આ સ્માર્ટફોનનો જમાનો છે ત્યારે લોકોનું વાંચન ઘટી ગયું છે. વર્તમાનપત્રો પણ સ્માર્ટફોન પર વંચાય છે અને ઘણા તો માત્ર હેડિંગ્સ પર નજર ફેરવી લે છે. લોકોનું વાંચનનું મહત્ત્વ સમજી રહ્યા નથી. જોકે, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોના અભ્યાસના તારણો જણાવે છે કે તમે વોર એન્ડ પીસ જેવી મહાનવલ અથવા તો ધ વેરી હંગ્રી કેટરપિલર જેવી હળવાશપૂર્ણ વાર્તાઓ વાંચતા હશો તો પણ તમારા વાંચન થકી શરીર અને મન, બંને સમૃદ્ધ બને છે. તમે શું અથવા કેવી રીતે વાંચો છો તેને ધ્યાનમાં લીધા સિવાય કોઈ પણ પુસ્તક લઈને વાંચવા બેસી જશો તેનાથી આરોગ્ય અને સમસ્યા ઉકેલમાં સુધારા હાંસલ થાય છે.
સાયકોલોજિકલ મેડિસીન જર્નલમાં પ્રકાશિત તારણો અનુસાર કોમિક બુક્સ, નવલકથાઓ અથવા દળદાર નોન-ફિક્શન્સ સુધી કોઈ પણ પ્રકારના વાચનથી મળતા લાભોમાં તણાવ ઓછો થવો અને સ્મૃતિભ્રંશ-ડિમેન્શીઆના ઘટતાં જોખમનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં હજારો વયસ્કો અને બાળકોને સાંકળતી ટ્રાયલ્સના ડેટાની સમીક્ષા કરવામાં આવી હતી. MRI સ્કેન્સમાં જણાયું હતું કે વાંચનથી મગજના માળખાંમાં ફેરફાર થાય છે અને વિવિધ હિસ્સા વચ્ચે કનેક્ટિવિટીમાં સુધારો થાય છે. 7થી 11 વર્ષની વય વચ્ચેના બાળકોમાં માત્ર 8 સપ્તાહના વાંચન પ્રોગ્રામથી તેમના મગજનાં ગ્રે મેટરમાં વધારો થતો જોવાં મળ્યો છે. જે મોટા વયસ્કો નિયમિતપણે પુસ્તકો, ન્યૂઝપેપર્સ અથવા મેગેઝિન્સ વાંચતા હોય છે તેમનામાં અલ્ઝાઈર રોગ થવાનું જોખમ 33 ટકા ઓછું હોય છે.
10,000 બાળકોના ડેટામાંથી જાણવા મળ્યું છે કે જેમણે જીવનના પ્રારંભિક વર્ષોમાં આનંદ માટે વહેલા વાંચવાનું શરૂ કર્યું હતું તેઓની યાદશક્તિ બહેતર હતી, શાળામાં બહેતર કામગીરી હતી અને માનસિક આરોગ્યની સમસ્યાઓ ઓછી રહી હતી. વાંચન અને ગાણિતિક સિદ્ધિઓ અરસપરસ સંકળાયેલી છે કારણકે તેઓ ભાષાઓનું કૌશલ્ય, યાદશક્તિ અને એક્ઝિક્યુટિવ કાર્યોની એકસમાન જ્ઞાનવર્ધક પ્રક્રિયાઓ ધરાવે છે. પુખ્ત લોકોના ડેટા અનુસાર વાંચન ‘તણાવમાં ઘટાડા, વધુ સહાનુભૂતિ, સ્વાસ્થ્યવૃદ્ધિ અને એકલતામાં ઘટાડા’ સાથે સંકળાયેલું છે અને તે વૃદ્ધાવસ્થામાં માનસિક ક્ષીણતાને ધીમી પાડે છે.
અભ્યાસના આલેખક પ્રોફેસર બાર્બરા સાહાકિઆન કહે છે કે, ‘સહભાગી વાંચનજૂથો અને બૂક્સ ક્લબ્સ સામાજિક આદાનપ્રદાન સાથે વધારાના ફાયદાઓ પહોંચાડે છે. તે લોકોમાં અલગ પડી જવાની લાગણીને ઘટાડવામાં મદદ કરે છે. આવી ક્લબ્સ કોઈ પણ વયે મઝાની અને લાભકારી બની રહે છે તેમજ જે વયોવૃદ્ધ લોકો વધુ હરીફરી શકતા નથી, તેમના માટે તે ઘણી સારી બની રહે છે.’


