વ્યક્તિના મૂડ સ્વિંગનો આધાર તેના વ્યક્તિત્વ ઉપર રહેલો છે. વારંવાર મૂડ સ્વિંગ પણ આમ તો સામાન્ય બાબત ગણાય છે, પરંતુ દરેક મૂડ સ્વિંગને અવગણવો પણ ઉચિત નથી. ખાસ કરીને વ્યક્તિ જ્યારે ખૂબ જ પ્રફૂલ્લિત અને ઊર્જાવાન હોવાનો અનુભવ કરતી અનુભવતા હોય અને પછી થોડા જ સમયમાં અચાનક તેના ચહેરા પર ઊંડી ઉદાસી છવાઈ જાય કે થાક અનુભવવા લાગે તો તે જરૂર ચિંતાજનક છે. તેમાં પણ જો આવા ફેરફાર વારંવાર અને ઝડપથી થાય તો તે બાયપોલર ડિસઓર્ડરનું લક્ષણ હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) અનુસાર વિશ્વભરમાં આશરે 3.7 કરોડ લોકો આ સમસ્યાથી પીડિત છે. ચાલો, તેના પ્રારંભિક લક્ષણ, સારવાર અને કારણો વિશે જાણીએ.
બાયપોલર ડિસઓર્ડરને આ રીતે સમજો...
બાયપોલર ડિસઓર્ડર એક ગંભીર માનસિક બીમારી છે. તેમાં મેનિયા અથવા હાઇપોમેનિયા થાય છે, જેમાં વ્યક્તિ અત્યંત ઊર્જાવાન હોય છે. બીજી તરફ ડિપ્રેશન પણ હોય છે, જેમાં વ્યક્તિ ખૂબ જ ઉદાસ થઈ જાય છે. એટલે કે, વ્યક્તિનું મન સુખ અને ઉદાસીના બે તબક્કાઓ વચ્ચે ઝૂલતું રહે છે. કભી ખુશી, કભી ગમ એમ પણ તમે કહી શકો.
વારંવાર મૂડ પરિવર્તન ક્યારે બીમારી બની જાય છે?
• તફાવતઃ સામાન્ય ડિપ્રેશન અને બાયપોલરમાં શું ફરક છે?
તો શું બાયપોલર અને ડિપ્રેશન એક બીમારી છે? ના... બાયપોલર અને સામાન્ય ડિપ્રેશન વચ્ચે તફાવત કરવો મુશ્કેલ હોય છે, કારણ કે બંનેના લક્ષણો સમાન છે. દર્દી ઘણીવાર ડિપ્રેશનમાં જ ડોક્ટર પાસે જાય છે, પરંતુ મેનિયા એટલે કે વધુ સક્રિય તબક્કાને ઓળખી શકતા નથી. બાયપોલરમાં ઊંઘ અને ભૂખમાં વધારો થાય છે, જ્યારે સામાન્ય ડિપ્રેશનમાં અનિદ્રા અને વજનમાં ઘટાડો થાય છે. બાયપોલરમાં, બળતરા સંબંધિત કેટલાક તત્વો (જેમ કે IL-6) શરીરમાં વધુ હોય છે અને મગજનો જે ભાગ લાગણીઓને સંભાળે છે-એમીગ્ડાલા વધુ સક્રિય હોય છે. બાયપોલરમાં, મૂડ બદલાતો રહે છે. સામાન્ય ડિપ્રેશનમાં, ઉદાસી લાંબા સમય સુધી રહે છે.
• બેદરકારી: જાગૃતિનો અભાવ આ રોગનું જોખમ વધારી રહ્યો છે
યોગ્ય જાણકારીના કે જાણ્યે-અજાણ્યે બેદરકારીના કારણે તેનું વહેલું નિદાન થતું નથી. લોકો તેમના માનસિક લક્ષણો સમજી શકતા નથી. દર્દી સામાન્ય રીતે હતાશામાં હોય ત્યારે જ ડોક્ટર પાસે જાય છે, જેના કારણે ખોટું નિદાન થઈ શકે છે. ડ્રગનું વ્યસન અને સામાજિક ધારણાઓ પણ આ સમસ્યામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઘણા પરિવારો તેને બીમારી નહીં, પરંતુ વ્યક્તિત્વ સંબંધિત સમસ્યા સમજી લે છે. અથવા તો અંધશ્રદ્ધામાં અટવાઇ જાય છે, જે સરવાળે સારવારમાં વિલંબ કરે છે.
• કારણઃ ફક્ત આનુવાંશિક જ નહીં, રોજિંદી ટેવો પણ જોખમ વધારે
લગભગ 60-80 ટકા જોખમ આનુવાંશિક હોઈ શકે છે, પરંતુ જનીન એક્માત્ર કારણ હોતા નથી. ઊંઘનો અભાવ અને મોડી રાત્રે સ્ક્રીન પર લાંબો સમય વિતાવવો એ પણ આ બીમારીનું જોખમ વધારી શકે છે. આંતરવ્યક્તિત્વ અને સામાજિક લય, ઉપચાર, અથવા રોજિંદી દિનચર્યાઓ સુસંગત રાખવી બીમારીના નિવારણમાં મદદરૂપ થઈ શકે છે. જો રોગનું જોખમ આનુવંશિક હોય તો પણ રોજિંદી આદતોમાં સુધારો અપનાવીને સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.
• લક્ષણોઃ આ નાની ઉમરે દેખાતા લક્ષણો છે, તેને અવગણશો નહીં
નાની ઉમરે બાયપોલર ડિસઓર્ડરના લક્ષણો હળવા હોય છે અને ઘણીવાર અવગણવામાં આવે છે તેના કારણે વયના વધવા સાથે બીમારી વધુ વકરે છે. આના લક્ષણો જોઇએ તો, કેટલીકવાર ઊર્જામાં વધારો, ઓછી ઊંઘ છતાં પણ થાકનો અભાવ અને ઝડપી બોલવાનો સમાવેશ થાય છે. ક્યારેક વધુ પડતી ઊંઘ, ચીડિયાપણું, ઉદાસી જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ લક્ષણો ઘણા દિવસો સુધી ચાલુ રહી શકે છે. મૂડ સ્વિંગ, ખાસ કરીને 15 થી 25 વર્ષની ઉંમર વચ્ચે પ્રારંભિક સંકેત હોઈ શકે છે. જેટલું વહેલું નિદાન એટલું વધુ સારું.
• આશાઃ બાયપોલર ડિસઓર્ડરને યોગ્ય સારવારથી કાબુમાં લાવી શકાય
આવી વ્યક્તિમાં આત્મહત્યાનું જોખમ સામાન્ય વ્યક્તિ કરતાં 20થી 30 ગણું વધારે હોઈ શકે છે. આવી વ્યક્તિના લક્ષણોમાં અતિશય ગુસ્સો, નિરાશા અને પોતાને નકામા સમજવાનો સમાવેશ થાય છે. જોકે, યોગ્ય દવા, નિયમિત ફોલો-અપ અને સારવાર મદદરૂપ થાય છે.


