ઉનાળાના દિવસો અબાલવૃદ્ધ સહુકોઇ માટે આકરા સાબિત થતા હોય છે. વળી, આ વર્ષે તો ઉનાળાના આરંભે જ અંગદઝાડતી ગરમીએ લોકોને રાડ પડાવી દીધી છે. હિટવેવમાં બ્રિટન સહિત સમગ્ર યુરોપ લપેટાયું હતું. આ માહોલમાં આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે, અને આરોગ્ય સંભાળનું પહેલું પગથિયું છે સુચારુ પાચનતંત્ર. બહારનું તાપમાન વધવાની સીધી અસર પાચન તંત્ર પર પડે છે. ઘણીવાર, ઉનાળાના મોસમમાં, ભોજન પછી તરત જ પેટમાં બળતરા, એસિડિટી કે ભારેપણું અનુભવાતું હોય છો. જો તમે પણ આવું અનુભવો છો, તો આ પેટની ગરમીનાં લક્ષણો છે.
કેટલાક લોકોને તીવ્ર ગરમીને કારણે આવું થાય છે, જે પાછળથી પેટની ગંભીર સમસ્યા તરીકે પ્રગટ થાય છે. બહારનું તાપમાન વધવાથી પેટ પર પણ અસર પડે છે. ઉનાળામાં, પાચનતંત્રમાં અસંતુલન વ્યક્તિને પેટનું ફૂલવું, એસિડ રિફલક્સ કે અપચો જેવી સમસ્યા તરફ દોરી જાય છે. માત્ર તાપમાનમાં વધારો જ નહીં પરંતુ ખાવાપીવાની આદતોમાં બેદરકારી અને ડિહાઇડ્રેશન પણ આરોગ્યને અસરકર્તા મહત્વપૂર્ણ પરિબળો છે. આયુર્વેદમાં, આ સમસ્યા પિત્ત દોષ તરીકે ઓળખાય છે. તળેલો ખોરાક, અનિયમિત દિનચર્યા, તેલયુક્ત ખોરાક અને શરીરમાં પાણીનો અભાવ આ સમસ્યાને વધારે છે. તો પછી ગરમીના આ દિવસોમાં તમારા પેટને અંદરથી ઠંડુ કઇ રીતે રાખશો અને પાચન તંત્રને કઇ રીતે મજબૂત બનાવશો? આવો જાણીએ.
પિત્ત દોષ શા માટે થાય છે?
જ્યારે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે, અને આવું લાંબો સમય ચાલે છે ત્યારે તે પાચનતંત્ર પર અસર કરે છે. ડિહાઈડ્રેશન શરીરનું તાપમાન વધારે છે અને પેટમાંથી ગરમી બહાર નીકળે છે. જ્યારે તમે વધુ પડતું ખાઓ છો, ત્યારે તે પાચનતંત્ર પર પણ દબાણ લાવે છે, જેનાથી પેટમાં વધારાની ગરમી ઉત્પન્ન થાય છે. બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ પેટમાં ગરમી અને આંતરડામાં બળતરા પેદા કરી શકે છે. કારણ કે આ ઋતુમાં બેક્ટેરિયા ખીલે છે, વાસી કે દૂષિત ખોરાક ખાવાથી પણ પેટમાં ઇન્ફેક્શન વધે છે. પેટમાં લાંબા સમય સુધી ગરમી રહેવાથી આંતરડામાં બળતરા અને અલ્સર થવાનું જોખમ વધે છે.
પ્રવાહી પદાર્થોનું સેવન વધારે કરો
ગરમીની આ ઋતુમાં પેટ ઠંડુ રાખવા અને પાચનતંત્રને મજબૂત રાખવા માટે, તમારે શક્ય તેટલું પ્રવાહી પદાર્થોનું સેવન કરવું જોઈએ. કેમોમાઈલ ચા પાચનતંત્રને શાંત કરે છે અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. તમે હિબિસ્કસ ચા પણ પી શકો છો; તે તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શરીરને ઠંડુ પાડે છે. ઉનાળામાં ફુદીનાની ચા પી શકાય છે. તે પાચન સુધારે છે અને પેટ ફૂલવાની સમસ્યાથી બચાવે છે. ફૂદીનાનું પાણી, વરિયાળી અને ધાણાનું પાણી, દહીં, સત્તુ, નાળિયેર પાણી કે છાશનું પૂરતું સેવન કરવું જોઈએ. આ બધા પીણા પેટને ઠંડુ રાખે છે. આ ઋતુમાં પલાળેલા તકમરિયાનું સેવન પણ કરી શકો છો.
હળવો ખોરાક છે ફાયદાકારક
ઉનાળામાં, ભોજન હંમેશા હળવું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમને ત્રણ રોટલી ખાવાની ભૂખ લાગી હોય પણ બે ખાઓ તો તમારું પેટ ભારે નહીં લાગે. મગની દાળ, તુવેરની દાળ, દલીયા, ખીચડી, રાગી વગેરેનો ભોજનમાં ઉપયોગ ઉત્તમ પસંદગી છે. હકીકતમાં, આ ઋતુમાં સરળતાથી પચે તેવો ખોરાક જ લેવો જોઈએ. તમે દહીં ભાત, ક્વિનોઆ અને પૌઆ પણ ખાઈ શકો છો. પાચનતંત્રને મજબૂત બનાવવા માટે ફાઇબરયુક્ત આહાર પણ જરૂરી છે. આ માટે તમે મોસંબી, નારંગી, સફરજન, જામફળ જેવા રેસાયુક્ત ફળો પણ ખાઇ શકો છો.
આ ખોરાક ટાળો
મસાલેદાર કે ભારે ખોરાક ખાવાથી પાચન ધીમું થાય છે. તેથી, ઉનાળામાં તૈયાર ખોરાક, તળેલા ખોરાક અને ખાવા માટે તૈયાર ખોરાક ટાળવાનો પ્રયાસ કરો. આવા ખોરાક ખાવાથી એસિડિટી વધી શકે છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, તીવ્ર ગરમી અને ડિહાઈડ્રેશન આપણા પાચનતંત્ર પર સીધી અસર કરે છે. ઉનાળા દરમિયાન શરીર તાપમાન જાળવવા માટે વધુ પાણી વાપરે છે. જો શરીરમાં પાણીની ઉણપ હોય તો પાચન ધીમું થઈ જાય છે. જેના કારણે કબજિયાત, ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આથી પૂરતું પાણી પીઓ. હંમેશા યાદ રાખો કે આવા હવામાનમાં કેફીનનું વધુ પડતું સેવન પણ હાનિકારક હોઈ શકે છે.
ઉનાળામાં પેટના ઇન્ફેક્શનથી લઇને અન્ય બીમારીઓથી બચવા હળવો અને સુપાચ્ય ખોરાક જ લેવો જોઈએ. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ એસિડિટીની સમસ્યા વધે છે, આથી આવી ટેવ હોય તો છોડો. એકસાથે બધું ખાવા કરતાં ઓછી માત્રામાં ખોરાક લેવો વધુ સારું છે.
મોડી રાત્રે ભારે ખોરાક ખાવાથી, મસાલેદાર ખોરાક ખાવાથી અને ખુલ્લી વસ્તુઓ ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે. જો વારંવાર ઝાડા-ઉલટી, પેટમાં દુખાવો કે પેટ ફૂલવાની સમસ્યા થાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને હા, અહીં આપેલી જાણકારીને અમલમાં મૂકતાં પહેલાં પોતાના શરીરની તાસીરને ધ્યાનમાં રાખવા અનુરોધ છે. જરૂર જણાય તો સંબંધિત નિષ્ણાતોનું માર્ગદર્શન પણ મેળવવું જોઇએ.


