ગર્ભાવસ્થા દરમિયાન પેઇનકિલરનું સેવન નુકસાનકારક

Sunday 29th January 2023 06:48 EST
 
 

વોશિંગ્ટનઃ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમે ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલનો ઉપયોગ કરવા સામે ચેતવણી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે ગર્ભવતી મહિલાઓએ ડોક્ટરની સલાહ પર જ કોઈ પણ પ્રકારની પેઇનકિલર અથવા પેરાસિટામોલનું સેવન કરવું જોઈએ. અન્યથા જન્મનાર બાળક પર અનેક પ્રકારે ખરાબ અસર થઈ શકે છે. તેમાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકના વિકાસને નુકસાન થાય છે અને જન્મ બાદ બાળકને મગજને લગતી સમસ્યા થઈ શકે છે.
‘નેચર રિવ્યૂ એન્ડોક્રાઇનોલોજી જર્નલ’માં પ્રકાશિત રિસર્ચ અનુસાર, બ્રેઇન રિપ્રોડક્શન અને યુરિન સાથે જોડાયેલી બીમારીઓ સાથે પેરાસિટામોલનું કનેકશન જોવા મળ્યું છે. રિસર્ચ કરનારા કોપનહેગન યુનિવર્સિટીના રિસર્ચર ડો. ડેવિડ ક્રેસ્ટેશને ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલની અસર પર બે પ્રકારે તપાસ કરી હતી. પ્રથમ ગર્ભ ધરાવતા પશુઓ પર અને બીજી ગર્ભવતી મહિલાઓ પર. પેઇનકિલરની શરીર પરની આડઅસર સમજવા માટે રિસર્ચરની ટીમે 1995થી 2020ની વચ્ચે થયેલા પેરાસિટામોલ અને ગર્ભાવસ્થા સાથે જોડાયેલા રિસર્ચનું એનાલિસિસ કર્યું હતું.
આ પહેલાં થયેલા અભ્યાસમાં સામે આવ્યું હતું કે આવી માતાઓના સંતાનોમાં ઓટિઝમ, હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર, ભાષા ધીમે શીખવી અને આઇક્યૂ લેવલ ઓછું હોવા વચ્ચેનું કનેકશન મળ્યું છે. દુનિયાભરમાં પેરાસિટામોલનો વધી રહેલો ઉપયોગ હેરાન કરનાર છે. તે બાળકોની સમજવા વિચારવાની કે શીખવાની ક્ષમતા અને તેમના વર્તન વ્યવહાર પર અસર કરે છે. એટલું જ નહીં, આવા પેઇનકિલર્સ અને ટેસ્ટિક્યૂલર કેન્સર વચ્ચે પણ કનેકશન જોવા મળ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter