કોવિડમાંથી સાજા થવા ટેબ્લેટનો વારો

Wednesday 28th April 2021 05:58 EDT
 

લંડનઃ બ્રિટિશરો ઘરમાં જ રહીને કોવિડ-૧૯ની ગંભીર બીમારીમાંથી સાજા થઈ શકે તે માટે ઘરમાં લઈ શકાય તેવી ટેબ્લેટ્સની શોધ-ઓળખ કરવા નવા ટાસ્ક ફોર્સની રચના વડા પ્રધાન બોરિસ જહોન્સને મંગળવાર ૨૦ એપ્રિલે કરી છે. તેમણે કહ્યું હતું કે દેશના સફળ વેક્સિનેશન કાર્યક્રમની માફક જ તેની ડિઝાઈન કરાશે.  લોકો ઘેર રહીને કોવિડ સામે લડવા ટેબ્લેટ્સ લેતા થશે તેના પરિણામે હોસ્પિટલમાં બેડની જરૂરિયાત ઘટશે.

વડા પ્રધાન બોરિસ જહોન્સને જાહેરાત કરતા કહ્યું હતું કે, ઓટમ સુધીમાં કોવિડની સારવાર માટે આશાસ્પદ નવી દવાઓ શોધવા માટે નવા એન્ટીવાઇરલ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્કફોર્સમાં  સરકારી સ્ટાફ, યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને ફાર્માસ્યુટિકલ કંપનીના નિષ્ણાતો રહેશે. નવા ટાસ્કફોર્સના અધ્યક્ષનું નામ હજુ જાહેર કરાયું નથી પરંતુ, ભરતીની પ્રક્રિયા ટુંક સમયમાં શરુ કરી દેવાશે.

જહોન્સને કહ્યું હતું કે લોકો વાયરસની સારવાર કરવા ઘરે ગોળી કે ટેબ્લેટ લઇને સાજા થઇ શકશે એવી આશા છે. આ ટાસ્કફોર્સ કોવિડની સારવાર માટે ટેબ્લેટની શોધ અને ખરીદવાનું લક્ષ્ય રાખશે. આ દવાઓ ભવિષ્યમાં ચેપના વધારા સામે વધુ મહત્વપૂર્ણ સંરક્ષણ આપી શકે છે અને વધુ જીવન બચાવી શકે છે. બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વોલેન્સે જણાવ્યું હતું કે, ટેબ્લેટના સ્વરૂપમાં એન્ટિવાયરલ્સ બીમારી વિરુદ્ધ પ્રતિભાવ માટેનું બીજું મુખ્ય સાધન બની રહેશે.

નિષ્ણાતો ‘નોવેલ એન્ટિવાયરલ ડ્રગ્સ’ સહિત ઓછામાં ઓછા બે ઉપચાર શોધી રહ્યા છે જેથી લોકોને આ વર્ષના અંત સુધીમાં તેમના ઘરે સારવાર પહોંચતી કરી શકાય. આ સારવારને ઉનાળા દરમિયાન ક્લિનિકલ ટ્રાયલ્સ માટે મૂકવામાં આવશે. એન્ટિવાઈરલ ડ્રગ્સ ખાસ કરીને વાઈરલ સંક્રમણની સારવારની દવાઓ છે અને તે વાઈરસને ખતમ કરવાનું અથવા તેની વૃદ્ધિને અટકાવવાનું કાર્ય કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter