ગળ્યું ઓછું ખાવાથી નહીં, શુગરનું પ્રમાણ ઘટાડશો તો ડાયાબિટીસ કે ઓબેસિટી ટાળી શકશો

Friday 03rd April 2026 08:59 EDT
 
 

વોશિંગ્ટનઃ ગળ્યું ખાવાની આદત પર એક નવા અભ્યાસમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. નેધરલેન્ડની વેગેનિન્જેન યુનિવર્સિટી અને બ્રિટનની બોર્નમાઉથ યુનિવર્સિટીએ સાથે મળીને કરેલા અભ્યાસના તારણો અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થયા છે. અભ્યાસમાં સામેલ લોકોને ત્રણ ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા હતા. આમાંથી એક ગ્રૂપને વધુ ગળ્યું. બીજા ગ્રૂપને ઓછું ગળ્યું અને ત્રીજા ગ્રૂપને મધ્યમ માત્રામાં ગળ્યું ખાવા માટે આપવામાં આવ્યું. આ ગળપણ અલગ અલગ સ્ત્રોતમાંથી લેવાયું હતું, જેમાં શુગર, નેચરલ સ્વીટનર અને લો-કેલોરી સ્વીટનરનો ઉપયોગ થયો હતો. આ લોકોને એક, ત્રણ અને છ મહિના પછી પૂછાયું કે તેમની ગળ્યાં પ્રત્યેની પસંદગીમાં કોઈ ફેરફાર થય છે કે નહીં. સાથે જ વજન, બ્લડ અને યુરિનના સેમ્પલ લઈને ડાયાબિટીસ અને હાર્ટ હેલ્થ સાથે જોડાયેલા માર્કર્સની પણ તપાસ કરાઇ હતી. છ મહિના પછી, ત્રણેય ગ્રૂપમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહીં. ગળ્યા ખાદ્ય પદાર્થો પ્રત્યેની પસંદગી પણ પહેલા જેવી જ રહી. અભ્યાસમાં સામેલ કેટલાક લોકો તો ફરીથી પહેલા જેવી મીઠી વસ્તુઓ ખાવા લાગ્યા હતા.
ફાસ્ટ ફૂડમાં ગળપણ ઓછું, પણ શુગર વધુ
બોર્નમાઉથ યુનિવર્સિટીની પ્રોફેસર કેથરીન એપલ્ટન કહે છે કે લોકોને ગળ્યું પસંદ છે, તેથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓ ગળ્યું ઓછું કરવાની સલાહ આપે છે, પરંતુ અમારો અભ્યાસ બતાવે છે કે ગળપણનો સ્ત્રોત શુગર હોય કે સ્વીટનર, તે પસંદગી પર અસર કરતું નથી. તેમણે કહ્યું કે, મેદસ્વિતાનો સામનો કરવા માટે માત્ર ગળપણ ઓછું કરવાની સલાહ અસરકારક નથી. ખરેખર તો ચિંતા શુગરની માત્રા વિશે છે. ઘણા ફાસ્ટફૂડ મીઠા નથી લાગતા, પરંતુ તેમાં શુગર વધુ હોય છે. સહુકોઇએ આવા ખાદ્યપદાર્થો કે પીણાં ઓળખીને તેનું સેવન ઘટાડવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter