લંડનઃ ગત માર્ચ સુધીના એક વર્ષમાં ઈંગ્લેન્ડમાં વૃદ્ધોને કેર હેમ્સમાં રાખવાની કિંમતમાં ૪.૭ ટકાનો ધરખમ વધારો થયો છે. ૨૦૧૦ પછી આ સૌથી મોટો વધારો છે, જે ઈન્ફ્લેશન સપાટીથી ત્રણ ગણાથી વધુ છે. આંકડાઓ જોઈએ તો ગત વર્ષે ઈંગ્લેન્ડમાં કેર હોમનું સરેરાશ સાપ્તાહિક બિલ ૬૫૫ પાઉન્ડ તેમજ વેલ્સમાં ૬૧૩ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૫૩૯ પાઉન્ડે પહોંચ્યુ હતું.
ગત વર્ષે કેર હોમની ફી વાર્ષિક સરેરાશ ૩૪,૦૦૦ પાઉન્ડે પહોંચી હતી, જે લગભગ એક દાયકામાં સૌથી વધુ ઉછાળો દર્શાવે છે. ગત માર્ચ સુધીના એક વર્ષમાં ઈંગ્લેન્ડમાં નબળા અને અસલામત વૃદ્ધો માટે રહેવાના સ્થળની કિંમતમાં ૪.૭ ટકા જેટલો વધારો થયો છે જે, ૨૦૧૦ પછી સૌથી વધુ છે. વયોવૃદ્ધો અને તેમના પરિવારો કિંમતવધારો સહન કરી રહ્યા છે ત્યારે સામાજિક સંભાળના સુધારાઓ વિશે વચનો પૂર્ણ કરવા માટે સર્વપક્ષી સહમતિના નિર્માણમાં બોરિસ જ્હોન્સન અને મિનિસ્ટર્સ પર દબાણ વધી રહ્યું છે. ઘણા બ્રિટિશરોને કેર હોમમાં સ્થાન મેળવવા પોતાના ઘર વેચવાની પણ ફર પડે છે.
ઈંગ્લેન્ડમાં વાર્ષિક ૩૦ પાઉન્ડના વધારા સાથે કેર હોમ ફીનું સરેરાશ સાપ્તાહિક બિલ ૬૫૫ પાઉન્ડ તેમજ વેલ્સમાં ૬૧૩ પાઉન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૫૩૯ પાઉન્ડે પહોંચ્યુ હતું. આ અંદાજમાં જેઓ પોતાના બિલ્સ ખુદ ચૂકવે છે તેમજ બચત અને પ્રોપર્ટી વિનાના રહેવાસીઓને સબસિડીઓ માટે ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડની સ્થાનિક કાઉન્સિલો દ્વારા ચૂકવાતી રકમનો સમાવેશ થાય છે. કિંમતો નીચી રાખવા જથ્થાબંધ ખરીદીઓ કરતી કાઉન્સિલ્સની સરખામણીએ સ્વખર્ચ કરનારાઓ સરેરાશ ૩૦ ટકા વધુ ચૂકવે છે. હોમ ઓપરેટર્સ ખર્ચા સરભર કરવા પોતાના બિલ ચૂકવનારાઓનું બિલ વધારતા રહે છે. સ્કોટલેન્ડમાં દરેક રહેવાસીઓ માટે અંગત કાળજીનો ખર્ચ સ્થાનિક કાઉન્સિલો ચૂકવે છે ત્યાં સરેરાશ કેર હોમ બિલ સાપ્તાહિક ૭૬૯ પાઉન્ડ આવે છે.
આ જ રીતે, રહેવાસીની મેડિકલ અને નર્સિંગ કાળજીની જરૂરિયાતના લીધે નર્સિંગ હોમમાં સ્થાન મેળવવાનો ખર્ચ સમગ્ર યુકેમાં સાપ્તાહિક ૮૯૩ પાઉન્ડ આવે છે. કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના જણાવ્યા અનુસાર ફીનું ધોરણ બધે બદલાતું રહે છે. સાઉથ ઈસ્ટમાં ૨૦૧૮-૧૯માં કેર હોમમાં સરેરાશ સાપ્તાહિક ખર્ચ ૭૮૩ પાઉન્ડ હતો જ્યારે નોર્થ ઈસ્ટમાં ૫૪૭ પાઉન્ડ ફી હતી. ડિમેન્શિયા સાથેના લોકોને વિશિષ્ટ સંભાળ પૂરી પાડતા કેર હોમ્સ અને નર્સિંગ હોમ્સ સામાન્યપણે ઊંચી ફી વસૂલે છે.


