કોરોનાની સાઇડ ઇફેક્ટ: હૃદયરોગ, હતાશા અને ઉન્માદનું જોખમ વધી રહ્યું છે

Monday 30th March 2020 08:01 EDT
 
 

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં ચેપમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. જોકે હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણાની નોબત આવી છે. સંસર્ગમુક્ત રહેવાને કારણે એકલતા કોરી ખાનારી બની રહે એમ છે અને તેને પગલે હૃદયરોગ, હતાશા અને ઉન્માદનું જોખમ વધી શકે છે.
વાઇરસના ફેલાવા સાથે સંસર્ગમુક્ત રહેવા માટે સલાહ અપાય છે. એ સાથે પ્રવાસ નહીં કરવા અને ઘરમાં જ રહેવાનું તબીબો જણાવી રહ્યા છે. જોકે હવે નવા સંશોધન મુજબ સામાજિક રીતે એકલતાને કારણે માનસિક અને શારીરિક સમસ્યા પેદા થાય છે.
યુનિવર્સિટી ઓફ સરેના હેલ્થ સાઇકોલોજી વિભાગના લેક્ચરર ડો. કિમ્બર્લી સ્મિથે એકલતાની અસર ઉપર લખેલા એક લેખમાં આ મુદ્દે વિગતે વાત કરી છે. તેઓ લખે છે કે એકલતા કે સામાજિક રીતે અટુલા પડી જવાથી તમારા સારા હોવા ઉપર અસર કરે છે. સંશોધનમાં પણ જણાય છે કે એકલતા અને એકાંતને કારણે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, હતાશા અને ઉન્માદ જેવા રોગ વળગી શકે છે.
કેટલાક સંશોધનમાં જણાયું છે કે એકલતા અને સામાજિક અળગા રહેવાથી આરોગ્ય નબળું થાય છે અને તેના કારણે શરીરમાં બળતરા વધે છે. આ બળતરા એ વાતનો સંકેત આપે છે કે તમારું શરીર રોગપ્રતિકાર શક્તિને ઇજા કે ચેપ સામે લડવાનું રસાયણ પેદા કરવા માટે સંકેત આપે છે. તમે માનસિક રીતે કે સામાજિક તણાવ અનુભવતા હોય ત્યારે પણ તમને આવો અનુભવ થાય છે. હળવી ઇજા થઇ હોય ત્યારે બળતરા થાય એ મદદરૂપ થાય છે, જેથી તમને ઇજાનો ખ્યાલ આવે છે, પરંતુ લાંબા સમય સુધી બળતરા ચાલુ રહે તો આરોગ્યને ગંભીર અસર પહોંચે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter