કલાકો સુધી કામ કરનારના વાળ ખરવાની શક્યતા વધુ

Thursday 23rd July 2020 07:04 EDT
 
 

ઘણા લોકોને યુવા વયે જ ટાલ પડી જતી હોય છે. આ માટે અનેક કારણો પણ અપાય છે. જેમ કે, ચિંતા, ભાગદોડભરી જીવનશૈલી, ફાસ્ટફૂડનું વધુ પડતું સેવન વગેરે વગેરે. આમાં એક નવા કારણનો ઉમેરો થયો છે. સંશોધકોના દાવા મુજબ કલાકો સુધી નોકરી કરતાં રહેવાથી યુવા વયે ટાલ પડી જવાનું જોખમ બમણું થઈ જાય છે.
નિષ્ણાતો કહે છે કે અઠવાડિયે તમે ઓફિસમાં બાવન કલાકથી વધુ કામ કરતા હો તો અઠવાડિયે ૪૦ કલાકથી ઓછું કામ કરનારની સરખામણીએ બમણી ઝડપે વાળ ખરતા હોય છે! સીધી વાત છે કે કામનો તણાવ વધુ રહે અને ઊંઘવાનો સમય ઓછો રહે એ વાળ ખરવાનું મુખ્ય કારણ હોય છે.
રિસર્ચ પેપરના લેખક ક્યુન્ગ હુન સોને જણાવ્યું હતું કે આ અભ્યાસનું પરિણામ દર્શાવે છે કે કામના લાંબા કલાકો પુરુષ કર્મચારીઓના માથે ઉંદરી પડવા સાથે સંકળાયેલા છે. ઉંદરીને નિયંત્રણમાં રાખવી હોય તો યુવા કર્મચારીએ કામના કલાકો મર્યાદિત કરવા જોઈએ. જ્યારે કર્મચારીઓ વીસી કે ત્રીસીમાં હોય ત્યારે જ તેમના કામના કલાકો ઘટાડવા જોઈએ. કેમ કે, એ વયે જ વાળ ખરવાના લક્ષણ જોવા મળતા હોય છે. સંશોધકોએ ૧૩ હજાર કરતાં વધુ કર્મચારીઓ ઉપર આ અંગે અભ્યાસ કર્યો હતો.
સાઉથ કોરિયાના પાટનગર સિઉલ ખાતેની સુન્ગક્યુકવાન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના સંશોધકોએ ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન ૨૦થી ૫૯ વર્ષની વયના ૧૩,૩૯૧ પુરુષોને અભ્યાસ હેઠળ આવરી લીધા હતા. તેઓને ત્રણ જૂથમાં વહેંચી નાંખ્યા હતા.
એક ગ્રુપ – નોર્મલ એવું કે જેઓ અઠવાડિયે ૪૦ કલાક કામ કરતા, બીજું એક જૂથ લોંગ એવું કે જેમાં લોકો અઠવાડિયે બાવન કલાક કામ કરતા હોય છે, તો ત્રીજું જૂથ મચ લોંગર એવું કે જેઓ આ કલાકો કરતાં પણ વધુ કામ કરતા હતા. એ ઉપરાંત વય, પરિણીત કે અપરિણીત હોવાની માહિતી, શૈક્ષણિક લાયકાત, મહિને આવક, ધૂમ્રપાન અને કામનું શિડ્યુલ એવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter