કમાલનું કંદઃ શક્કરિયું

Wednesday 25th March 2015 05:00 EDT
 
 

બટાટાની જેમ શક્કરિયાં પણ બારેમાસ મળી રહે છે આમ છતાં હવે જાણે તે ફક્ત ફરાળી વાનગીઓ કે ઊંધિયાની સિઝન પૂરતાં જ સીમિત થઇ ગયા હોય તેવું લાગે છે. બહુ ઓછા લોકો જાણે છે કે સ્વાદમાં લાજવાબ શક્કરિયાં શરીર માટે બહુ ગુણકારી છે. તેમાં વિટામિન બી-૬ ખૂબ પ્રમાણમાં છે તો તેમાં વિટામિન સી પણ ભરપૂર છે.

વિટામિન બી-૬ શરીરમાં ઉંમરને કારણે થતા રોગોને ઓછા કરે છે. ખાસ તો તે હાર્ટના રોગોને દૂર રાખે છે. જ્યારે તેમાં રહેલું વિટામિન સી વારંવાર થતી શરદી અને ખાંસીને દૂર રાખવાનું કામ કરે જ છે. આ ઉપરાંત શરીરમાં હાડકાંના બંધારણમાં અને દાંતની મજબૂતી માટે પણ વિટામિન ‘સી’ ઉપયોગી છે. શરીરમાં બ્લડ સેલ બનાવવાનું અને પાચનને સારું રાખવા માટે વિટામિન ‘સી’ ઉપયોગી છે. તેનાથી શરીરમાં વાગેલા પર રૂઝ જલદી આવે છે. વારંવાર લાગતો થાક ઓછો કરે છે. ચામડીની ફ્લેક્સિબિલીટીને બરાબર જાળવી ત્વચાને સુંદર બનાવી વ્યક્તિને યુવા દેખાવ આપે છે. શરીરને ટોક્સિનથી દૂર રાખી કેન્સર સામે રક્ષણ આપવાનું કામ પણ શક્કરિયાં કરે છે.

આ સિવાય પણ શક્કરિયાંમાં ઘણું બધું સમાયેલું છે. શક્કરિયાંમાં રહેલાં આવાં જ બીજાં કેટલાક ગુણો...

• શક્કરિયાંમાં વિટામિન ડી પણ હોય છે. શરીરને સૂર્યપ્રકાશથી વિટામિન ડી મળે છે, આ જ સત્વ તમને શક્કરિયાંમાં મળી રહે છે. વિટામિન ડી શરીરને માંદગીથી દૂર રાખે છે. આ ઉપરાંત શરીરને એનર્જી આપવાનું, હાડકાં બનાવવાનું, હાર્ટ, નસો, ચામડી અને દાંતને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. તેનાથી થાઇરોઇડ બરાબર કામ કરે છે.

• શક્કરિયામાં આયર્ન પણ સમાયેલું છે. આયર્ન શરીરમાં લાલ અને સફેદ કણ બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત રોગ સાથે લડવાની તાકાત આપીને ઇમ્યુન સિસ્ટમને બરાબર કામ કરતી રાખે છે. શક્કરિયાંમાં રહેલો આયર્નનો ભાગ શરીરને એનર્જી પણ આપે છે.

• મેગ્નેશિયમ, પોટેશિયમ પણ શક્કરિયાંમાં સમાયેલાં છે. મેગ્નેશિયમ એ હેલ્ધી આર્ટરી, લોહી, હાડકાં, હાર્ટ, મસલ્સ અને નર્વ્ઝને કામ કરવામાં મદદરૂપ થાય છે. પોટેશિયમ એ એક ખૂબ ઉપયોગી ઇલેક્ટ્રોલાઇટ છે, જે હાર્ટબીટમાં ઉપયોગી છે. તે શરીરમાં સોજાનું પ્રમાણ ઓછું કરે છે અને કિડનીની એક્ટિવિટીને કન્ટ્રોલ કરે છે.

• તેમાં બીટા-કેરોટીન આવેલું છે. તે બીટા-કેરોટીન ધરાવે છે, જે શરીરમાં વિટામિન એ પૂરું પાડે છે. તેનાથી આંખો સારી થાય છે અને શરીરને રોગ સામે રક્ષણ મળી રહે છે. આ ઉપરાંત તેના કારણે ઉંમરને લગતા રોગો દૂર થાય છે. તે કેન્સર સામે રક્ષણ આપે છે.

શક્કરિયાં ખરેખર તો બાફીને વાપરવા ઉત્તમ છે. તેને શેકીને ખાવાથી તો તેનો ગળ્યો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દિવસ દરમિયાન શેકેલું એક શક્કરિયું ખાઈ શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter