ઘરે જ બનાવો પૌષ્ટિક બેબી પાઉડર

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 24th June 2017 11:17 EDT
 
 

ભાગદોડભરી જીવનશૈલી સાથે કદમ મિલાવવાની હાયવોયમાં ખોરાકે પોતાનું સ્વરૂપ બદલ્યું છે. ફાસ્ટ ફૂડ નામે જાણીતા અને ઝટપટ તૈયાર થઈ જાય એવા ખોરાકની ડિમાન્ડ આજના સમયની માગ છે. જોબ કરતી બહેનો પાસે હવે કિચનમાં વીતાવવા માટે પૂરતો સમય નથી ત્યારે ફૂડ શક્ય તેટલું ફાસ્ટ બની જાય એ ઇચ્છનીય હોય છે. પછી વાત વયસ્કોના ભોજનની હોય કે માસુમ બાળકના આહારની. બાળક મોટા ભાગે ૬ મહિનાનું બાળક થાય પછી બહારનો ખોરાક શરૂ કરવામાં આવતો હોય છે. આ સમયે મોટા ભાગની મમ્મીઓ દિવસમાં બે કે ત્રણ વાર બેબી પાઉડર ચાલુ કરે છે. ખાસ કરીને વર્કિંગ મધર્સ માટે આ પાઉડર ઘણો મદદરૂપ થતો હોય છે.

ઘણી મમ્મીઓ જાગ્રત હોય તો ઘરમાં આ પાઉડર બિલકુલ ન આપતી હોય, પરંતુ ટ્રાવેલ કરતી વેળા નાછૂટકે બાળકને આ પાઉડર ખવડાવવો પડે છે. બેબી પાઉડરને પાણીમાં ભેળવો, પેસ્ટ જેવું બનાવો અને ખવડાવી દો. ઘરેથી ડબ્બો લઈ જવાની ઝંઝટ નહીં, બહારનું કંઈ ખવડાવવાની આફત નહીં અને બાળકનું પેટ પણ ભરાઈ જાય.

જોકે આ સરળ ફોર્મ્યુલાવાળા બેબી પાઉડર ખરા અર્થમાં બાળક માટે હેલ્ધી હોય છે ખરાં? આ પ્રશ્નનો જવાબ આપતાં મધર એન્ડ ચાઇલ્ડ ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે આ પ્રકારના પાઉડરમાં અમુક પ્રકારનાં સ્ટેબિલાઇઝર નાખવામાં આવતાં હોય છે. આ ઉપરાંત ફ્લેવર અને કલર માટે પણ આર્ટિફિશ્યલ પદાર્થો ઉમેરવામાં આવે છે. વળી એમાં મોલ્ટ નામનો પદાર્થ હોય છે, જે એક પ્રકારની શુગર છે, જેનો વધુ માત્રામાં ઉપયોગ થાય છે. આ શુગર બાળકના માનસિક વિકાસને અસર કરે છે. પરિણામે બાળકો ચીડચીડાં, જિદ્દી, હાઇપર, ગુસ્સાવાળા બની શકે છે. વળી કેટલાય માતાપિતાનો એવો પણ અનુભવ છે કે બાળક એક વાર આ બેબી પાઉડરના રવાડે ચડી જાય છે પછી બીજો સાદો ખોરાક ખાતાં જ નથી.

બેબી પાઉડર બાળકની હેલ્થ માટે ખરાબ છે એ વાત સાચી, પરંતુ જ્યાં કિચનની સગવડ હોતી નથી અને ઝટપટ બની જાય એવો ખોરાક જોઈએ એવી કન્ડિશન ન હોય ત્યારે બાળકને શું ખવડાવવું? બાળક સાથે લાંબું ટ્રાવેલિંગ કરતી સ્ત્રીઓ, સવારથી સાંજની પિકનિકમાં કે પછી વર્કિંગ મધર્સની દરરોજની હેલ્પ થઈ શકે તેનો ઉકેલ આપતાં મધર એન્ડ ચાઇલ્ડ ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે બાળક નાનું હોય ત્યારે દર બે કલાકે તે થોડું-થોડું ખાય છે તે મુશ્કેલી સમજી શકાય તેવી છે. જો સવારથી સાંજ સુધી ક્યાંય બહાર જવાનું થાય અને ઘરેથી ડબ્બા લઈને નીકળીએ તો પણ રાત સુધીનું ખાવાનું લઈ જઈ શકાય નહીં અને બીજો પ્રશ્ન એ કે વધુ કલાક માટે ખોરાક લઈ ગયા અને એ બગડી જાય તો? આ બધાના ઉકેલરૂપે આપણે ઘરે બેબી પાઉડર બનાવી શકીએ છીએ. આ પાઉડર ખૂબ જ પૌષ્ટિક હોવા ઉપરાંત તે વાપરવામાં એટલાં જ સરળ હોય છે. આવા ત્રણ પ્રકારનાં જુદાં-જુદાં બેબી પાઉડર બનાવવાની રેસિપી અહીં રજૂ કરી છે.

ડ્રાયફ્રૂટ પાઉડર

મોટાભાગે બાળકો નાનાં હોય ત્યારે તેમને બહારનું દૂધ ચાલુ કર્યા પછી બહાર મળતાં જાત-જાતનાં પાઉડર મમ્મીઓ વાપરતી હોય છે. આ પાઉડર વાપરવાને બદલે ઘરે ડ્રાયફ્રૂટનો પાઉડર બનાવી શકાય છે જે નાનાં જ નહીં, મોટાં બાળકોને પણ દૂધમાં ભેળવીને આપી શકાય છે.

આ પાઉડર બનાવવા માટે કોઈ પણ ત્રણ નટ્સ લેવાં જેમાં બદામ, અખરોટ, કાજુ, પિસ્તા, ચારોળીમાંથી તમારી પસંદ મુજબ તમે કંઈ પણ લઈ શકો છો જે લગભગ સરખા પ્રમાણમાં હોવાં જોઈએ. એની સાથે બે સીડ્સ લેવાં જેમાં મખાના (એટલે કે કમળકાકડીનાં બીજ જેને લોટસ સીડ પણ કહે છે), તલ, અળસી, ચિયા, કિન્વાહ જેવાં ઘણાં જુદાં-જુદાં બીજોમાંથી કોઈ પણ બે બીજ તમારી પસંદનાં લઈ શકાય છે. પાઉડરમાં ડ્રાયફ્રૂટ્સ ૩ ભાગ અને ૧ ભાગ બીજનું પ્રમાણ હોવું જોઈએ. આ બધી વસ્તુને અલગ-અલગ શેકો જેથી એ દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે પૂરી શેકાઈ શકે. ત્યાર બાદ એને મિક્સરમાં ક્રશ કરો અને મિક્સ કરીને એરટાઇટ ડબ્બામાં ભરી લો. આ પાઉડરમાં સાકર ભેળવવાની જરૂર નથી, પણ ઇચ્છો તો ભેળવી શકાય છે. જ્યારે જરૂર પડે ત્યારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી પાઉડર નાખીને વાપરી શકાય છે. જો બાળક નાનું હોય અને એક વાટકી જેટલું જ દૂધ પિવડાવવાનું હોય તો અડધી ચમચી પાઉડર નાખી શકાય.

શીરો

શીરો બનાવતી વખતે લોટને આપણે હંમેશાં ઘીમાં શેકીને ગોળ ઉમેરીને બનાવતાં હોઈએ છીએ, પરંતુ આવો શીરો જલદી પણ બની જાય અને એ પણ પકાવ્યા વગર તો?! આવો શીરો પણ બનાવી શકાય છે જે બાળકની હેલ્થ માટે પણ બેસ્ટ છે.

આ શીરાનો પાઉડર બનાવવા માટે કોઈ પણ એક અનાજ - રાગી કે બાજરો બન્નેમાંથી એક - લઈ શકાય છે. એની સાથે એક કઠોળ જેમ કે મઠ લઈએ. બન્ને વસ્તુનું એકસરખું પ્રમાણ લઈને એને પલાળીને ફણગાવી લઈએ. ફણગાવેલા આ કઠોળ અને અનાજને સૂકવી દો. એને તડકામાં પણ સૂકવી શકાય, નહીંતર ગેસ પર કડાઈમાં પણ આછા તાપે શેકી શકાય. જ્યારે એ શેકાઈ જાય ત્યારે એનો પાઉડર બનાવી નાખીએ. એ પાઉડરને એરટાઇટ ડબ્બામાં ભરી દો. આ શીરાને શેક્યા વગર એટલા માટે વાપરી શકાય છે કે એ ધાન અને કઠોળને આપણે ફણગાવી ચૂક્યા છીએ. ફણગાવવાથી એ સુપાચ્ય બની જાય છે અને પછી શેકી પણ લીધા છે. આ શીરો બાળકને સરળતાથી પચશે. જ્યારે જરૂર પડે ત્યારે અડધી વાટકી પાઉડર લઈને હૂંફાળા ગરમ પાણીમાં એને ભેળવો અને ઉપરથી થોડો ગોળ નાખીને હલાવો. પાણીમાં ગોળ તરત પીગળી જશે અને પૌષ્ટિક શીરો બે મિનિટમાં તૈયાર.

ખીચડી

બાળકને ખીચડી આપણે ખવડાવતાં જ હોઈએ છીએ, પરંતુ ઘરની બહાર જઇએ છીએ ત્યારે એ અઘરું બની જતું હોય છે. જોકે રેડીમેડ ખીચડી પણ બનાવી શકાય છે. ચોક્કસપણે એ સાધારણ ખીચડી કરતાં જુદી છે, પરંતુ પોષણ એમાં ભરપૂર છે.

આ પાઉડર માટે ઘઉં કે જુવારમાંથી એક ધાન અને સાથે કઠોળમાં મગ લઈ શકાય છે. શીરાની જેમ અહીં પણ બન્નેને એકસરખા ભાગમાં લઈને એને પલાળીને ફણગાવી લેવાં. સૂકવી કે કડાઈમાં શેકીને એનો પાઉડર તૈયાર કરવો. આ પાઉડરમાં આવશ્યકતા અનુસાર મીઠું અને હળદર ભેળવીને ડબ્બામાં બંધ કરી દો. જ્યારે પણ જરૂર પડે ત્યારે અડધી વાટકી પાઉડરમાં હૂંફાળું ગરમ પાણી નાખી બાળકને ખવડાવો. આ ખીચડી પણ બાળક માટે સુપાચ્ય જ છે, કારણ કે અહીં પણ આપણે ફણગાવેલાં કઠોળ અને ધાન વાપરેલાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter