કોવિડ-૧૯થી સાજા થયેલા એશિયનોને પ્લાઝમાનું દાન કરવા NHSBTનો અનુરોધ

Tuesday 25th August 2020 10:16 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ બીમારીમાંથી સાજા થયેલા એશિયનોને તેમના બ્લડ પ્લાઝમાનું તાકીદે દાન કરવા દ્વારા અનુરોધ કરાયો છે. એશિયનોને એન્ટિબોડીઝથી ભરપૂર પ્લાઝમા હોવાની વધુ શક્યતા છે ત્યારે તેમના બ્લડ પ્લાઝમાનો ઉપયોગ કોવિડ-૧૯ના પેશન્ટ્સને સાજા કરવામાં થઈ શકે છે. સાઉથ એશિયન પશ્ચાદભૂના લોકોને કોરોના વાઈરસની ખરાબ અસર થઈ છે અને પ્લાઝમા તેમના માટે જીવનરક્ષક સારવાર બની શકે છે.

ઓટમ દરમિયાન કોરોનાનું બીજું મોજું આવે તે પહેલા પ્લાઝમાના દાનની વધુ જરુર છે. એશિયન લોકો મોટી સંખ્યામાં પ્લાઝમાનું દાન કરી રહ્યા છે અને આશરે ૭ ટકા ડોનર્સ એશિયન કોમ્યુનિટીના છે. તેમનામાં એન્ટિબોડીઝનું પ્રમાણ ઊંચુ હોય છે અને શ્વેત લોકોની સરખામણીએ ટ્રાયલમાં ઉપયોગમાં લઈ શકાય તેવા પ્લાઝમાના એન્ટિબોડીઝનું બેવડું પ્રમાણ રહે છે.

NHS Blood and Transplant (NHSBT)ના કન્સલ્ટન્ટ હીમેટોલોજિસ્ટ રેખા આનંદ કહે છે કે,‘અમને એશિયન કોમ્યુનિટી તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. વ્યાપક સમુદાયો કરતાં એશિયન કોમ્યુનિટીને કોવિડ-૧૯ની વધુ અસર થાય છે અને પ્લાઝમાદાનથી જીવન બચી શકે છે.’

NHSBTની ક્લિનિકલ સપોર્ટ ટીમના ડો. સુહૈલ અશગર કહે છે કે,‘ કેટલાક લોકો અને ખાસ કરીને કોરોના વાઈરસથી પીડાયા હોય તેવાં લોકો દાનની વાતથી ગભરાય છે. અમારી ડોનેશન ટીમ તમારી સંભાળ રાખશે અને કોમ્યુનિટીની મદદ કરી રહ્યાની જાણકારી હોવાથી લોકોને દાન કર્યા પછી અદ્ભૂત લાગણી થાય છે.’

NHSBTના ડોનર મેડિસીનના કન્સલ્ટન્ટ ડો. નઈમ અખ્તરે કહ્યું છે કે,‘પ્લાઝમાનું દાન જરુરિયાતમંદોને મદદ કરવાનો માર્ગ છે. પ્લાઝમાનું દાન કરવાથી તમે ઘણાને કોવિડમાંથી સાજા થવામાં અને તેમનો સમય પરિવાર સાથે વીતાવવામાં મદદરુપ બની શકો છો.’

NHSBTના ડોનર મેડિસીનના કન્સલ્ટન્ટ ડો. શ્રુતિ નારાયણે જણાવ્યું હતું કે ‘પ્લાઝમા ડોનેશન સલામત, સ્વચ્છ અને સરળ છે. તેમાં માત્ર ૪૫ મિનિટ લાગે છે અને તમારુ શરીર ઝડપથી પ્લાઝમા અને એન્ટિબોડીઝ મેળવી લે છે. તમારા રક્તકણો શરીરમાં પાછા અપાતા હોવાથી તમે દિવસ સામાન્ય રીતે જ પસાર કરી શકો છો.’ બર્મિંગહામ, બ્રેડફોર્ડ, બ્રિસ્ટોલ, કેમ્બ્રિજ, એજવેર, ગ્લોસેસ્ટર, લેન્કેસ્ટર, લીડ્ઝ, લેસ્ટર, લિવરપૂલ, સ્ટ્રેટફોર્ડ, બેક્સલીહીથ, ટ્વિકેનહામ, લૂટન, માન્ચેસ્ટર, ન્યૂકેસલ, નોટિંગહામ, ઓક્સફોર્ડ, પ્લીમથ, પૂલે, શેફિલ્ડ, સાઉથમ્પ્ટન, સ્ટોક, ટૂટિંગ અને લંડનના વેસ્ટ એન્ડ સહિત એશિયન કોમ્યુવનિટીની વધુ વસ્તી સાથેના શહેરો અને ટાઉન્સમાં પ્લાઝમા ડોનર સેન્ટર્સ આવેલા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter