કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ

આંખોમાં ડ્રાયનેસ લાવે છે કમ્પ્યુટર કે મોબાઇલ સ્ક્રીનનો વધુ પડતો વપરાશ

Tuesday 22nd March 2022 10:17 EDT
 
 

કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમમાં યંગસ્ટર્સને આંખોમાં ડ્રાયનેસની સમસ્યા આવે છે. આંખોમાં ડ્રાયનેસનું મુખ્ય કારણ કમ્પ્યૂટર અને મોબાઈલ સામે વધુ સમય પસાર કરવાનું હોય છે. આધુનિક યુગમાં અનિવાર્ય થઇ ગયેલા આ સાધનો સાથે કામ કરતી વખતે મોટા ભાગની વ્યક્તિ પાંપણને ઓછી ઝપકાવવી હોય છે. અને આંખ ઝપકે છે ત્યારે જ આંખના નેત્રપટલ પર લ્યુબ્રિકેશન થતું હોય છે એ આપણે સહુ જાણીએ છીએ. આંખોમાં જ્યારે ડ્રાયનેસની સમસ્યા આવે છે તો વ્યક્તિને વારંવાર એવું લાગે છે કે, આંખમાં કંઈક પડી ગયું છે. આંખમાં કાંકરી પડી હોવાની સમસ્યા હકીકતમાં તો ડ્રાયનેસને કારણે હોય છે. આ સમયે આંખોને મસળો નહીં, નહીંતર વધુ નુકસાન થઈ શકે છે. આના બદલે આંખોને તરત જ મિનરલ વોટરથી ધોવી જોઈએ.
 આંખોમાં તણાવ અનુભવવો, માથાનો દુખાવો રહેવો, ઝાંખુ દેખાવું, આંખોમાં પાણી સુકાઈ જવું, ડોક, પીઠ અને ખભામાં દુ:ખાવો, આંખોમાં બળતરા, થાક અને આંખો લાલ થઈ જવી વગેરે કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમનાં સામાન્ય લક્ષણો છે.
પુરુષોની સરખામણીએ મહિલાઓ આનો વહેલા ભોગ બને છે, અને આના એક કરતાં વધુ કારણ છે. સ્ક્રીનિંગ ટાઈમ વધુ હોવાની સાથે જ કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ, કોન્ટેક્ટ લેન્સને સારી રીતે મોઈશ્ચરાઈઝ ન કરવા, કોઈ સર્જરીને કારણે, થાઈરોઈડને કારણે, મહિલાઓમાં આંખોમાં ડ્રાયનેસની સમસ્યા વધુ અને નાની વયે જોવા મળે છે. આનું એક કારણ હોર્મોનલ પરિવર્તન પણ હોય છે.
તો દૃષ્ટિ નબળી પડી શકે છે
જો આંખોમાં ડ્રાયનેસની સમસ્યાને લાંબા સમય સુધી નજરઅંદાજ કરવામાં આવે તો વ્યક્તિ આંધળી તો થતી નથી, પરંતુ દૃષ્ટિ નબળી પડવાનો ખતરો જરૂર સર્જાય છે. આ ઉપરાંત ભવિષ્યમાં આંખોમાં દરેક સમયે બળતરાની સમસ્યા, થાક, આંખો અને માથું ભારે-ભારે લાગવું વગેરે તકલીફો થઈ શકે છે. દર્દીને આંખો ખોલવાનું મન જ થતું નથી, જેના કારણે તેનું કામ અને જીવન બંને પ્રભાવિત થાય છે.
આમ દૂર કરી શકો આંખોની ડ્રાયનેસ
નિયમિતપણે હૂંફાળા પાણીથી આંખોની સફાઈ કરો. આંખોનો હળવા હાથે મસાજ કરો. ચા અને કોફી પીવા દરમિયાન ગરમ કપ પકડવાથી તમારી આંગળીઓ ગરમ થાય છે, એ ગરમ આંગળીઓ વડે આંખોને હળવેથી દબાવીને મસાજ કરો.
નિષ્ણાતોનું કહેવું છે કે આ સમસ્યાની જેટલા વહેલા ખબર પડે તેટલા ઝડપથી ડિજિટલ આઈ સ્ટ્રેન સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. થોડી પણ અસાવધાનીને કારણે સમસ્યા ફરીથી થઈ શકે છે. કોઈ પણ સ્થિતિમાં ડોક્ટરની સલાહ વગર દવા ખરીદવી પણ ન જોઈએ, અને વાપરવી પણ ન જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter