ઓસ્ટિઓપોરોસિસ કોને થઈ શકે?

સદાબહાર સ્વાસ્થ્ય

Thursday 09th March 2017 06:07 EST
 
 

મોટી ઉંમરે આવતો હાડકાંનો રોગ જેને ઓસ્ટિઓપોરોસિસ કહે છે એ શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો મળીને બનેલો એક શબ્દ છે. ઓસ્ટિઓ એટલે કે હાડકાં અને પોરોસિસ એટલે કે કાણાં. સામાન્ય રીતે હાડકાંમાં કાણાં પડવાની અવસ્થાને ઓસ્ટિઓપોરોસિસ કહે છે. આ કન્ડિશનમાં હાડકાંને ઘસારો લાગે છે, જેના કારણે હાડકાં બરડ બને છે અને ખૂબ સરળતાથી આ નબળાં હાડકાંઓમાં ફ્રેક્ચર થઈ જાય છે. વિશ્વમાં દર ત્રણમાંથી એક સ્ત્રી અને દર પાંચમાંથી એક પુરુષ હાડકાંના આ અસાધ્ય રોગનો શિકાર બને છે. ઓસ્ટિઓપોરોસિસનું જે ફ્રેક્ચર છે એ સાંધી શકાતું નથી. એક વખત હાડકાંમાં ક્રેક આવી તો એ ક્રેક રહે જ છે અને ફ્રેક્ચર થયેલું હાડકું ક્યારેય ફરી પહેલાં જેવી શક્તિ મેળવી શકતું નથી. વળી આ પ્રકારનું ફ્રેક્ચર વ્યક્તિના પોસ્ચરને પણ અસર કરે છે. આ કારણોને લીધે આવી વ્યક્તિ સતત પેઇનમાં જીવે છે. ઓસ્ટિઓપોરોસિસના ઇલાજ કરતાં એનાથી બચવામાં જ સમજદારી છે એ સમજી શકાય છે. એનાથી બચવા માટે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે આ પ્રોબ્લેમ કોને અને શા માટે થાય છે.

સ્ત્રીઓમાં પ્રોબ્લેમ

આ રોગ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ અસર કરે છે. એનું કારણ સ્ત્રીઓનો મેનોપોઝલ સમય છે. મેનોપોઝ પછી સ્ત્રીનાં હાડકાં ડબલ સ્પીડ સાથે ઘસાય છે. આ કારણસર જ સ્ત્રીઓમાં પુરુષોની સરખામણીએ નાની ઉંમરમાં ઓસ્ટિઓપોરોસિસનું રિસ્ક આવે છે. જેમ કે, સ્ત્રીઓને ૫૫ વર્ષની ઉંમર પછી અને પુરુષોને ૭૦ વર્ષની ઉંમર પછી ઓસ્ટિઓપોરોસિસનું રિસ્ક રહે છે. એમાં પણ અમુક સ્ત્રીઓમાં એ વધુ જલ્દી જોવા મળે છે. આ વિશે ઓર્થોપેડિક સર્જન કહે છે કે, કોઈ પણ કારણસર જે સ્ત્રીઓમાં સર્જરીથી ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું હોય તેમને ઓસ્ટિઓપોરોસિસ ખૂબ જ નાની ઉંમરમાં આવવાની શક્યતા રહેલી છે. એનું કારણ એ છે કે મોટા ભાગે ગર્ભાશય ઓવરીની સાથે જ કાઢી નાખવામાં આવે છે. જો ન પણ કાઢવામાં આવે તો ગર્ભાશય ન હોવાને કારણે ઓવરી બરાબર કામ કરતી નથી. આમ આ સ્ત્રીઓ સર્જિકલ મેનોપોઝનો ભોગ બને છે. જેમ કે, જો ૩૫થી ૪૦ વર્ષે એક સ્ત્રીએ આ સર્જરી કરાવી તો તેના પર ઓસ્ટિઓપોરોસિસનું રિસ્ક એટલી નાની ઉંમરથી તોળાતું થઈ જાય છે, જે વિશે તેણે વિશેષ તકેદારી રાખવી પડે છે.

હોર્મોન્સમાં અસંતુલન

હોર્મોન્સમાં અસમતુલાના કારણે વ્યક્તિને ઓસ્ટિઓપોરોસિસ થાય છે. આ સિવાય જે વ્યક્તિમાં કોઈ જિનેટિક ખામી હોય તો તેના કારણે હાડકાંની ડેન્સિટી એટલે કે ઘનતા જન્મથી જ ઓછી હોય અને તેનાથી પણ ઓસ્ટિઓપોરોસિસ થઈ શકે છે. આવી જ પરિસ્થિતિ બીજી રીતે પણ સર્જા‍ઈ શકે છે. તબીબી નિષ્ણાતો કહે છે કે આપણા શરીરમાં પેરાથાઇરોઇડ નામની ગ્રંથિ આવેલી છે જે પેરાથાઇરોઇડ હોર્મોન્સ બનાવે છે. જે લોકોને આ ગ્રંથિનું ટ્યુમર થાય તેમના શરીરમાં આ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે. એને લીધે હાડકાં પર અસર થાય છે અને હાડકાંમાંનું કેલ્શિયમ ધોવાઈ જઈને યુરિન વાટે શરીરની બહાર નીકળી જતાં હાડકાં નબળાં પડે છે. આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે.

અસ્થમા અને આર્થ્રાઇટિસ

જે લોકોને અસ્થમા છે અને જેમને રુમેટોઇડ આર્થ્રાઇટિસ છે એ બન્ને પ્રકારના લોકોમાં ઓસ્ટિઓપોરોસિસ થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ અંગે સમજાવતાં ઓર્થોપેડિક નિષ્ણાતો કહે છે કે આ બન્ને રોગોમાં ઇલાજ સ્વરૂપે વ્યક્તિએ લાંબા ગાળા સુધી સ્ટેરોઇડ લેવું પડે છે. અસ્થમામાં તો હજી પણ ચાલી જાય, પરંતુ રુમેટોઇડ આર્થ્રાઇટિસમાં તો આ દવાઓ વગર ઘણા લોકો ચાલી પણ શકતા નથી એટલે દવા ખૂબ જરૂરી બની જતી હોય છે. આ દવાઓ જ્યારે લાંબા ગાળા સુધી લેવામાં આવે ત્યારે એ વ્યક્તિનાં હોર્મોન્સને અસંતુલિત કરે છે અને તેના કારણે આ દરદીઓને ઓસ્ટિઓપોરોસિસની તકલીફ હોય જ છે.

રુમેટોઇડ આર્થ્રાઇટિસ એક એવો પ્રોબ્લેમ છે જેમાં સ્ટેરોઇડ ન લેતા હો તો પણ વધુ પડતો બેડ-રેસ્ટ અને એક્ટિવિટીના અભાવને કારણે પણ વ્યક્તિ પર ઓસ્ટિઓપોરોસિસનું રિસ્ક વધે છે. આ સિવાય આ રોગમાં સાંધાઓમાં જાતે જ લોહીનો પ્રવાહ વધી જાય છે જેને કારણે કેલ્શિયમ ધોવાઈ જાય છે અને પ્રોબ્લેમનું રિસ્ક વધે છે.

કેલ્શિયમ અને વિટામિન-ડી

ભારતીયોમાં મોટા ભાગના લોકોને વિટામિન-ડીની ઊણપ રહેલી છે. વિટામિન-ડી હાડકાં માટે અત્યંત જરૂરી વિટામિન છે, કારણ કે કેલ્શિયમને હાડકાંમાં ડિપોઝિટ કરવા માટે વિટામિન-ડીની જરૂર રહે છે અને જો એ ન હોય તો હાડકાંની મજબૂતી પર અસર થાય છે, જેના લીધે મોટી ઉંમરે ઓસ્ટિઓપોરોસિસ આવે છે. એવું જ કેલ્શિયમનું પણ છે. બાળકોમાં વિટામિન-ડી ભરપૂર હોય, પરંતુ પોષણની ઊણપને કારણે કેલ્શિયમ ઓછું હોય અથવા તો શરીરને પોષણ પૂરતું મળતું હોય, પરંતુ તડકાના અભાવે વિટામિન-ડી ઓછું હોય તો આ બન્ને સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે. નાનપણથી જો આ સંતુલન હશે તો વૃદ્ધાવસ્થામાં હાડકાં મજબૂત જ હશે.

ઓબેસિટી અને એક્ટિવિટી

નાનપણથી જે બાળકો કૂદાકૂદ કરે છે, ઝાડ પર ચડે છે, ઠેકડા મારે છે, ટ્રેકિંગ કરે છે તેમનાં હાડકાં પહેલેથી જ મજબૂત રહે છે. એનું કારણ જણાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે હાડકાંનો જેટલો ઉપયોગ કરવામાં આવે એટલાં એ સ્ટ્રોન્ગ બને છે. શારીરિક નિષ્ક્રિયતા અને બેઠાડુ જીવન વ્યક્તિનાં હાડકાંને નબળાં બનાવે છે અને ઓસ્ટિઓપોરોસિસ થવાનું આ કારણ સૌથી મુખ્ય કારણ છે. જે લોકો ઓસ્ટિઓપોરોસિસનો ભોગ બને છે એમાંથી મોટા ભાગના લોકોએ પોતાનું જીવન એક્સરસાઇઝ વગરનું કાઢ્યું હોય છે. જે લોકો જાડા છે તેમનાં હાડકાં પણ બોજ ઉપાડીને નબળાં બનતાં જાય છે અને ઓસ્ટિઓપોરોસિસ થવાની શક્યતા વધતી જાય છે.’

મેડિકલ ટેસ્ટ

આ રોગ વિશે જેટલી જલદી ખબર પડે એટલો જલદી એનો ઇલાજ શરૂ કરવો જરૂરી છે. એ માટે સ્ત્રીઓએ પંચાવન વર્ષની ઉંમરથી અને પુરુષોએ ૭૦ વર્ષની ઉંમરથી બોન-મિનરલ ડેન્સિટોમેટ્રી (BMD) ટેસ્ટ કરાવવો જોઇએ. એના દ્વારા આ રોગનું જોખમ ધ્યાનમાં આવી શકે છે અને યોગ્ય સમયે ઇલાજ શરૂ થઈ શકે છે. અલબત્ત, આ પરીક્ષણ જીપી સાથે સલાહસૂચન બાદ જ કરાવવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter