ચહેરા અને હાથના ટ્રાન્સપ્લાન્ટનો વિશ્વનો પ્રથમ સફળ કેસ

અંધકાર પછી અજવાળું થાય છે, આથી ક્યારેય આશા ન છોડીઃ જોસેફ ડિમિયો

Wednesday 10th February 2021 05:10 EST
 
 

ન્યૂ યોર્કઃ ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જગતનો પ્રથમ કિસ્સો ન્યૂ યોર્કમાં નોંધાયો છે. બે વર્ષ પૂર્વે ગમખ્વાર માર્ગ અકસ્માત દરમિયાન ૮૦ ટકાથી વધુ દાઝી ચૂકેલા યુવકના ચહેરા અને બંને હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ દુનિયાનો પ્રથમ કેસ છે જ્યારે બેવડા ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી એકદમ સ્વસ્થ છે અને કામ કરી શકે છે. તબીબી જગતના ચમત્કાર સમાન આ ટ્રાન્સપ્લાન્ટ માટે નિષ્ણાત ડોક્ટર્સની ટીમે એક આખું વર્ષ પ્રેક્ટિસ કરવી પડી હતી, જે આ સર્જરીની જટિલતા દર્શાવે છે. કુલ ૧૪૦ ડોક્ટર, નર્સ મેડિકલ સ્ટાફએ ૨૩ કલાક મહેનત કરી યુવાનનો ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી દેખાડયા છે.

ન્યૂ જર્સીનો વતની ૨૨ વર્ષીય જોસેફ ડિમિયો જુલાઇ ૨૦૧૮માં નાઈટ શિફ્ટ પૂરી કરીને કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ઝોકું આવી જતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો અને કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં તેનું શરીર થર્ડ ડિગ્રી એટલે કે ૮૦ ટકાથી વધુ દાઝી ગયું હતું. તેના હોઠ અને પાંપણો એકદમ બળી ગયા હતા. આંગળીઓ ભાંગી ગઇ હતી, અને ચહેરા પર અનેક કાપા પડી ગયા હતા. સારવાર દરમિયાન ડિમિયોને ચાર મહિના બર્ન યુનિટમાં રખાયો. આ દરમિયાન તે અઢી મહિના તો મેડિકલ કોમામાં હતો. બે ડઝનથી વધુ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીને કારણે તેની જોવાની ક્ષમતા ઘટી ગઈ. તે હરી-ફરી પણ શકતો નહોતો. તેના પછી ડોક્ટરોએ ચહેરા અને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન કોરોના મહામારી ફેલાઈ અને બધું આયોજન ઠપ્પ થઇ ગયું.
ડિમિયોને ૧૦ મહિના રાહ જોવી પડી કેમ કે ૨૦૨૦ની શરૂઆતમાં ઓર્ગન ડોનેશનમાં મોટો ઘટાડો નોંધાયો. પ્રત્યારોપણ માટે બનેલી ટીમના સભ્યોને પણ ઈમરજન્સી ડ્યૂટી પર લગાવી દેવાયા હતા. સર્જરી કરનાર ટીમના લીડર ડો. એડુઆર્ડો રોડ્રિગ્સ કહે છે કે ડોક્ટર પીપીઈ કિટ પહેરીને તૈયાર કરતા રહ્યા. અમારી ટીમે વર્ષમાં ડઝનેક વખત પ્રેક્ટિસ કરી. છેવટે યોગ્ય ડોનર મળતાં ૧૨ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ જોખમી સર્જરી હાથ ધરાઇ.
નિષ્ણાતોની ટીમને આ સર્જરી કરવામાં આશરે ૨૩ કલાકનો સમય લાગ્યો. ૧૪૦થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સે તેમાં મદદ કરી. સજર્રીના છ મહિના પછી ગયા ગુરુવારે ડોક્ટરોએ સર્જરીની સફળતા અંગે માહિતી જાહેર કરી છે. હવે ડિમિયો જાતે ભોજન કરી શકે છે. તે જિમમાં વજન પણ ઊંચકે છે.

ભૂતકાળમાં બે પ્રયાસ નિષ્ફળ

ઉલ્લેખનીય છે કે અગાઉ ચહેરો અને હાથ ટ્રાન્સપ્લાન્ટના બે નિષ્ફળ પ્રયાસ થયા છે. એક દર્દીનું સંક્રમણથી મોત નીપજ્યું હતું અને બીજા કેસમાં શરીરે હાથને સ્વીકાર્યો નહોતો. આથી જ આ વખતે મેડિકલ ટીમે ટ્રાન્સપ્લાન્ટની સફળતાની જાહેરાત માટે લાંબો સમય રાહ જોઇ હતી. મેડિકલ ટીમના મતે આ પ્રકારની સર્જરી માટે ડિમિયો આદર્શ ઉમેદવાર હતો કેમ કે તે મક્કમ મનોબળ ધરાવતો હતો. એ આઝાદ જીવનને ફરી એક વખત જીવવા માગતો હતો, જે તેણે દુર્ઘટના પછી ગુમાવી દીધું હતું.

દૃઢ સંકલ્પ - જુસ્સા અમને પ્રેરણા આપીઃ ડોક્ટર્સ

ડોક્ટરોનું કહેવું છે કે દર્દીએ સાજા થવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો, અને તેના આ જુસ્સાએ જ અમને પ્રેરણા આપી હતી. સર્જરી સફળ થયા પછી ડિમિયોએ જણાવ્યું કે તેને સ્વતંત્ર જીવન જીવવાની બીજી તક મળી છે. આ આશાનો સંદેશ છે. અંધકાર પછી અજવાળું થાય જ છે એટલા માટે ક્યારેય આશા ન છોડવી. જ્યારે ડો. રોડ્રિગ્સે કહ્યું કે ડિમિયોએ સાજા થવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. તેના આ જુસ્સાએ જ અમને પ્રેરણા આપી અને સફળ સર્જરીનો ઈતિહાસ રચાયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter