કાન સાફ કરવાનું ટાળો, કોટન બડનો ઉપયોગ ખતરનાક છે

Wednesday 12th June 2019 05:34 EDT
 
 

લંડનઃ આપણા મહાનગરની જ વાત છે. એક દિવસ ૩૧ વર્ષનો એક તંદુરસ્ત યુવાન એકાએક બેભાન થઇ ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો. તેના પલ્સ બરાબર હતા, હાર્ટ પણ યોગ્ય રીતે કામ કરતું હતું છતાં એ શા માટે બેભાન થયો એ પ્રશ્ન ડોક્ટરો માટે કોયડો બની ગયો હતો.
અનેકવિધ તપાસ પછી તેના મગજનું સ્કેનીંગ કરાયું તો ખબર પડી કે તેના ડાબા કાન પાસે ઇન્ફેક્શન થયું છે અને પસ ભરેલી બે કેવિટી જોવા મળે છે. તબીબી ભાષામાં આને ઓટીટીસ એર્ક્સ્ટના કહેવાય છે અને એ થવાનું કારણ રોજ કાન સાફ કરવાથી લાગતું ઇન્ફેક્શન છે. તેના ડાબા કાનમાંથી કોટન બડ સ્કલમાં ઘૂસી ગયું હતું અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે એક હાડકું સડી ગયું હતું.

કાન-મગજ વચ્ચે ઈન્ફેક્શનનો ખતરો

ડોક્ટરોને તપાસમાં જાણવા મળ્યું કે આ યુવાનને રોજ કાન સાફ કરવાની આદત હતી. તેથી એના કાન અને મગજની વચ્ચે ઇન્ફેક્શન થયું હતું. શરૂમાં તેનું માથું દુઃખતું હતું અને ક્યારેક તે લોકોના નામ ભૂલી જતો હતો. તેને સાંભળવામાં પણ તકલીફ પડતી હતી. જ્યારે તે બેભાન થયો ત્યારે કાન સાફ કરવાની આદતની ગંભીરતાનો ખ્યાલ તેને આવ્યો. તેના કાનમાં ઓપરેશન કરાયું અને આઠ અઠવાડિયા સુધી તેને એન્ટિ-બાયોટિક્સ પર રાખવામાં આવ્યો.

કોટન બડ કઇ રીતે નુકસાન કરે?

કાન સાફ કરવાની આદત દુનિયામાં લગભગ દરેક દેશોમાં જોવા મળે છે. કરોડો લોકો દરરોજ કોટન બડથી કે ઘરમાં રૂની મદદથી કાન સાફ કરે છે. ડોક્ટરો આમ કરવાની ચોખ્ખી ના પાડે છે તે છતાં તેઓ આદત છોડતા નથી. ઘણા લોકો તો પેન્સિલ કાનમાં નાખે છે, ગૃહિણીઓ તો હેર પિન નાખીને કાન સાફ કરે છે. જોકે આ ટેવ ખતરનાક છે, તે કાનને નુકસાન પહોંચાડે છે.
દરરોજ કોટનથી કાન સાફ કરવામાં આવે એટલે કાનમાં રોજે રોજ પેદા થતો વેક્સ કાનની અંદરની સાઇડે જતો રહે છે. આના કારણે કાનના પડદાને નુકસાન થાય છે અને ઇન્ફેક્શન થાય છે. એના પગલે ઓટીટીસ એર્ક્સ્ટના થાય છે. આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે અને એ મસ્તિષ્કમાં મગજના વિસ્તારમાં થાય છે. ડોક્ટરોએ કહે છે કે આવી આદતના કારણે ચહેરા પરના જ્ઞાનતંતુઓને પણ અસર થાય છે. જોકે આ આડઅસર મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે.

દરરોજ કાન સાફ કરવાની જરૂર નથી

કરોડો લોકો એવું માને છે કે રોજ કાનમાં તૈયાર થતો વેક્સ ખરાબ છે, પણ નિષ્ણાતો કહે છે કે એવું નથી. આ વેક્સ કુદરતી છે અને કાનને એની જરૂર છે. આ વેક્સ કાનમાં પાણીને જવા દેતું નથી, કાનની અંદર રહેલા ભાગો માટે લુબ્રિકન્ટનું કામ કરે છે અને એસિડિક હોવાના કારણે બેક્ટેરિયાનો ખાત્મો કરે છે. લોકો જ્યારે કાન સાફ કરે છે ત્યારે તેઓ હકીકતમાં વેક્સને કાનની અંદર ધકેલી દે છે. આ વેક્સ અંદર જઈને કડક બને છે અને વ્યક્તિની સાંભળવાની ક્ષમતાને અસર કરે છે. એ પછી એ કાનમાં વધારે અંદર જાય તો ઇન્ફેક્શન કરે છે.
ઘણા લોકોને સવાલ થાય છે કે દરરોજ કાન સાફ ન કરીએ તો ચાલે? ડોક્ટરો કહે છે કે કાન સાફ કરવાની જરૂર નથી. કાનની અંદરના કોષો રોજે રોજ નવા બને છે અને તેનો ગ્રોથ અંદરથી બહારની તરફ હોય છે. જે કોષ જૂના હોય છે તે ધીમે ધીમે કાનની બહારની તરફ આવે છે અને પછી કાનની બહાર કુદરતી રીતે નીકળી જાય છે. કાન સાફ કરવામાં ન આવે તો પણ ચાલે એવી આ કુદરતી વ્યવસ્થા છે. જ્યારે લોકો કાન સાફ કરે છે ત્યારે તેઓ
કાનને નુકસાન કરે છે એ આ વાતથી સ્પષ્ટ થાય છે.

...તો ડ્રોપ્સનો ઉપયોગ કરો

મેડિકલ સ્ટોરમાં સોડિયમ બાયકાર્બોનેટના ડ્રોપ્સ ઉપલબ્ધ હોય છે. જે લોકોને એમ લાગે કે તેમના કાનમાં મેલ જમા થયો છે તેઓ આ ડ્રોપ્સ લાવીને કાનમાં નાખી શકે છે. એમાં સખત થયેલો વેક્સ ઓગળી જાય છે અને કાનની બહાર નીકળે છે. શરૂમાં દિવસમાં એક કે બે વાર આ ડ્રોપ્સ કાનમાં નાખવા જોઈએ અને પછી ધીમે ધીમે માત્રા ઘટાડતા જઇને અઠવાડિયામાં એક વાર કરવી જોઈએ. કાન પણ સાફ થઇ જશે અને બેથી ત્રણ મહિનામાં આ આદત પણ જતી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter