લંડન: કોરોના વાઇરસના મામલે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. નિષ્ણાતોના મતે આ વાઇરસ મગજ પર પણ ખરાબ અસર કરી શકે છે. એટલું જ નહીં, કોરોના અસાધ્ય બીમારીઓનું કારણ બની શકે છે.
યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)ના સંશોધકોને અભ્યાસ દરમિયાન કોરોના સંક્રમિત ૪૩ દર્દીના મગજમાં ગંભીર સમસ્યાઓ જોવા મળી છે. આ દર્દીઓના મગજ પર સોજો જોવા મળ્યો છે અને તેઓ મનોવિકૃતિથી કે બેભાન અવસ્થામાં બબડાટ કરવા લાગ્યા છે. તેમનું મગજ કામ કરતું બંધ થઇ શકે છે, મગજની નસોને નુકસાન થઇ શકે છે અથવા તો તેમને ખેંચ પણ આવી શકે છે. આ સાથે જ તેમનામાં મગજ સંબંધિત અન્ય તકલીફો પણ જોવા મળી શકે છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોલોજીના ડો. માઇકલ જોન્ડીએ જણાવ્યું હતું કે કોરોનાના પગલે મોટા પાયે લોકોના મગજને નુકસાન થશે.
વાઇરસને ખતમ કરતું ‘એર ફિલ્ટર’
વિજ્ઞાનીઓએ એવું ફિલ્ટર બનાવ્યાનો દાવો કર્યો છે જે હવામાં રહેલા કોરોના વાઇરસને શોધીને ખતમ કરી નાંખે છે. આ ઇનોવેશનથી સ્કૂલો, હોસ્પિટલો જેવાં સ્થળો તેમજ વિમાનોમાં સંક્રમણ ફેલાતું રોકવામાં મદદ મળી શકે છે.
‘મટીરિયલ્સ ટૂડે ફિઝિક્સ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ મુજબ, આ એર ફિલ્ટરમાંથી પસાર થતી હવામાંથી ૯૯.૮ ટકા કોરોના વાઇરસ ખતમ થઇ ગયો હતો. વ્યવસાયી રીતે ઉપલબ્ધ નિકેલ ફોમને ૨૦૦ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કરીને આ ઉપકરણ બનાવાયું છે. તેણે બેક્ટેરિયા બેસિલ્સ એન્થ્રેસિસના ૯૯.૯ ટકા વિષાણુ નષ્ટ કરી નાખ્યા હતા. આ વિષાણુ એન્થ્રેક્સ બીમારી માટે જવાબદાર છે. આ અભ્યાસમાં જોડાયેલા ઝિફેંગ રેને કહ્યું હતું કે વાઇરસ હવામાં ત્રણ કલાક સુધી રહેતો હોવાથી તેને હવામાં જલદી નષ્ટ કરે તેવું ફિલ્ટર બનાવવાનું અમારું આયોજન હતું, અને અમે તેમાં સફળ થયા છીએ.