ખાંડ, ગોળ અને કૃત્રિમ સ્વીટનરઃ શું કેટલું આરોગ્યપ્રદ?

Tuesday 30th May 2023 06:47 EDT
 
 

આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા માટે ડોક્ટરો તો ભોજનમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખવાની સલાહ આપે છે. વધુ પડતી ખાંડના કારણે વજનમાં વધારો, મેદસ્વિતા, ટાઈપ2 ડાયાબિટીસ અને હૃદયરોગ સહિતની આરોગ્ય સમસ્યા સર્જાઈ શકે છે. રિફાઈન્ડ વ્હાઈટ સુગરની નુકસાનકારી અસરો વિશે લોકોમાં જાગૃતિ વધી રહી છે ત્યારે ગોળ, મધ, કૃત્રિમ ગળપણ (સ્વીટનર્સ) અને સ્ટેવિયા જેવું કુદરતી ગળપણ જેવા વિકલ્પોના ઉપયોગ અને તેમના વિશેની ચર્ચા વધી છે.
શેરડીમાંથી બનતા ખાંડ અને ગોળ
ઝીઓન લાઈફ સાયન્સીસના ડો. વિવેક શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ ખાંડ અને ગોળ બન્નેનું ઉત્પાદન શેરડીના રસમાંથી કરાય છે પરંતુ, તેની પ્રક્રિયા અલગ છે. ખાંડની સરખામણીએ ગોળને વધુ આરોગ્યપ્રદ વિકલ્પ ગણાવાય છે. શેરડીના રસને ઉકાળીને તેનું નક્કર સ્વરૂપ મેળવવાની પરંપરાગત પદ્ધતિમાં શેરડીના કુદરતી ખનિજ તત્વો અને ફીટોન્યુટ્રિઅન્ટ્સ જળવાઈ રહે છે. આના પરિણામે, પ્રોસેસ્ડ ખાંડ કરતાં ગોળમાં વિટામિન્સ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટાશિયમ જેવાં ખનિજ તત્વો તેને આરોગ્યપ્રદ વિકલ્પ બનાવે છે.
કૃત્રિમ સ્વીટનર્સને સમજીએ
હવે મુખ્ય ત્રણ પ્રકારનાં કૃત્રિમ ગળપણ - સ્વીટનર્સની વાત કરીએ જેમના આગવાં લાભ, ગેરલાભ અને ઉપયોગ છે.
(1) સ્પ્લેન્ડા, સ્વીટ એન’ લો, ઈક્વલ, સ્વીટ વન અને ન્યૂટેમ જેવા ઘણાં લોકપ્રિય કૃત્રિમ સ્વીટનર્સ છે. અભ્યાસો કહે છે તેમ આ સ્વીટનર્સ સામાન્ય ખાંડ (સુક્રોઝ)ની સરખામણીએ 200થી 700 ગણી મીઠાશ અને ઝીરો કેલેરી ધરાવે છે.
(2) સ્વીટનર્સનો અન્ય પ્રકાર સુગર આલ્કોહોલ્સ કુદરતી રીતે મળતા કાર્બોહાઈડ્રેટ છે જેને લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે. તેમાં થોડી કેલરી હોવાં છતાં તે રિફાઈન્ડ ખાંડ કરતાં ઓછી જ છે. ફૂડ લેબલ્સ પર તમને સોર્બિટોલ, એરિથ્રીટોલ, માલ્ટિટોલ અને ઝાયલીટોલ જેવાં નામ જોવા મળશે. આ પ્રકારના સ્વીટનર્સ સામાન્યપણે સુગર ફ્રી ગમ, પ્રોટીન બાર્સ, લો-કેલરી આઈસક્રીમ તેમજ ડાયેટ ફૂડ સહિતના અન્ય પ્રોસેસ્ડ ફૂડ્સમાં વપરાય છે.
(3) સ્ટેવિયા જેવા નવા સુગર વિકલ્પ પણ છે. પ્લાન્ટ આધારિત આ લોકપ્રિય સ્વીટનરમાં કેલરી લગભગ શૂન્ય હોય છે.
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ)ના માપદંડ અનુસાર ખાંડના આ બધા જ વિકલ્પો ‘હાઈ ઈન્ટેન્સિટી સ્વીટનર્સ’ છે અને દરેકના લાભ-ગેરલાભ છે.

કૃત્રિમ સ્વીટનર્સ માટે સાવચેતી જરૂરી
બેંગ્લૂરુની ફોર્ટિસ હોસ્પિટલના ચીફ ડાયેટિશિયન શાલિની અરવિંદ ભારપૂર્વક કહે છે કે સ્વીટનર્સની લાંબા ગાળાની અસર વિવાદાસ્પદ છે કારણ કે તેના કારણે ડીજનરેટિવ (ઘસારાજનક) ફેરફારો, જઠર-આંતરડાની સમસ્યાઓ, કેન્સર, મેદસ્વિતા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આથી, ખોરાકમાં ખાંડ-મીઠાશનો સ્વાદ સંપૂર્ણ છોડી દેવો જોઈએ અથવા કુદરતી સ્રોતમાંથી બનેલા સ્ટેવિયામાંથી બનેલાં સ્વીટનરનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. પ્રોસેસ્ડ સુગરનો સલામત અને કુદરતી વિકલ્પ સ્ટેવિયા ગણાય છે. જો માત્ર વજન ઘટાડવું હોય તો રિફાઈન્ડ ખાંડ, ગોળ, મધ કરતાં સ્ટેવિયા સારી પસંદગી છે. ખાંડના બદલે સ્વીટનરના ઉપયોગથી વજન ઘટાડવામાં ખાસ મદદ મળવાની નથી. કસરત, શારીરિક પ્રવૃત્તિ અને આહારમાં કાળજી પર વધુ ધ્યાન અપાવું જોઈએ.
ધ હેલ્ધી ઈન્ડિયન પ્રોજેક્ટ (THIP)માં કાર્યરત સર્ટિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ અને મેડિકલ કન્ટેન્ટ એનાલિસ્ટ ગરિમા દેવ વર્મન કહે છે કે ખાંડ, ગોળ અને કૃત્રિમ સ્વીટનર્સની વાત કરીએ તો કોઈ સ્પષ્ટ વિજેતા નથી. તેઓ કહે છે, ‘ખાંડ અને ગોળ કુદરતી વિકલ્પ છે છતાં, સમતોલ આહારના ભાગરૂપે તેમનો ઉપયોગ માપસર થવો જોઈએ. આર્ટિફિશિયલ સ્વીટનર્સ લો-કેલરી વિકલ્પ જરૂર આપે છે પરંતુ, તેમનો ઉપયોગ પણ મર્યાદિત અને હેલ્થ ઓથોરિટીઝની ગાઈડલાઈન્સ મુજબ કરાવો જોઈએ.’
મુંબઈની ભાટિયા હોસ્પિટલના ડાયેટિશિયન શાબેબા નવલ શેખ અનુસાર ખાંડના કારણે ઈમ્યુનિટીને અસર, વજનવૃદ્ધિ તથા ડાયાબિટીસ અને હૃદયરોગના જોખમ જેવી વિવિધ આરોગ્ય સમસ્યાઓ સર્જાય છે. લોકો ખાંડ લેવાનું તો ઓછું કરે છે પરંતુ, મધ, ગોળ અને કૃત્રિમ સ્વીટનર્સ જેવાં શબ્દોથી ભોળવાય છે. એક ચમચી ખાંડથી 15થી 20 કેલરી મળે છે, ગોળ અને મધથી પણ આટલી જ કેલરી મળે છે. ચોખ્ખું મધ તો મળવું મુશ્કેલ છે ત્યારે વિટામિન્સ અને પાણી ઉમેરેલાં મધથી 17થી 18 કેલરી મળે છે. ગોળ લોખંડના વિશાળ તાવડામાં તૈયાર થતો હોઈ તેમાં થોડું આયર્ન જરૂર ઉમેરાય છે પણ કેલરી સરખી જ રહે છે. કૃત્રિમ સ્વીટનર્સ લોકપ્રિય બની રહ્યાં છે પરંતુ, જો વધુ પ્રમાણમાં લેવાય તો ખાંડ કરતાં વધુ કેલરી મળે છે. સગર્ભા, સ્તનપાન કરાવતી માતા, ડાયાબિટીક્સ અને બાળકોએ તેના ઉપયોગમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ. કૃત્રિમ ગળપણ લાંબા ગાળા સુધી રોજ લેવામાં આવતું હોય ત્યારે સ્ટ્રોક, હૃદય રોગ અને કેટલાક કેન્સરનું જોખમ હોવાનું સંશોધનો પણ કહે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter