ઓમિક્રોન સબવેરિઅન્ટ્સ વેક્સિનના એન્ટિબોડીથી પણ છટકી જાય છે

Friday 08th July 2022 09:00 EDT
 
 

બોસ્ટનઃ હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરાયેલા નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે ઓમિક્રોનના સબવેરિઅન્ટ્સ BA.4 અને BA.5 કોરોનાનો ચેપ ધરાવતા લોકો અને જે લોકોનું સંપૂર્ણ વેક્સિનેશન થયેલું છે અને બૂસ્ટર ડોઝ લીધો છે તેવા બંને પ્રકારના લોકોમાં રસીની એન્ટિબોડીના પ્રતિભાવની અસરથી છટકી જાય છે. આ રિસર્ચ પેપરનાં લેખક અને સેન્ટર ફોર વાયરોલોજી એન્ડ વેક્સિસન રિસર્ચ ઇન બોસ્ટનના ડો. ડેન બરોચે જણાવ્યું હતું કે, અમે BA.1 અને BA.2 સબવેરિઅન્ટ્સની તુલનામાં BA.4 અને BA.5માં ચેપ સામે વેક્સિનેશન દ્વારા પ્રદત એન્ટી બોડીના સ્તરમાં ત્રણ ગણો ઘટાડો જોયો છે. જે કોવિડ-19ના અસલી વેરિઅન્ટ્સની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આમ છતાં પણ કોવિડ-19 રસી હજુ પણ તીવ્ર ચેપ સામે નોંધપાત્ર પ્રમાણમાં સંરક્ષણ આપી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રસી નિર્માતાઓ વધારે મજબૂત બૂસ્ટર ડોઝ તૈયાર કરવા માટે પ્રયાસરત છે, જે ઓમિક્રોન જેવા મજબૂત વેરિઅન્ટ્સને પણ પડકારી શકે. ઉલ્લેખનીય છે 2019ના અંત સમય દરમિયાન ચીનમાં કોવિડ-19 માહમારી ફાટી નીકળી ત્યારથી પાંચ જેટલા વેરિઅન્ટ્સ - આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોનની ઓળખ કરાઈ છે.

46 ટકા બાળકો લોંગ-કોવિડથી પીડિત
લાન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલસન્ટ હેલ્થ દ્વારા 0-14 વર્ષની વયજૂથના બાળકોમાં લોંગ કોવિડના લક્ષણો વિશે પ્રસિદ્ધ કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે 46 ટકા જેટલા બાળકો, કોરોનાનો ચેપ લાગ્યો તેના લગભગ બે મહિના સુધી પુખ્તોની જેમ જ લોંગ-કોવિડ લક્ષણોથી પીડિત રહ્યા હતા. ડેનમાર્કના સંશોધકોએ બાળકોના રાષ્ટ્રીય સ્તરના સેમ્પલનો ઉપયોગ કરીને ચેપનો પૂર્વ ઇતિહાસ ન હોય તેવા કન્ટ્રોલ ગ્રૂપના બાળકો સાથે તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter