કોવિડ-૧૯ વચ્ચે આવ્યો મંકીપોક્સ વાઇરસઃ યુવાનો માટે છે ખતરનાક

Thursday 01st July 2021 07:02 EDT
 
 

લંડનઃ વિશ્વભરના લોકો કોવિડ-૧૯ મહામારીનો મુકાબલો કરી રહ્યા છે તેવામાં એક પછી એક બીજી બીમારીઓની જાણકારી મળી રહી છે. વીતેલા પખવાડિયે રહસ્યમય બ્રેઇન સિન્ડ્રોમ વિશે જાણકારી મળી હતી અને હવે મંકીપોક્સ નામના સંક્રમણ વિશે જાણકારી મળી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ આ રોગનો ફેલાવો કરતા પ્રાણીઓથી સાવચેત રહેવા જણાવ્યું છે. તેમાં યુરોપ, આફ્રિકા અને એશિયામાં જોવા મળતા ખાસ પ્રકારના ઉંદર, ખિસકોલી વગેરે સામેલ છે.
બ્રિટનના ઉત્તર વેલ્સમાં મંકીપોક્સ નામના સંક્રમક વાઇરસે દેખા દીધી હોવાના સમાચાર છે. લોકોમાં તેથી ભયનું વાતાવરણ છે. મંકીપોક્સ વિશે ઉત્તર વેલ્સના જાહેર આરોગ્ય અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે હાલમાં આ વાઇરસથી એક જ પરિવારના બે સભ્યો સંક્રમિત છે. મંકીપોક્સ તે જવલ્લે જ સામે આવતો વાઇરસ રોગ છે. તે બીમારી મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણ કટિબંધના જંગલ વિસ્તારમાં થાય છે.
વેલ્સના આરોગ્ય સલાહકાર રિચર્ડ ફર્થે કહ્યું કે બ્રિટનમાં મંકી પોક્સ સંક્રમણના બે કેસ સામે આવ્યા છે. આ ભારે ચેપી કે સંક્રમક રોગ છે અને કોઈક સંક્રમિત વ્યક્તિ કે પશુના સંપર્કમાં આવવાથી તે રોગ થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ મંકીપોક્સ વાઇરસને કારણે એક એવી બીમારી થાય છે કે જેના લક્ષણ સ્મોલપક્સ જેવા હોય છે. સંક્રમિત થયેલી પ્રત્યેક દશમી વ્યક્તિનું અવસાન થાય છે. આ સંક્રમણનો ભોગ બનેલા યુવાન વયના લોકોનો મૃત્યુદર ઊંચો રહી શકે છે. આ રોગનો ભોગ બનતાં તમારા શરીર પર જોવા મળતા ચકામા ઘામાં પરિવર્તિત થવા લાગે છે. તેમાં દુખાવો વધી જતાં સમજી લેવું કે જોખમ ઘણું વધ્યું છે. ‘હૂ’નું કહેવું છે કે આ રોગનો ભોગ બનેલા ૧૦૦ પૈકી ૧૦ દર્દીના મૃત્યુ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter