કૃત્રિમ સ્વીટનરમાં સુક્રાલોઝથી DNAને નુકસાન

હેલ્થ બુલેટિન

Friday 21st July 2023 07:11 EDT
 
 

કૃત્રિમ સ્વીટનરમાં સુક્રાલોઝથી DNAને નુકસાન
ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા તેમજ ડાયાબિટીસના કારણે નહિવત કેલરી ધરાવતા કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરે છે પરંતુ, આવા કૃત્રિમ ગળપણમાં સામાન્યપણે મળતાં કેમિકલ્સની નુકસાનકારી અસરો બહાર આવી રહી છે જેનાથી હૃદયરોગ સહિત બીમારીઓનું જોખમ વધે છે. નવા સંશોધન મુજબ Splenda જેવી બ્રાન્ડ્સમાં જોવાં મળેલાં સુક્રાલોઝ -6- એસિટેટ રસાયણથી DNAને નુકસાન, હોજરી-આંતરડામાં ખરાબી તેમજ કેન્સર વગેરે રોગ થતાં હોવાનું જણાયું છે. આ કેમિકલ ‘જેનોટોક્સિક’ એટલે કે ડીએનએને નુકસાન કરનારું હોય છે. જર્નલ ઓફ ટોક્સિકોલોજી એન્ડ એન્વિરોન્મેન્ટલ હેલ્થમાં પ્રકાશિત કરાયેલાં નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સસિટી અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના સંશોધકોના તારણો મુજબ સુક્રાલોઝ -6- એસિટેટ કેમિકલ ઓક્સિડેટિવ સ્ટ્રેસ, સોજા કે દાહ અને કાર્સિનોજિનેસિટી સાથે સંકળાયેલી જિનેટિક એક્ટિવિટી વધારી નાખે છે જેના પરિણામે, શરીરના કોષોમાં રહેલી જિનેટિક માહિતીને તથા હોજરીની આંતરિક દીવાલોના કોષોને નુકસાન પહોંચે છે. સામાન્ય ખાંડ કરતાં 600 ગણું ગળપણ ધરાવતા સુક્રાલોઝનો ઉપયોગ હળવાં પીણાં, ચ્યુઈંગ ગમ્સ, જિલેટીન્સ, ફ્રોઝન ડેરી પ્રોડક્ટ્સ સહિતના ખાદ્યપદાર્થોના જથ્થાબંધ ઉત્પાદનમાં કરાય છે.

•••

વધુ પડતો આલ્કોહોલ સ્નાયુ નબળા પાડે છે
જે લોકો વધુ પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે તેમને પાછલી જિંદગીમાં સ્નાયુઓ નબળા પડી જવાનું જોખમ રહે છે. કેલ્સિફાઈડ ટિસ્યુ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લીઆના સંશોધકોના અભ્યાસમાં દિવસમાં 10 કે તેથી વધુ યુનિટ આલ્કોહોલ પીનારા લોકોને ઉંમર વધવાની સાથે સ્નાયુઓનો જથ્થો ઘણો ઘટ્યો હોવાનું જણાયું હતું. 10 યુનિટ આલ્કોહોલ એટલે પ્રતિદિન વાઈનની એક બોટલ અથવા 4-5 પિન્ટ બીયરની સમકક્ષ થાય છે. આલ્કોહોલના કારણે બ્લડ પ્રેશર, કાર્ડિયોવાસ્કુલર સમસ્યા તેમજ લીવરના રોગો જેવી નુકસકાનકારી અસરો જોવા મળે છે. સ્નાયુ નબળા પડવા સાથે અશક્તિ અને નબળાઈ જેવી સમસ્યાઓ સર્જાય છે. સંશોધકોએ તેમના અભ્યાસ માટે યુકેમાં 500,000 લોકોની આરોગ્ય માહિતી ધરાવતા યુકે બાયોબેન્કના ડેટાની ચકાસણી કરી હતી. તેમણે 37થી 73 વયજૂથના લગભગ 200,000 લોકોનો ડેટા પણ તપાસ્યો હતો.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter