કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે રોગપ્રતિકારક ક્ષમતા વધારો...

Wednesday 22nd July 2020 07:00 EDT
 
 

ચીનના પાપે જન્મેલા કોરોના વાઇરસે ભારત સહિત સમગ્ર દુનિયાને પોતાની લપેટમાં લીધી છે. આમ તો કોરોના વાઇરસ એક પ્રકારનો ફ્લૂ જ છે, જેનાં લક્ષણો સામાન્ય રીતે શરદી-ઉધરસ જેવા જ દેખાય છે, પરંતુ જો પ્રારંભે જ તેનો યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો આખરે તે દર્દીનો જીવ લઇને જાય છે. આ મહામારીમાં પણ કફ, ગળામાં સોજો, માથાનો દુઃખાવો, તીવ્ર તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો જોવા મળે છે. અન્ય તમામ ફ્લુની જેમ આ લક્ષણો પણ એવા લોકોને વિશેષ અસર કરે છે, જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટી પાવર નબળો હોય છે. આમ કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે મજબૂત રોગપ્રતિકાર શક્તિ. જો તમારો ઇમ્યુનિટી પાવર સારો હશે તો કોરોનાથી બચવાનું આસાન થઇ જશે. તો આ માટે શું કરવું?
રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી, પરંતુ નિયમિત રીતે કેટલાક ઉપાયો અજમાવીને આપણે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. અને માત્ર કોરોના જ નહીં, પણ અન્ય ઘણા પ્રકારની બીમારીઓથી પણ પોતાને બચાવી શકીએ છીએ. ક્યા ઉપાયો દ્વારા તમે રોગપ્રતિકાર શક્તિ વધારી શકો તે માટે વાંચો આગળ...

• વહેલા ઊઠો, પણ પૂરતી ઊંઘ લો

ઈમ્યુનિટી એટલે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં નિયમિત જીવનશૈલીની પણ વિશેષ ભૂમિકા હોય છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે સવારે વહેલા ઊઠવું. ગરમીના દિવસોમાં સવારે ૫થી ૬ વાગ્યાની વચ્ચે અને ઠંડી (શિયાળા)ના દિવસોમાં ૬થી ૭ વાગ્યાની વચ્ચે ઊઠવું જોઈએ, પરંતુ વહેલા ઊઠવાનો અર્થ એ નથી કે તમે અડધી કે અધૂરી ઊંઘ લઈને ઊઠી જાવ. રોજ ઓછામાં ઓછી ૭ કલાક (વધારેમાં વધારે ૮ કલાક)ની ઊંઘ લેવી જરૂરી છે. અપૂરતી કે ઓછી ઊંઘથી શરીરમાં કાર્ટિસોલ નામના હોર્મોનના લેવલમાં વધારો થાય છે. આ હોર્મોન તણાવ વધારવાની સાથે સાથે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને પણ વધારે નબળી પાડે છે.

• હુંફાળો તડકો લો, હળવી કસરત કરો

વહેલા ઊઠવાની સાથે સાથે નિયમિત રીતે વોકિંગ અથવા કસરત કે યોગ કરવા પણ જરૂરી છે. હળવા હાથે શરીરને માલિશ કરશો તો પણ સારું રહેશે. મોર્નિંગ વોક, માલિશ અને કસરત કે યોગથી શરીરમાં એવા એન્ઝાઈમ્સ અને હોર્મોન સ્ત્રવે છે, જે આપણી રોગપ્રતિકારક ક્ષમતાને વધારીને કોરોના જેવા વાઇરસથી બચવામાં મદદરૂપ હોય છે. સાથે જ એવો પ્રયત્ન પણ કરો કે મોર્નિંગ વોક અને કસરતનો સમય એવો હોય કે જેથી તમને ૨૦થી ૩૦ મિનિટ સુધી સવારનો તડકો મળતો રહે. ઘણી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં એ બાબતની પુષ્ટિ થઈ ચૂકી છે કે સવારનો તડકો રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ હોય છે.

• બ્રેકફાસ્ટ અવશ્ય કરો

ઇમ્યુનિટી પાવરને વધારવામાં મેટાબોલિઝમનું ખૂબ મહત્ત્વ હોય છે. આપણું મેટાબોલિઝમ જેટલું સારું હોય, આપણી રોગપ્રતિકારક ક્ષમતા પણ તેટલી જ સારી હશે. મેટાબોલિઝમ વધારવા માટે બ્રેકફાસ્ટ જરૂરી છે. એટલું જ નહીં, કેટલાક કલાકોના અંતરાલે હેલ્ધી વસ્તુઓ ખાવી પણ જરૂરી છે. પોતાના ડાયટમાં રોજ દહીં, છાશ અથવા દૂધ-પનીર જેવી વસ્તુઓને સામેલ કરો. જેના ગુડ બેક્ટેરિયા તમને બીમાર પડતાં બચાવશે.

• વધારેમાં વધારે પાણી પીઓ

રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સૌથી સારી રીત એ છે કે ખૂબ પાણી પીઓ (કિડની સંબંધિત તકલીફ હોય તો ડોક્ટરની સલાહને અનુસરો). તમે જેટલું વધારે પાણી પીશો, શરીરમાંથી ટોક્સિન્સ પણ તેટલા જ બહાર નીકળશે અને તમે સંક્રમણથી મુક્ત રહેશો. જો તમે નિયમિત રીતે દિવસમાં એક અથવા બે વાર મધ અથવા તુલસીનું પાણી પીવાની ટેવ રાખશો તો વધારે સારું રહેશે. ગ્રીન ટી પણ તમે પી શકો છો.

• લસણ, આદું, ખાટાં ફળ ખાવ

લસણ, આમળાં, અશ્વગંધા, આદું જેવા ઔષધોમાં આપણી ઈમ્યુનિટી વધારવાની ક્ષમતા હોય છે અને તે શરીરને સંક્રમણ માટે લડવા માટે તૈયાર કરે છે. આ વસ્તુઓમાંથી કોઈ એકનું કે બધાનું સેવન જો નિયમિત રીતે કરવામાં આવે તો સંક્રમણ થવાની શક્યતા ઘણે અંશે ઘટી જાય છે. રોજના ડાયટમાં કેટલાંક ખાટાં ફળોનો સમાવેશ કરો. તેમાંથી લીંબુથી લઈને નારંગી-મોસંબી ગમે તે રાખી શકો છો. જો તે ન ખાઈ શકો તો રોજ ઓછામાં ઓછું એક આંબળું તો અવશ્ય ખાવું જોઈએ. ખાટાં ફળો વિટામિન-સીના સારા સ્ત્રોત હોય છે. જે ફ્રી રેડિકલ્સની અસરને ઓછી કરીને રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.
અને હા, આ બધાની સાથે તમારે પૌષ્ટિક ભોજન પણ લેવાનું છે. બને ત્યાં સુધી પેકેજ્ડ ફૂડ ટાળો. તાજું અને ગરમ રાંધેલું ભોજન લેવાનો આગ્રહ રાખો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter