લંડનઃ કોરોના વાઇરસની ફેફસાં પર અસર થતી હોવાનું તો જગજાહેર છે. જોકે, તાજેતરમાં યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ એક અભ્યાસના આધારે તારવ્યું છે કે, ૮૦ ટકા દર્દીઓમાં તો સૂકી ખાંસી, તાવ તેમજ સ્વાદ અને ગંધની ક્ષમતા ગુમાવવા જેવાં મુખ્ય લક્ષણોનાં બદલે ગૂંચવી નાખનારાં લક્ષણો જોવા મળ્યાં હતાં કે પછી કોઈ જ લક્ષણ જોવા નહોતા મળ્યા. આમ કોરોનાનાં લક્ષણોનાં મામલે પૂરેપૂરું ચિત્ર સ્પષ્ટ થતાં હજી સમય લાગશે એમ જણાય છે. એટલું જ નહીં કોરોનાથી સામાન્ય રીતે ફેફસાંને નુકસાન થતું હોવાનું મનાય છે, પરંતુ શ્વાસ માટે સંઘર્ષ સિવાય પણ બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે, આ સંશોધકોના મતે કોરોનાના લીધે ફેફસાં સિવાય આપણાં દિમાગ, હૃદય, સાંધા, આંખો, કાન, માનસિક સ્થિતિ, ત્વચાને નુકસાન થઇ શકે છે.
કોરોનાના લીધે પગના અંગૂઠામાં સોજો આવી શકે છે, લાંબા ગાળે હૃદયને નુકસાન થઈ શકે છે, મતિભ્રમ થઈ શકે છે અને ત્વચા પર લાલ ચકામા પણ પડી શકે છે. કોરોના સિવાય અન્ય વાઇરલ અને બેક્ટેરિયાના ચેપમાં પણ આવી સમસ્યાઓ થઈ શકે છે.
હૃદય પર અસર
કોરોનાના લીધે ફેફસાં સિવાય હૃદયને પણ નુકસાન થવાની શક્યતા છે. કેટલાક દર્દીઓમાં હૃદય એના સામાન્ય દર કરતાં બે કે ત્રણ ગણી વધારે ઝડપે ધબકવા લાગે છે. નિષ્ણાતો માને છે કે, કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર છમાંથી એક દર્દીને હૃદયની તકલીફ થાય છે.
આંખોને નુકસાન
નિષ્ણાતોના મતે, આંખોમાં દુખાવો અને દૃષ્ટિ ધૂંધળી થવી એ પણ કોરોનાનાં લક્ષણો છે. જોકે, બ્રિટનમાં આંખોના નિષ્ણાત ડોક્ટર્સના એક અભ્યાસ અનુસાર ફક્ત ચાર ટકા દર્દીઓને જ આંખોની સમસ્યા થાય છે.
ત્વચાની તકલીફ
ડોક્ટર્સે મે મહિનામાં કોરોનાના દર્દીઓમાં ત્વચાની રહસ્યમય સમસ્યા ધ્યાનમાં લેવાનું શરૂ કર્યું હતું. બ્રિટનના ત્વચાના રોગોના નિષ્ણાતોના સંગઠને જણાવ્યું હતું કે, કોરોનાનાં લક્ષણોની સત્તાવાર યાદીમાં ફોલ્લી અને અળઈ જેવી ત્વચાની સમસ્યાઓને સામેલ કરવી જોઈએ. જોકે, આ બધા વચ્ચે ડોક્ટર પગના અંગૂઠા પર થનારી અસરને ખાસ જોઈ રહ્યા છે. જેમ કે, પગનો અંગૂઠો લાલ થઈ જાય છે, એમાં ખંજવાળ આવે છે અને દુખાવો થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ દ્વારા આ વાઇરસનો નાશ કરવા માટે જે કોશિશ થાય છે એના લીધે પગના અંગૂઠામાં બળતરા થતી હોવાનું મનાય છે. ખાસ કરીને અન્ય કોઈ લક્ષણો ન ધરાવતા યુવાનોમાં મોટા ભાગે આ તકલીફ જોવા મળે છે. આવી તકલીફ ૧૨ દિવસ રહે છે અને ક્યારેક હાથમાં પણ દુખાવો થાય છે.
મતિભ્રમની સમસ્યા
અહેવાલો અનુસાર કોરોનાના કારણે યાદશક્તિ પર અસર તેમજ મતિભ્રમની સમસ્યા થાય છે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી કે, કોરોનાના વાઇરસની મગજ પર અસરના લીધે આવું થાય છે કે પછી આ વાઇરસના ડરના લીધે માનસિક સ્થિતિ પર વિપરિત અસર થાય છે.
વાળ ખરવાની સમસ્યા
કોરોનાના લીધે વાળ ખરવાની સમસ્યા સર્જાતી હોવાનું ડોક્ટર્સે ગયા ઓગસ્ટમાં જણાવ્યું હતું. કેટલાક નિષ્ણાતોના અનુસાર આ વાઇરસનો ચેપ લાગવાના કારણે આઘાતથી પણ વાળ ખરી શકે છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકો અનુસાર ૩૩ ટકા દર્દીઓને વાળ ખરવાની સમસ્યા રહે છે. જોકે, કામકાજ કે અન્ય કારણોસર તણાવના લીધે આ સમસ્યા વધારે થાય છે.