ઓલિવ ઓઈલમાંથી દવાઃ બ્રેઈન ટ્યુમર્સના પેશન્ટ્સ માટે આશાનું કિરણ

હેલ્થ બુલેટિન

Sunday 10th March 2024 06:52 EDT
 
 

ઓલિવ ઓઈલમાંથી દવાઃ બ્રેઈન ટ્યુમર્સના પેશન્ટ્સ માટે આશાનું કિરણ
કેન્સર વિશેની વાત બ્રેઈન કેન્સર વિના અધૂરી જ ગણાય જેના અનેક પ્રકાર છે. અસાધ્ય બ્રેઈન કેન્સર ટ્યુમર્સમાં ગ્લીઓબ્લાસ્ટોમાઝ (Glioblastomas) પણ છે જેના કારણે યુકેમાં દર વર્ષે હજારો પેશન્ટ્સના મોત થાય છે અને દર વર્ષે નવા 2500 કેસીસ જોવા મળે છે. ગ્લીઓબ્લાસ્ટોમાઝથી પીડાતા દર્દીઓનો જીવનકાળ ઘણો ટુંકો હોય છે અને ઓપરેશન પણ અસાધ્ય ગણાય છે ત્યારે તેના દર્દીઓ માટે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. ધ રોયલ માર્સ્ડેન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર રિસર્ચ દ્વારા સંશોધનોમાં ઓલિવ ઓઈલમાં મળતા ઓલેઈક એસિડમાંથી તૈયાર કરાયેલી નવી ડ્રગ 2-OHOA (ઈડ્રોક્સિઓલેઈક એસિડ) આશાસ્પદ પુરવાર થઈ છે. વારંવાર થતાં ટ્યુમર ગ્લીઓબ્લાસ્ટોમાઝ અને આગળ વધી ગયેલા અન્ય સોલિડ ટ્યુમર્સના 54 દર્દી પર આ ડ્રગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ગ્લીઓબ્લાસ્ટોમાના 21 દર્દીમાંથી 25 ટકાએ સારવારને સારો પ્રતિસાદ આપ્યો હતો. બ્રિટિશ જર્નલ ઓફ કેન્સરમાં તેના પરિણામો પ્રસિદ્ધ થયા હતા અને વિશ્વભરમાં તેની ટ્રાયલ હાથ ધરાઈ છે. આ દવા અસાધારણ કોષોનાં મેમ્બ્રેન્સની પુનઃરચના કરીને કેન્સરના કોષોની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. હાલમાં ગ્લીઓબ્લાસ્ટોમાથી પીડાતા પેશન્ટનો જીવનકાળ નિદાન કરાયાના 12થી 18 મહિના વચ્ચે ગણાય છે. માત્ર 25 ટકા દર્દી એક વર્ષથી વધુ સમય જીવી શકે છે જ્યારે માત્ર પાંચ ટકા દર્દી પાંચ કરતાં વધુ વર્ષ જીવી જાય છે. પરંતુ, 2-OHOA દવાથી આ સમયગાળો વધારી શકાશે તેવી સંશોધકોને આશા છે.

•••
ઊંધા સૂઈ રહેવાથી લાભ થાય કે નુકસાન?
ઘણા લોકોને ઊંધા સૂવાની ટેવ હોય છે અને આવી રીતે સુએ તો જ તેમને સારી ઊંઘ આવતી હોય છે. આથી પ્રશ્ન એ થાય કે ખરેખર ઊંધા સુવાથી લાભ થાય કે નુકસાન? આમ તો ઊંધા સુવાથી વિશેષ જોખમ તો નથી પરંતુ, સમયાંતરે કરોડ, પીઠ, ગરદનમાં તકલીફ કે પીડા થઈ શકે છે. આ સમયે તમારે હેલ્થકેર પ્રોવાઈડરની સલાહ લેવી જોઈએ જે તમને સુવાની પોઝીશન બદલવા અને પેટના બળે સુતા હો ત્યારે કોઈ યોગ્ય સપોર્ટ રાખવાની ટીપ્સ આપી શકે છે. ઊંધા સુવાથી સ્પાઈનલ ટિસ્યુઝ પર તણાવ આવે છે અને જાગો ત્યારે ગરદન અને કમરના નીચલા ભાગે પીડા અનુભવાય છે. પેટ પર ઊંધા સુવાના કેટલાક ફાયદા પણ છે. સંશોધનો જણાવે છે કે ઊંધા સુવાથી નસકોરાં બોલવા અને સ્લીપ એપ્નીઆમાં રાહત મળે છે પરંતુ, લાભની સરખામણીએ ગેરલાભ વધુ જોવા મળે છે. જ્યારે તમે પેટ પર સુઓ છો ત્યારે તમારા માથાને એક તરફ વળવું પડે છે. જેના કારણે મસ્તક અને કરોડનું એલાઈન્મેન્ટ બગડે છે, તમારી ગરદન વળે છે અને સમયાંતરે દુઃખાવો વધે છે. જો તમે યોગ્ય સપોર્ટ વિના ઊંધા સુવાનું રાખશો તો ખેંચાણ વધતું રહેશે, પીઠમાં પણ દુઃખાવો થશે. ઊંમર વધવાની સાથે કરોડની લચકતા ઘટે છે અને પીઠ પર વધુ ખેંચાણ અનુભવાય છે. પીઠ પર અથવા કોઈ બાજુએ સુવાથી શ્વાસ લેવામાં પણ ઓછી તકલીફ પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter