લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભારતીય પ્રોફેસર સુમી બિશ્વાસે કોરોના વાયરસની એક નવી રસી તૈયાર કરી લીધી છે. પ્રોફેસર બિશ્વાસની સ્પાયબાયોટેક કંપનીનું એક્સપેરિમેન્ટલ કોરોના વેક્સિનનું હ્યુમન ટ્રાયલ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં ઓસ્ટ્રેલિયામાં શરુ કરાયું છે. બંને તબક્કાની ટ્રાયલ્સમાં હજારો લોકોને વેક્સીન અપાશે. જોકે, હાલ એસ્ટ્રેઝેનેકાની વેક્સિન ટ્રાયલમાં અવરોધ સર્જાતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા પણ પરીક્ષણો અટકાવી દેવાયા હતા.
સુમી બિશ્વાસે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નવા વેક્સિનમાં હિપેટાઈટીસ- બી વાઈરસના પાર્ટિકલ્સ વાહક તરીકે ઉપયોગ કરાયા છે જે કોરોના વાઈરસના વાંકાળા પ્રોટીન સાથે જોડાશે અને તેની મદદથી શરીર રોગો સામે લડવાની ક્ષમતા વિકસાવશે. મૂળ કોલકાતાની સુમી બિશ્વાસ બેંગલોર યુનિવર્સિટીમાંથી માઈક્રોબાયોલોજીના અભ્યાસ પછી ૨૦૦૫માં યુકે આવી હતી. અહીં તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી જ PhD ની ડિગ્રી મેળવી છે. આ પછી, ઘણા વર્ષ મેલેરિયાની વેક્સિન તૈયાર કરવા એસોસિયેટ પ્રોફેસર ઓફ વેક્સિનોલોજી તરીકે જેનર ઈન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર્સ એડ્રિયન હિલ અને સારાહ ગિલબર્ટ સાથે કામ કર્યું હતું જેઓ, ઓક્સફર્ડની કોરોના વેક્સિન તૈયાર કરવામાં સંકળાયેલા છે.
હવે સુમીએ ૨૦૧૭માં સ્થાપેલી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના નેજા હેઠળ કામ કરતી સ્પાયબાયોટેક (SpyBiotech) કંપનીએ જ નવી કોરોના રસી વિકસાવી છે. આ કંપનીનું કાર્ય કેન્સર, ચેપજન્ય રોગો અને અસાધ્ય રોગો માટે વેક્સિન બનાવવાનું છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે ભાગેદારી હેઠળ આ વેક્સિનની હ્યુમન ટ્રાયલ ઓસ્ટ્રેલિયામાં શરુ થયેલી છે. આ પરીક્ષણોમાં હજારો લોકોને સાંકળી લેવાનાર છે. સ્પાયબાયોટેક કંપનીને અત્યાર સુધી ઓક્સફર્ડ સાઈન્સીસ ઈનોવેશન અને જીવી તરફથી ૧૯.૮ મિલિયન ડોલરનું ભંડોળ અપાયું છે.