કોરોનાને હરાવવા ૩ યોગઃ પ્રાણાયામ, જલનેતિ કરોઃ હસતા રહો

Wednesday 19th May 2021 07:24 EDT
 
 

 તેઓ કહે છે કે કોરોના વાઈરસ સીધો ફેફસાં પર અસર કરે છે એટલા માટે શરીરમાં પ્રાણવાયુની અછત રહી જાય છે. આ અછતને પૂરી કરવા માટે યોગમાં અમુક સરળ ઉપાય જણાવ્યા છે. જેમ કે, પ્રાણાયામ અને જલનેતિનો નિયમિત અભ્યાસ શરીરમાં પ્રાણવાયુને મજબૂત કરે છે. આનાથી શ્વસનતંત્ર મજબૂત થાય છે અને શરીરના આંતરિક ભાગ મજબૂત બને છે. રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. ઇમ્યુનિટી જેટલી મજબૂત હશે, બીમારીની શક્યતા એટલી જ ઓછી થશે. ઇમ્યુનિટી વધારવા માટે તમારા માટે રોજબરોજ અમુક નાની-નાની આદતો પણ ખૂબ ઉપયોગી બની શકે છે. હસવાથી પણ આપણી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આથી જ ચહેરા પર હાસ્યને જાળવી રાખો. દરરોજ હળદરવાળું દૂધ પીઓ અને દિવસમાં ૭ વખત તુલસીના પાન ચાવી ચાવીને ખાવ.
પદ્મભૂષણ પરમહંસ નિરંજનાનંદ સરસ્વતીજી ઇમ્યુનિટી, ફેફસાં અને શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં અત્યંત ઉપયોગી આસન વિશે અહીં જણાવે છે
• ભસ્ત્રિકા પ્રાણાયામ
કેમ કરશો? શ્વસનતંત્રને મજબૂત કરવા માટે ભસ્ત્રિકા પ્રાણાયામ સૌથી ઉત્તમ છે. આ યોગને કરવા માટે ગરદન અને કમરને એકદમ સીધા રાખી પદ્માસનમાં બેસી જાવ. બંને હાથને ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો. આમાં જોરથી શ્વાસ ખેંચવામાં આવે છે અને તેટલા જ જોરથી શ્વાસ છોડવામાં આવે છે. દરરોજ બેથી પાંચ મિનિટ કરવાથી ઘણો ફાયદો મળશે.
શા માટે જરૂરી? આનાથી શુદ્ધ વાયુ શરીરની અંદર જાય છે અને અશુદ્ધ વાયુને બહાર કાઢે છે. ફેફસાંને મજબૂત બનાવે છે. પેટના રોગોમાં પણ લાભદાયી છે. જોકે કમરદર્દ અને હૃદયરોગના લોકોએ ભસ્ત્રિકા પ્રાણાયામ ન કરવા જોઇએ.
• કપાલભાતિ પ્રાણાયમ
કેમ કરશો? કપાલભાતિ પ્રાણાયામ કરવા માટે શ્વાસ સામાન્ય ગતિથી શરીરની અંદર લેવામાં આવે છે અને ઝડપથી બહાર કાઢવાનો રહે છે. એક મિનિટમાં ૬૦ વખત એમ કુલ ૫ મિનિટમાં ૩૦૦ વખત તમે શ્વાસ બહાર ફેંકવાની ક્રિયા કરો. કપાલભાતિ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે.
શા માટે જરૂરી? તમે શ્વાસને અંદર - બહાર કરો છો તો શરીરની અંદરની ગ્રંથીઓની એક્સરસાઇઝ થાય છે. આનાથી પાચન અંગો અમાશય, લિવર, કિડની, પેન્ક્રિયાઝ, સ્વસ્થ બને છે. સ્થૂળતા, ડાયાબિટીઝ, કબજિયાત વગેરે તકલીફોમાં આ ઉપયોગી છે. શરીરની ઇમ્યુનિટીમાં વધારો કરે છે.

• અનુલોમ-વિલોમ પ્રાણાયમ
કેમ કરશો? અનુલોમ એટલે સીધું અને વિલોમ એટલે ઊંધું. જેમાં નાકને દબાવેલા ભાગથી ઊંડો શ્વાસ અંદર ભરવામાં આવે છે અને બીજા ભાગ વડે શ્વાસ બહાર કાઢવામાં આવે છે. નાકને ડાબી બાજુના છેદથી શ્વાસ લેવામાં આવે છે અને જમણી બાજુથી કાઢવામાં આવે છે.
શા માટે જરૂરી? આનાથી ૭થી ૮ કલાક સારી ઊંઘ આવશે. સારી ઊંઘથી રક્તપાતની ઊણપ દૂર થશે. માનસિક તનાવ, અ‌વસાદ પણ દૂર થશે. શરીરની અંદર રિપેરિંગ માટે સારી ઊંઘ જરૂરી છે. ૨૦થી ૨૫ મિનિટ યોગનિદ્રાના અભ્યાસથી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવાય છે.

વાઈરસને શરીરમાં પ્રવેશના નહીં દે જલનેતિ
કેમ કરશો? જલનેતિ કરવા માટે મીઠાવાળું હૂંફાળું પાણી નાકના
એક છીદ્રથી નાખવામાં આવે છે અને નાકના બીજા માર્ગથી પાણીને બહાર કાઢવામાં આવે છે. આ ક્રિયા નાક, કાન અને ગળાના માર્ગની સફાઇ કરવામાં ઉપયોગી છે.
શા માટે જરૂરી? જલનેતિથી જો શરીરમાં વાઈરસનો પ્રવેશ પણ થશે તો તે નષ્ટ થઇ જશે. શરૂઆતના તબક્કામાં વાઈરસ આ માર્ગમાં રહે છે. એટલા માટે ફેફસાંને પણ તાકાત મળે છે કેમ કે સફાઇથી શ્વસન પ્રક્રિયા ઠીક થાય છે. આ પાંચથી સાત મિનિટ માટે કરવું જોઇએ. આનાથી સાઇનસ, અસ્થમા અને શ્વસનતંત્ર સંબંધિત અન્ય રોગોમાં પણ લાભ મળે છે.
જોકે આ તમામ યોગાસન વ્યક્તિ પોતાના શરીરની તાસીરને ધ્યાનમાં રાખીને તેમજ યોગગુરુના માર્ગદર્શનમાં કરવાનું હિતાવહ છે. વ્યક્તિને જો અન્ય કોઇ બીમારી હોય તો તેણે યોગાસન શરૂ કરતાં પૂર્વે પોતાના જીપીની સલાહ પણ લેવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter