કામ કરે છે. એ ઓછું કામ કરવાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને બાહ્ય પરિબળ સામે લડી શકતી નથી.

સર્જરી

ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે જે વ્યક્તિ નિયમિત એક્સરસાઇઝ કરે છે અને પોષણયુક્ત યોગ્ય ખોરાક ખાય છે એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘણી પ્રબળ હોય છે. વળી રિસર્ચ દ્વારા એ પણ સાબિત થયું છે કે બેરિયાટ્રિક સર્જરી જેને આજકાલ વેઇટલોસ સર્જરી પણ કહે છે એના દ્વારા પણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઘણી સારી થઈ જાય છે. જે વ્યક્તિ ઓબીસ હોય તેની સર્જરી પછી તરત જ ઇમ્યુન સિસ્ટમ સારી થવાનાં ઘણાં ઉદાહરણ મળી શકે છે. જે લોકો ઓબીસ છે તેમની ફિટનેસ અને કોઈ પણ ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ઓછી જ હોય છે. તેમને ખૂબ જલદી થાક લાગે છે. કોઈ પણ રોગના ભોગ બનવાનું રિસ્ક પણ ઓબીસ લોકોમાં વધુ હોય છે.

બન્ને વચ્ચે સંબંધ

ઓબેસિટીને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે? હા. ઓબેસિટીને કારણે વ્યક્તિને ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, હાર્ટ-પ્રોબ્લેમ, કિડની-પ્રોબ્લેમ જેવી ભયાનક બીમારીઓ થવાની પૂરી શક્યતા રહે છે. કોઈ પણ બીમારી વ્યક્તિને ત્યારે જ થઈ શકે જ્યારે તેની રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય. માની લઈએ કે ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર કે હાર્ટ-પ્રોબ્લેમ્સ જેવી બીમારીઓ વ્યક્તિને જિનેટિક કારણોસર પણ થઈ છે; પરંતુ એ જીન્સને સક્રિય કરનારા પરિબળરૂપે જે લાઇફસ્ટાઇલ પ્રોબ્લેમ્સે મુખ્ય ભાગ ભજવ્યો છે એને આપણે અવગણી શકીએ નહીં. આ લાઇફસ્ટાઇલ રિલેટેડ પરિબળો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને નબળી કરે છે અને રોગોને નિમંત્રે છે. આમ ઓબેસિટી અને રોગપ્રતિકારક શક્તિ બન્ને વચ્ચે સીધો સંબંધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter