કોરોનાની દવા કદાચ ક્યારેય નહીં મળે!ઃ કોરોના પર સંશોધન કરી રહેલાં વિજ્ઞાનીનો દાવો

Monday 13th April 2020 12:16 EDT
 
 

મેલબર્નઃ કોરોનાની દવા શોધી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહેલાં સિનિયર વિજ્ઞાની જેન હાલ્ટનના કહેવા પ્રમાણે કદાચ કોરોનાની દવા ક્યારેય નહીં મળે, તેનો ઈલાજ વૈકલ્પિક દવાથી જ કરવો પડશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં રહી ચૂકેલા અને અત્યારે કોરોનાની વેક્સીન શોધવાની મથામણ કરી રહેલી આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમનું નેતૃત્વ કરી રહેલાં જેન હાલ્ટનનું કહેવું છે કે કોરોનાના લક્ષણો પ્રમાણે તેનો અક્સીર ઈલાજ મળવો ઘણો મુશ્કેલ છે.
વિજ્ઞાનમાં કંઈ પણ શક્ય છે અને છતાં ઘણું અશક્ય છે. આમ કહીને તેમણે એચઆઈવી એઇડ્સનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે માનવજાતને દશકાઓ પછી પણ એચઆઈવીની કોઈ જ દવા મળી નથી. તેના ઈલાજમાં વૈકલ્પિક દવાઓ જ પ્રયોજવી પડે છે.
તેમણે કહ્યું હતું કે વિજ્ઞાનજગતે કોરોના માટે પ્લાન-બી પણ તૈયાર રાખવો જોઈએ. શક્ય છે કે ઘણી બીમારીની જેમ કોરોનાની કોઈ ચોક્કસ રસી ક્યારેય ન મળે. આ સ્થિતિમાં આપણે વૈકલ્પિક ઉપચાર શોધવો પડશે.
તેમણે કડવી વાત તરફ ધ્યાન દોરતા કહ્યું હતું કે અત્યારે ભલે આશા બંધાવાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે કોરોના પરિવારના એકેય વાયસરનો ઈલાજ આપણને મળ્યો નથી. અગાઉના બધા કોરોના વાયરસ કરતા કોવિડ-૧૯ વાયરસ વધારે શક્તિશાળી અને ઘાતક હોવાથી તેની દવા શોધવાની કામ વધારે સમય માંગી લેશે અને વધારે મુશ્કેલ પણ બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter