કોરોના હજુ ગયો નથી, વડીલોની સંભાળ રાખવી જરૂરી

Wednesday 19th October 2022 07:00 EDT
 
 

કોરોના મહામારી બે વર્ષ કરતાં વધુ સમયથી સહુ કોઇને હેરાનપરેશાન કરી રહી છે, અને હજુ તેની કાયમી વિદાયના કોઇ અણસાર દેખાતા નથી. કોરોના મહામારીએ જે પ્રકારે અડીંગો જમાવ્યો છે તે જોતાં તો એવું લાગે છે કે હવે લોકોએ કોરોના સાથે જીવતા રહેવાનું શીખી લેવું પડશે. ફરી ફરીને કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે. અધૂરામાં પૂરું, મોસમમમાં બદલાવ સાથે ફ્લુના કેસો પણ વધી રહ્યા છે. આવા સમયમાં સહુ કોઇએ સાવચેતીના પગલારૂપે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે, ખાસ તો વડીલોએ. ઉંમર વધવાની સાથે રોગપ્રતિકારક શક્તિ ઓછી થતાં વડીલોનું ધ્યાન રાખવું વધારે જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ ઘટતા શરીર કોઈ પણ બીમારી સામે લડવા માટે સમર્થ રહેતું નથી, અને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં પરિવારજનોએ ઘરમાં રહેતા વડીલોની વિશેષ કાળજી લેવી જરૂરી છે.

 હાથ સાફ રાખો. વડીલોને જલ્દી ઈન્ફેક્શન લાગી જાય છે. આ કારણે જ્યારે પણ તમે વડીલો પાસે જાવ અથવા તેમની સાથે વાત કરો ત્યારે માસ્ક જરૂરથી પહેરો. આ ઉપરાંત બહારથી આવ્યાં બાદ હાથ અવશ્ય સાફ રાખવા. તેનાથી તમે વડીલોને કોઈ પણ પ્રકારના વાઈરસથી બચાવી શકો છો.

• લાકડી, વોકર કે વ્હીલચેરની સફાઇ જરૂરી. દરરોજ વડીલોની જરૂરીયાતની બધી જ વસ્તુઓની રોજેરોજ સફાઈ થાય તે જરૂરી છે. જો તમારા ઘરમાં કોઈ વડીલ રહેતું હોય તો તેમની લાકડી, વોકર કે વ્હીલચેરને નિયમિત સેનિટાઈઝરથી સાફ કરવા જરૂરી છે.
• વડીલોના ચશ્માની સંભાળ. જો વડીલો ચશ્મા પહેરતા હોય તો તેને પણ સાફ રાખવા જરૂરી છે. કારણ કે મોટાભાગના લોકોને વારંવાર ચશ્માને હાથ લગાવવાની ટેવ હોય છે. તેઓ તેમની મોટા ભાગની વસ્તુઓની સાફસફાઈ તો કરી લે છે પણ ચશ્મા સાફ કરવાનું ભૂલી જાય છે, આ કારણે ચશ્માની સફાઈનું ખાસ ધ્યાન રાખવું.
• ઉધરસ ખાતા રૂમાલ મોઢા પર રાખો. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે વૃદ્ધો અને બાળકો એક જેવા જ હોય છે, આ કારણે તમે વડીલોને પ્રેમથી સમજાવો કે ઉધરસ ખાતી વખતે મોઢા આગળ હાથ રાખવાના બદલે રૂમાલ ચોક્કસથી રાખે.
• વડીલોને ઘરની બહાર ન જવા દો. પરિવારજનોએ એવા પ્રયત્નો કરવા કે વડીલો ઘરની બહાર વધારે ન નીકળે. જો તેમને ડોક્ટર પાસે રુટિન ટેસ્ટ કરાવવા માટે લઈ જવા હોય અથવા કોઈ તકલીફ હોય તો વીડિયો કોલ કે ફોન કરીને તેમની સલાહ લઈ શકો છો. આ સિવાય જો વધારે તકલીફ હોય તો જ હોસ્પિટલ જવું, જોકે એ વખતે પણ વડીલોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
• ખાણીપીણીમાં કાળજી. સતત ઘરમાં બેસી રહેવાથી વડીલોની ભૂખ ઓછી થઈ જાય છે. આ સમયે જરૂરી છે કે તેમની ખાણીપીણીનું ધ્યાન રાખવું. તેમને હેલ્ધી ભોજન આપવાનો જ આગ્રહ રાખવો. પૌષ્ટિક ભોજન તેમના શરીરમાં શક્તિ ટકાવી રાખશે, અને તેના પગલે ઇમ્યુનિટી પણ જળવાશે.

• વડીલોને એકલા ન મૂકો. કોરોનાકાળમાં માત્ર શારીરિક જ નહીં, માનસિક સ્વાસ્થ્યની સારસંભાળ લેવી પણ એટલી જ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી વડીલોને એકલા ન મૂકો. તેમની સાથે બેસી આનંદભરી વાતો કરો તેમજ લુડો, કેરમ વગેરે જેવી ઈનડોર ગેમ પણ રમી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter