ગર્ભમાં ઉછરી રહેલી બાળકીના મગજની દુર્લભ સર્જરી

10 ડોક્ટર્સની ટીમે સર્જરી કર્યાના બે દિવસ પછી ડેનવર જન્મી

Tuesday 09th May 2023 12:30 EDT
 
 

ન્યૂ યોર્કઃ સાત સપ્તાહની ડેનવર કોલમનને હજુ એ ખબર કે સમજણ નથી કે, તે કેટલા મોટા ચમત્કારનાં કારણે આ દુનિયામાં આવી શકી છે. આ માસુમ બાળકી માતાનાં ગર્ભમાં હતી તે દરમિયાન જ તેનાં મગજની ચમત્કારિક સર્જરી કરવામાં આવી હતી. અમેરિકામાં બોસ્ટનની નજીક રહેનાર આ બાળકીએ આ એક્સપેરિમેન્ટલ સર્જરીમાં સામેલ થઇને ઇતિહાસ રચી દીધો છે. ગર્ભમાં ઉછરી રહેલી બાળકીનાં મગજની દુર્લભ સર્જરી કરવામાં આવી હતી. 10 તબીબોની ટીમે બે કલાકમાં સફળ ઓપરેશન પાર પાડયું હતું. આ ઓપરેશનનાં બે દિવસ બાદ બાળકી દુનિયામાં આવી છે.
બોસ્ટન ચિલ્ડ્રન હોસ્પિટલનાં નિષ્ણાત ડો. ડેરેન ઓરબેકે કહ્યું હતું કે, બાળકીનાં મગજમાં રેર બ્લડ વેસલ એબ્નોર્માલિટી (નસોમાં બ્લડ ક્લોટિંગની સમસ્યા) હતી. મેડિકલ સાયન્સમાં આને વેઇન ઓફ ગેલેન મેલ્ફાર્મેશન (વીઓજીએમ) કહેવામાં આવે છે. આ સ્થિતિમાં બ્રેઇનથી હાર્ટ સુધી લોહી લઇ જતી નસો યોગ્ય રીતે વિકસિત થઇ શકતી નથી. આના કારણે હાર્ટ પર દબાણ વધે છે.
ડો. ઓરબેક કહે છે કે, ડેનવરનાં મગજમાં 14 મીમી પહોળા પાર્કેટમાં બ્લડ જમા થવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. આના કારણે સામાન્ય રીતે બાળકોમાં હાર્ટ ફેઇલ અથવા તો બ્રેઇન ડેમેજ થઇ જાય છે. બાળકો લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી.
ડો. ઓરબેકે કહ્યું છે કે, કેન્યાટા કોલમેનની ગર્ભાવસ્થાનાં 30મા સપ્તાહમાં રૂટીન અલ્ટ્રાસાઉન્ડથી આ સમસ્યા અંગે માહિતી મળી હતી. 15 માર્ચનાં રોજ ગર્ભાવસ્થાનાં 34મા સપ્તાહમાં આ ઐતિહાસિક ક્લીનિક ટ્રાયલ માટે સર્જરીની યોજના બનાવવામાં આવી હતી. માતાને સ્પાઇનલ એનેસ્થેટિક આપવાની પ્રક્રિયા અપનાવાઇ હતી. તે જાગૃત સ્થિતિમાં રહે તે માટે આ નિર્ણય કરાયો હતો. સમગ્ર સમય દરમિયાન હેડફોન પર તે મ્યુઝિક સાંભળી રહી હતી.

ગર્ભમાં સોય પહોંચાડવી એક પડકાર હતો
ડો. ઓરબેક જણાવ્યું હતું કે, ગર્ભમાં સોય પહોંચાડવી એક પડકાર હતો. ગર્ભને પીડાથી બચાવવા અને હલનચલન બંધ કરવા માટે ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. 10 ડોકટરોની એક ટીમે લાંબી સોયને ગર્ભ સુધી પહોંચાડવા માટે અલ્ટ્રાસાઉન્ડની મદદ લીધી. રક્તવાહિની સંપૂર્ણ રીતે વિકસિત ન હતી. તેથી લોહીનો પ્રવાહ વધુ હતો. ટીમના સભ્યોએ સોય દ્વારા કેથેટર પહોંચાડ્યું, જેથી લોહીથી ભરેલી જગ્યામાં નાની પ્લેટિનમ કોઇલ નાંખી શકાય. દરેક કોઇલ દાખલ થવા પર વિસ્તરે છે. જે ધમની અને નસના જંક્શનને બ્લોક કરવામાં મદદ કરે છે.
આ દરમિયાન ટીમના કેટલાક સભ્યોએ બાળકીના મગજમાં લોહીના પ્રવાહનું નિરીક્ષણ ચાલુ રાખ્યું હતું. બીપી સામાન્ય સ્તર પર આવ્યું. પછી કોઇલને ઇન્જેક્ટ કરવાનું બંધ કરી દીધું અને કાળજીપૂર્વક સોય દૂર કરી. આ સર્જરી 20 મિનિટમાં કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર પ્રક્રિયામાં બે કલાકનો સમય લાગ્યો હતો. સર્જરી સફળ રહી. આ ઘટનાના બે દિવસ પછી ડેનવર દુનિયામાં આવી હતી. જન્મનાં સમયે તેનું વજન 1.9 કિલો હતું. અને કોઇ જન્મજાત ખામી ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter