રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય છે અને પેશન્ટ કેન્સરમાંથી બચી પણ શકે છે. તાજેતરમાં કેન્સરગ્રસ્ત કિંગ ચાર્લ્સ તૃતીયે બકિંગહામ પેલેસમાં આયોજિત એક કાર્યક્રમમાં ક્વીન કેમિલા અને પ્રેઝન્ટર લોરૈન કેલી સહિત 500 જેટલા મહેમાનો સમક્ષ દિલ ખોલીને વાત કરી મહત્ત્વનો સંદેશ આપ્યો હતો કે, ‘કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો’.
કિંગ ચાર્લ્સે કેન્સર હોવાના ‘ડરામણા અને ઘણી વખત ભયાવહ’ અનુભવ વિશે લખ્યું છે જેમાં પોતાના નિદાન વિશે સૌથી અંગત વિચારો રજૂ કર્યા છે. તેમણે 2022માં કેન્સરથી મોતનો શિકાર બનેલા કેમ્પેઈનર ડેબોરાહ જેમ્સનાં શબ્દોને ટાંકતા જણાવ્યું હતું કે, ‘ જીવનને આનંદપૂર્ણ, માણવાલાયક બનાવો, જોખમ ઉઠાવો, ગાઢ પ્રેમ કરો, કોઈ અફસોસ ન રાખો અને હંમેશાં, હંમેશાં બળવાખોર આશા રાખો.’
કિંગ ચાર્લ્સનો સંદેશો બકિંગહામ પેલેસમાં કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારો સાથે કામ કરનારાઓનું સન્માન કરવા આયોજિત રિસેપ્શનમાં અતિથિઓ માટેની બુકલેટમાં રજૂ કરાયો હતો. કિંગના સહાયકોના જણાવ્યાનુસાર કિંગના ‘અત્યંત વ્યક્તિગત’ શબ્દોએ તેમના અનુભવોને પ્રતિબિંબિત કર્યા છે. કિંગ ચાર્લ્સને ગત વર્ષે જાન્યુઆરીમાં કેન્સરનું નિદાન થયું હતું. આ સાથે તેઓ યુકેમાં દર વર્ષે કેન્સરનું નિદાન કરાતા 390,000 લોકોમાંથી એક બન્યા હતા.
કિંગ ચાર્લ્સે લખ્યું હતું કે, ‘દરેક નિદાન, દરેક નવો કેસ, તે વ્યક્તિઓ અને તેમના પ્રિયજનો માટે ડરામણો અને ક્યારેક ભયજનક અનુભવ હશે. પરંતુ હું પોતે આ આંકડાઓમાં એક હોવાથી, એ હકીકતની ખાતરી આપી શકું છું કે તે સ્પષ્ટપણે માનવતાનું સૌથી શ્રેષ્ઠ પાસું દર્શાવતો અનુભવ પણ હોઈ શકે છે. આજની સાંજે એકત્ર થયેલા અસામાન્ય સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા કરાતા ઉત્કૃષ્ટ કાર્યની ખૂબ જ હું ઊંડી પ્રશંસા કરું છું, જેમાંથી ઘણાને હું વર્ષોથી જાણું છું, મુલાકાત લીધી છે અને સમર્થન આપ્યું છે. અને આનાથી મેં આ મુલાકાતો દરમિયાન કરેલું નિરીક્ષણ મક્કમ બન્યું છે - કે બીમારીની સૌથી અંધકારમય ક્ષણો પણ સૌથી મહાન કરુણાથી પ્રકાશિત થઈ શકે છે.’