ઘૂંટણ અને થાપાનો દુઃખાવો ગંભીર સમસ્યાનાં લક્ષણ હોઈ શકે

Saturday 08th November 2025 05:24 EST
 
 

ઘૂંટણ અને થાપાનો દુઃખાવો
ગંભીર સમસ્યાનાં લક્ષણ હોઈ શકે
જ્યારે તમે સીડીઓ ચડતા હો ત્યારે ઘૂંટણમાં અવાજ આવે છે, કામકાજનો લાંબો દિવસ પસાર કર્યા પછી થાપામાં દુઃખાવો થાય છે? સામાન્યપણે લોકો આને ઘડપણ અથવા સામાન્ય ઘસારા તરીકે માની નજરઅંદાજ કરે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે દરરોજનો દુઃખાવો સાંધાના મોટા રોગ-ઓસ્ટીઓઆર્થ્રાઈટિસની નિશાનીઓની ચેતવણી હોઈ શકે છે જેનાથી વિશ્વના કરોડો લોકો પીડાય છે. વર્ષ 2020માં આશરે 595 મિલિયન– કુલ વૈશ્વિક વસ્તીના 7.6 ટકા (2019માં આશરે 528 મિલિયન) લોકો ઓસ્ટીઓઆર્થ્રાઈટિસથી પીડાતા હતા, જે 1990ની સરખામણીએ 113 ટકાનો ઉછાળો સૂચવે છે.
ઓસ્ટીઓઆર્થ્રાઈટિસમાં હાડકાના સાંધાઓ વચ્ચે રહેલો કૂચા અથવા કાર્ટિલેજ પદાર્થ સમયાંતરે ઘસારાનો શિકાર બને છે અને હલનચલન સાથે દુઃખાવો થાય છે. હંમેશાં સર્જરીની જરૂર રહેતી નથી, પરંતુ ખાનપાન અને કસરતોથી રાહત મેળવી શકાય છે. રૂમેટોઈડ આર્થ્રાઈટિસ (સંધિવા) ઓટોઈમ્યુન કંડિશન છે જે અનેક સાંધાઓને અસર કરે છે. સ્ત્રીઓને આનું જોખમ વધારે રહે છે.
સાંધાની બાબતમાં ઉપચાર કરતાં અટકાવ વધુ સારો છે. પોષક આહાર, કસરત અને લાંબા ગાળાની મોબિલિટીને સપોર્ટ કરતા લાઈફસ્ટાઈલના સુધારમાં સતત પ્રયાસો કરતા રહેવાથી લાભ મળે છે. મજબૂત હાડકાં અને સાંધાઓના આરોગ્ય અને પીડામાં રાહત માટે તમારે મોંઘાં જીમના સભ્યપદ કે ખર્ચાળ સાધનો વસાવવાની જરૂર નથી. અસરગ્રસ્ત સાંધાની આસપાસના સ્નાયુઓની મજબૂતી, હલનચલનની ફ્લેક્સિબિલિટી વધારવા ઘરમાં જ સાદી કસરતો કરી શકાય છે.

•••
યાદશક્તિ સુધારવા સાંભળવામાં ધ્યાન કેન્દ્રિત કરો

જેમ વય વધતી જાય તેમ ધ્યાન કેન્દ્રિત કરવામાં કે માહિતી મગજમાં ઉતારવાની તકલીફ થતી લાગે તો ન રી કલ્પના નથી, પરંતુ હકીકત છે. વૃદ્ધાવસ્થા સાથે જ વિચારવામાં અને યાદ રાખવાની શક્તિમાં ધીમો ફેરફાર થવા લાગે છે અને સંશોધન અનુસાર યાદશક્તિ ગુમાવવાની શરૂઆત 45 વર્ષની વયથી થઈ શકે છે. યાદ રાખવાની પ્રક્રિયા ધીમી પડે ત્યારે માહિતીને તમારી ટુંકા ગાળાની યાદદાસ્તમાં પ્રવેશવું અને લાંબા ગાળાની યાદદાસ્તમાં સંગ્રહિત થવાનું મુશ્કેલ બને છે. અડધાથી વધુ લોકોને 60 વર્ષની વય સુધીમાં તેમની યાદશક્તિ વિશે ચિંતા થાય છે. જોકે, વધતી વય સાથે નાનીમોટી ભૂલવાની બાબતો સામાન્યપણે અલ્ઝાઈમર્સ જેવી ગંભીર સમસ્યાની નિશાની નથી, પરંતુ મગજના બંધારણ અને કામગીરીમાં સામાન્ય ફેરફારનું પરિણામ છે. સારા સમાચાર એ છે કે તમે ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેટલાંક પગલાં લઈ શકો છો.
જ્યારે તમારી સાથે કોઈ વાત કરતું હોય ત્યારે તે વ્યક્તિ સામે જોઈને ધ્યાનપૂર્વક તેની વાત સાંભળો. જો કોઈ બાબત રહી ગઈ હોય તો તેમને વાક્યો ફરી કહેવા અથવા ધીમે ધીમેથી બોલવા જણાવો. જે કહેવાયું હોય તેને બરાબર સમજવા અને માહિતીને પચાવવાની કાળજી લો.
જો તમને લાગે કે વાતચીત દરમિયાન તમારું ધ્યાનભંગ થઈ જાય છે તો શાંત વાતાવરણમાં જઈ વાતચીત કરો. તમે ઘોંઘાટવાળા રેસ્ટોરાંની જગ્યા એ ઘરના શાંત વાતાવરણમાં પણ મુલાકાત ગોઠવી શકો છો. જો રેસ્ટોરાંમાં મુલાકાત યોજાય તો દીવાલ નજીકના ટેબલ પર અન્ય લોકો તરફ ધ્યાન ન જાય તે રીતે બેસો. તમે વાંચન કે કામ કરતા હો ત્યારે અન્ય કોઈની વાત ન સાંભળો, ફોન પર જવાબ ન આપો અને વોઈસમેલનો ઉપયોગ કરો. એક સમયે એક જ કામ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter