નવી દિલ્હી: મનુષ્યની ચામડી પર કોરોના વાઈરસ નવ કલાક સુધી સક્રિય રહી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ એક ઊંડા અભ્યાસના આધારે આ તારણ રજૂ કરતાં કહ્યું છે કે કોરોના વાઈરસ અન્ય વાઈરસ કરતાં ઘણો વધુ શક્તિશાળી હોવાથી નવ-નવ કલાક સુધી ચામડી પર ટકી જાય છે. આનાથી બચવા માટેનો સૌથી અકસીર ઉપાય ૨૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધોવાનો છે.
સંશોધકોનું કહેવું છે કે જો આપણે કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવીએ અને તેનાથી આપણી ચામડી પર કોરોના વાઈરસ આવી જાય તો એ નવ કલાક સુધીમાં સંક્રમણ લગાડી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લેબમાં વાઈરસ માણસની ચામડી પર કેટલો વખત ટકી શકે છે? તે અંગે સંશોધન હાથ ધર્યું હતું.
વિવિધ સેમ્પલ તપાસ્યા પછી તારણ આપ્યું હતું કે માણસની ચામડી પર કોરોના વાઈરસ બીજા બધા જ અત્યારના વાઈરસ કરતાં સૌથી વધારે સમય જીવતો રહે છે. સંશોધકોએ કહ્યું હતું કે ઇન્ફ્લુએન્ઝા-એ વાઈરસ ચામડી પર બે કલાક જીવતો રહે છે. તેની સરખામણીમાં નોવેલ કોરોના વાઈરસ ચાર ગણો વધુ સમય સક્રિય રહે છે.
હેન્ડ વોશ - સેનિટાઇઝર્સ સૌથી અકસીર
ક્યોટો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો આ અહેવાલ ક્લિનિકલ ઈન્ફેક્શન ડિસીઝ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે. વૈજ્ઞાનિકોએ સાથોસાથ એવું પણ તારણ રજૂ કર્યું હતું કે વાઈરસ સાબુથી કે વોશિંગ લિક્વિડથી ૧૫ સેકન્ડમાં નાશ પામતો હતો. આમ વૈજ્ઞાનિકોએ ફરી વખત ૨૦ સેકન્ડ સુધી હાથ ધોવાની સલાહ આપી હતી. સ્નાન કરતી વખતે પણ શરીર પર શાવર જેલ કે સાબુ ૨૦ સેકન્ડ સુધી ઘસવાનું સૂચન સંશોધકોએ કર્યું છે.
સાબુ ઉપરાંત સેનિટાઇઝર્સ પણ વાઈરસનો નાશ કરવામાં અકસીર પુરવાર થયું હોવાનું વૈજ્ઞાનિકોનું કહેવું છે. સેનિટાઈઝર્સમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાથી વાઈરસ આલ્કોહોલ સામે ઝઝૂમી શક્યો ન હતો. ૮૦ ટકા સુધી આલ્કોહોલનું પ્રમાણ ધરાવતા સેનિટાઈઝર્સ ખૂબ જ અસરકારક પરિણામ આપતા હોવાનું વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે. અહેવાલ પ્રમાણે વારંવાર હાથ ધોવા એ સૌથી સલામત રસ્તો છે. આ પછી હેન્ડ સેનિટાઈઝર્સ બીજા ક્રમે છે.