વોશિંગ્ટનઃ અમેરિકાના અંદાજે ૪૫ જેટલા રાજ્યોમાં શાળાઓ માટે વિદ્યાર્થીને હસ્તલેખન શીખવાડવું જરૂરી નથી, પરંતુ નવો અભ્યાસક્રમ સૂચવે છે કે બાળ વિકાસ માટે હસ્તલેખન કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું છે. કમ્પ્યુટર પર ભણતી વખતે કે પેન અને કાગળ મદદથી હાથથી લખીને ભણતી વખતે સર્જાતી મગજની પ્રક્રિયાનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ તારણ પર પહોંચ્યા છે કે કમ્પ્યુટર પર માહિતી સ્ટોર કરીને ભણવાને બદલે પેન-કાગળની મદદથી ભણતી વખતે બાળકો વિષયને વધુ સારી રીતે સમજીને તેને યાદ રાખી શકે છે. ઉપલ્બધ ડેટા સૂચવે છે કે હસ્તલેખન પ્રવૃત્તિ જેટલા પ્રમાણમાં વધારવામાં આવે તેટલા પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે કે ભાષાને સમજવા ઉપયોગી સાબિત થયેલા મગજના ભાગો વધુ સક્રિય રહેતા હોય છે.
વિજ્ઞાનીઓનું એમ પણ કહેવું છે કે વયસ્કો માટેય હસ્તલેખન ઉપયોગી સાબિત થાય છે. વયસ્કો પણ જો હાથથી લખે તો લખેલી બાબત બહેતર રીતે યાદ રાખી શકે છે. નોર્વેની વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધકો દ્વારા આ વિષયે અભ્યાસ હાથ ધરાયો હતો.
અભ્યાસના તારણો કહે છે કે બાળકો માટે હાથથી લખીને ભણવાના પ્રકરણોની સંખ્યા વધારવા રાષ્ટ્રીય ગાઈડલાઈન જારી થવી જોઈએ. પ્રોફેસર ઔદ્રે વાન દેર મીર અને તેમની ટીમ વર્ષો સુધી હાથ વડે લખવાથી થતા લાભો વિશે અભ્યાસ કરતી રહી હતી. ટીમે વર્ષ ૨૦૧૭માં આ સંબંધમાં બાળકોની મગજની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. તાજેતરમાં વધુ ૧૨ વિદ્યાર્થીઓની માનસિક પ્રવૃત્તિનો અભ્યાસ થયો હતો. માનસિક પ્રવૃત્તિના અભ્યાસ માટે ઇઇજી અને ૨૫૦ જેટલા ઇલેક્ટ્રોડનો ઉપયોગ થયો હતો. ઇલેક્ટ્રોડની રચના તે મગજમાં સર્જાતા ઇલેકટ્રિકલ તરંગો ઝીલી શકે તે પ્રકારે થઈ હતી.