કસરતની પીડા ભૂલાવે છે મ્યુઝિક

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 06th May 2017 07:20 EDT
 
 

તમે જિમમાં એક્સરસાઇઝ કરતાં-કરતાં ડેક પર વેસ્ટર્ન મ્યુઝિક સાંભળવાના શોખીન છો? કે પછી દરિયાકિનારે સાગરનાં મોજાંનો અવાજ સાંભળવા કરતાં તમને કાનમાં હેડફોન ભરાવીને બોલિવૂડનાં ગીતો સાથે જોગિંગ કરવાનું વધુ પસંદ છે? ઘણા લોકોને બોરિંગ એક્સરસાઇઝ કરતાં ઝુમ્બા કે એરોબિક્સ એટલે વધારે ગમતાં હોય છે કેમ કે એમાં મ્યુઝિકના તાલે એક્સરસાઇઝ કરવાની હોય છે. નિયમિત એક્સરસાઇઝ કરતા મોટા ભાગના લોકો મ્યુઝિકની સાથે એક્સરસાઇઝ કરતા હોય છે. મ્યુઝિક સાથે એક્સરસાઇઝ કરવાની તેમને મજા આવે છે એવું સામાન્ય કારણ બધા આપતા હોય છે. તો ઘણા કહેતા હોય છે કે મ્યુઝિક સાંભળીએ તો જ હાથ અને પગ સરસ ચાલે છે.

જિમમાં એક્સરસાઇઝ કરતા લોકો કહેતા હોય છે કે એક્સરસાઇઝ કરવી બોરિંગ કામ છે, પરંતુ સાથે સાથે મ્યુઝિક ચાલતું હોય તો એ બોરિંગ કામ રસપ્રદ બની જાય છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરતા ઘણા લોકો માનતા હોય છે કે મ્યુઝિક ચાલુ હોય તો ખબર જ નથી પડતી કે કેટલી એક્સરસાઇઝ કરી લીધી. મ્યુઝિકને કારણે સમય પસાર થતો રહે છે અને તમે એક્સરસાઇઝ કરતા જ જાઓ છો. આમ વર્કઆઉટ વધુ સારું થાય છે. આ બધા અનુભવો છે, પરંતુ ઘણાબધા અનુભવો અને અભ્યાસના આધારે કહી શકાય કે સંગીત અને એક્સરસાઇઝ વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. આ સંબંધ શું છે એ વિશે આજે વિસ્તારમાં જાણીએ.

એક કેનેડિયન રિસર્ચે તાજેતરમાં સંગીત અને એક્સરસાઇઝ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો છે. એ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સંગીત એક્સરસાઇઝમાં કેમ ઉપયોગી સાબિત થાય છે. આ રિસર્ચ મુજબ સંગીત સાંભળવાથી એક કેમિકલ મગજમાં રિલીઝ થાય છે જેનું નામ છે ઓપીઓઇડ. હેરોઇન અને મોર્ફીન જેવાં કેમિકલ્સ જેવું જ આ ઓપીઓઈડ હોય છે જે એક નેચરલ પેઇનકિલરનું કામ કરે છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે એક્સરસાઇઝ કરતાં-કરતાં જ્યારે આપણે મ્યુઝિક સાંભળીએ છીએ ત્યારે એક્સરસાઇઝ દરમ્યાન જે ફિઝિકલ સ્ટ્રેઇન પડે છે એને લીધે જ મસલ્સ દુખે છે. એ દુખાવામાં મ્યુઝિક સાંભળવાથી જે ઓપીઓઇડ કેમિકલ શરીરમાં રિલીઝ થયું છે એ ઘણું જ મદદગાર સાબિત થાય છે. એનાથી વ્યક્તિ પોતાનું પેઇન ભૂલી જાય છે અને ખુશીથી એક્સરસાઇઝ કરી શકે છે. એટલું જ નહીં, લાંબા સમય સુધી એક્સરસાઇઝ કરી શકે છે. ઊલટું વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે ફક્ત મ્યુઝિક સાંભળીને એક્સરસાઇઝ કરવા કરતાં મ્યુઝિકમાં મગ્ન થઈ જાઓ અથવા તો ગાઈને, નાચીને કે કોઈ પણ રીતે એ મ્યુઝિકની સાથે જોડાઈ જાઓ તો વધુ ઓપીઓઇડ રિલીઝ થાય છે અને એથી જ એ વધારે પેઇન-રિલીવર તરીકે આમ કરે છે.

પસંદગી મહત્વની

આ પ્રકારનાં બીજાં ઘણાં રિસર્ચ છે જે દ્વારા મ્યુઝિક અને હેલ્થ એકમેક સાથે સંકળાયા હોવાના અનેક પુરાવા મળે છે. એક રિસર્ચ મુજબ મ્યુઝિકથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને મેમરી શાર્પ થાય છે. આ વાત સાથે સહમત થતાં અને મ્યુઝિક અને એક્સરસાઇઝ વચ્ચેનો સંબંધ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે મ્યુઝિકમાં ઘણોબધો પ્રભાવ રહેલો છે. સંગીત આપણી ભાવનાઓ સાથે જોડાઈ જાય છે અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. કોઈ મ્યુઝિક સાંભળીને આપણે ઉત્તેજિત થઈ જઈએ છીએ તો કોઈ મ્યુઝિક સાંભળીને આપણે શાંત થઈ જઈએ છીએ. મ્યુઝિકના ધ્વનિતરંગો આપણા માનસિક તરંગોને પ્રભાવિત કરે છે. અમુક પ્રકારના મ્યુઝિકથી શરીરનું સક્યુર્લેશન વધી જાય છે. એક્સરસાઇઝ દરમ્યાન મ્યુઝિક સાંભળી શકાય છે, કારણ કે એનાથી સારો ફાયદો થઈ શકે છે, પરંતુ એ ફાયદો તમે ક્યા પ્રકારનું મ્યુઝિક સાંભળો છો એના પર નિર્ભર કરે છે. આમ એક્સરસાઇઝ દરમ્યાન મ્યુઝિક પસંદ કરવામાં ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

આવશ્યક સંભાળ

મોટા ભાગના લોકો કાનમાં ઈયરફોન કે હેડફોન ભરાવીને વોકિંગ કે જોગિંગ કરવા નીકળી જાય છે. આવા લોકો ઘણી વખત મ્યુઝિકમાં એટલા તલ્લીન થઇ જાય છે કે બહારની દુનિયાથી કટ-ઓફ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એક્સિડન્ટ થવાનું રિસ્ક વધી જાય છે. જ્યારે પણ આ રીતે બહાર નીકળો ત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સિવાય કાન-નાક-ગળાના નિષ્ણાતો કહે છે કે જે લોકો દરરોજ એક કલાક ચાલવા કે જોગિંગ માટે જતા હોય અને ઈયરફોન ભરાવીને મ્યુઝિક સાંભળતા હોય એ લોકોએ મ્યુઝિક લાઉડ ન રાખવું જોઈએ. આટલો સમય રેગ્યુલર ઈયરફોન દ્વારા લાઉડ મ્યુઝિક સાંભળવાથી કાનના પડદાને ડેમેજ થઈ શકે છે કે લાંબા ગાળે બહેરાશ પણ આવી શકે છે. ઈયરફોનથી મ્યુઝિક સાંભળવાનું ટાળીએ તો ઘણું સારું અને જો એ ન ટાળી શકાય તો એ લાઉડ ન જ સાંભળવું જોઈએ.

યોગ અને મ્યુઝિક

મોટા ભાગે જિમમાં ડેક પર લાઉડ મ્યુઝિક વાગતું હોય, એરોબિક્સમાં પેપી સોંગ્સ વાગતાં હોય, ઘણી જગ્યાએ બોલિવૂડ નંબર્સ વાગતાં હોય છે તો કોઈ વળી ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક પર એક્સરસાઇઝ કરતા હોય છે, પરંતુ યોગમાં મોટા ભાગે મ્યુઝિક વપરાતું નથી. આવું શા માટે? આ પ્રશ્નના યોગ નિષ્ણાતો કહે છે કે યોગમાં જો સંગીત વાપરવું હોય તો એ શાસ્ત્રીય વાદ્ય એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક જ વધુ યોગ્ય રહેશે. જો એ સંગીતમાં શબ્દનો પ્રયોગ થયો હોય તો સંભવતઃ મન કે ધ્યાન ભટકે, જે યોગ માટે સારું નથી. યોગ ફક્ત એક્સરસાઇઝ નથી, એ એક આંતરિક યાત્રા છે જે યાત્રાના કેન્દ્રમાં મન છે. એ શારીરિક રીતે સ્નાયુઓને રિલેક્સ કરીને મગજ અને મનને વધુ રિલેક્સ કરે છે. આ યાત્રામાં મ્યુઝિક તરીકે મંત્રોનો ઉપયોગ ચોક્કસ થાય છે. જેમ કે, સૂર્યનમસ્કારમાં ૧૨ મંત્રો બોલાય છે. ઘણાં આસનોમાં બીજ મંત્રનો ઉપયોગ થાય છે. મંત્રયોગ તરીકે યોગનો એક પ્રકાર પણ છે. યોગ જ્યારે કુદરતની વચ્ચે કરવામાં આવે ત્યારે વધુ સારું પરિણામ આપે છે. જેમ કે સમુદ્રકિનારે દરિયાનાં મોજાં કે પક્ષીઓના અવાજ વચ્ચે તમે યોગ કરો છો ત્યારે આ કુદરતી સંગીત યોગને બળ પ્રદાન કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter