આ વખતે ઉનાળો અંગદઝાડતી ગરમી વરસાવી રહ્યો છે. આ ઓછું હોય તેમ હિટવેવના એક પછી એક સપાટા આવી રહ્યા છે. ઉનાળામાં પરસેવા અને બહારની ગરમીના કારણે શરીરમાંથી પાણી ઘટી જવું અથવા ડીહાઇડ્રેશન થઈ જવું સામાન્ય છે. ઉનાળાની ગરમીમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સતત પાણી પીતા રહેવું આવશ્યક ગણાય. શરીરમાં પાણી પૂરતું છે કે નહિ તેની જાણકારી પેશાબના રંગ પરથી થઈ શકે છે પરંતુ, તેનાથી વધુ સરળ અને સહેલી પદ્ધતિ શરીરની ત્વચા પર નાનકડી ચૂંટી ખણીને તપાસી લેવાની છે.
ડીહાઇડ્રેશનને કેવી રીતે ઓળખશો?
સામાન્ય રીતે ઉનાળામાં પેશાબ કરવા ઓછું જવું પડે છે પરંતુ, પેશાબના રંગ પરથી શરીરમાં પાણી ઓછું થયું છે કે કેમ તે જાણી શકાય છે. હળવાં લીંબુના શરબત, હળવો - આછો પીળા રંગનો પેશાબ સૂચવે છે કે શરીરમાં પાણી કે પ્રવાહીનું પ્રમાણ પર્યાપ્ત છે. જો ઘેરાશ પડતો પીળો કે લાલાશ પડતો રંગ હોય તો શરીરમાં પાણીની તત્કાળ જરૂર હોવાનું જાણી શકાય છે. જો તરસ વધુ લાગી હોય, ગળું સુકાતું હોય અથવા પરસેવો કે પેશાબ બરાબર આવતો ન હોય ત્યારે પણ શરીરને પાણીની જરૂર હોવાનું માની શકાય.
સ્કિન પિન્ચ ટેસ્ટ એટલે શું?
તમારા શરીરમાં પુરતું પ્રવાહી છે અથવા એક કે બે ગ્લાસ પાણી તમે પી શકો તેમ છો તે જાણવા યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) સાથે સંકળાયેલા સર્જિકલ ડોક્ટર અને ટિકટોક ડોક્ટર તરીકે જાણીતા ડો. કરન રંગરાજન, MRCS, MBBSની ફેલાઈ રહેલી ટીપ્સનો ઉપયોગ કરી શકાય છે. જો તમારા શરીરમાં પૂરતું પાણી કે પ્રવાહી હોય તો તમારી ત્વચા વધુ ઈલાસ્ટિક રહે છે અને ચૂંટી ખણ્યા પછી તુરત મૂળ સ્થિતિમાં આવી જાય છે. તમારા શરીરમાં ડીહાઇડ્રેશનની સ્થિતિ હોય તો ત્વચા ઈલાસ્ટિસિટી અથવા સ્થિતિસ્થાપકતા ગુમાવે છે પરિણામે, તેને મૂળ સ્થિતિમાં આવતા થોડો સમય લાગી જાય છે.
ન્યુટ્રિશનિસિસ્ટ કેથરિન પાઈપર, RDN, LD નાં જણાવ્યા મુજબ ત્વચા એક-બે સેકન્ડમાં મૂળ સ્થિતિમાં ન આવે તેન નબળી સ્કીન ટર્ગોર કહેવાય છે જે ડીહાઇડ્રેશનનો સંકેત આપે છે. સામાન્ય હેલ્થકેર સેટિંગ્સમાં લેબોરેટરી પરીક્ષણોનો સમય ન હોય ત્યારે પેશન્ટને પાણી કે પ્રવાહીની તત્કાળ જરૂર છે કે કેમ તે તપાસવા સ્કિન પિન્ચ ટેસ્ટ કરી લેવાય છે.
સ્કિન પિન્ચ ટેસ્ટની ચોકસાઈ કેટલી ગણાય?
જોકે, ચૂંટી ખણવાનું પરીક્ષણ વયોવૃદ્ધો તથા સ્વાસ્થ્યની ચોક્કસ સમસ્યા ધરાવતા સહિત બધા માટે ઉપયોગી કે અસરકારક ન પણ બની શકે. કારણ કે વય વધવા સાથે ત્વચા સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. વૃદ્ધ વ્યક્તિમાં ડીહાઇડ્રેશન ન હોય છતાં, તેમની ત્વચાને મૂળ સ્થિતિમાં આવતા 20 કે તેથી વધુ સેકન્ડ લાગી શકે છે. આ ઉપરાંત, જે પેશન્ટ્મા લોહીનો જથ્થો ઓછો હોય અથવા કનેક્ટિવ ટિસ્યુઝ ડિસઓર્ડર્સ હોય ત્યારે પણ આ પરીક્ષણની અસરકારકતા ઘટી જાય છે. લોંગ કોવિડ ધરાવનારા 70 ટકા લોકોને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ડીસ્ફંક્શનના કારણે તેમનામાં લોહીનો જથ્થો ઓછો હોઈ શકે છે.
જોકે, સાચી વાત તો એ જ ગણાય કે તમે ડીહાઇડ્રેટ છો કે નહિ તેના પર ધ્યાન આપ્યા વિના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તેના પર વધુ ધ્યાન આપો તે જરૂરી છે. યુએસએના સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ની ભલામણ એવી છે કે ભોજન સાથે યોગ્ય પ્રમાણમાં પાણી, તેમજ લીંબુ જેવા ફળના ઉપયોગથી પાણીના સ્વાદને સુધારવાથી પ્રવાહી લેવાના તમારા પ્રમાણમાં વધારો થશે.
આપણા શરીરમાં પાણીની કેટલી જરૂરિયાત?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અહેવાલ મુજબ, સામાન્યપણે મનુષ્યના શરીરમાં 65 ટકા પાણી હોય છે જોકે, વૃદ્ધ અને બાળકોમાં આ પ્રમાણ અનુક્રમે 50 અને 80 ટકાનું હોય છે. પાણી શરીરની રચના માટે ફાયદાકારક છે અને ઘણા રોગોને શરીરથી દૂર રાખે છે. તાજા અભ્યાસ મુજબ દરેક દરેક વ્યક્તિએ 20 કિલો વજન મુજબ એક લિટર પાણી પીવું જોઈએ.
યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિસિન અનુસાર, એક મહિલાને દરરોજ 11.5 કપ એટલે કે લગભગ 2.7 લિટર તેમજ એક પુરુષને 15.5 કપ એટલે કે લગભગ 3.7 લિટર પાણીની જરૂર પડે છે. આમ છતાં, વ્યક્તિના આહાર, જીવનશૈલી, આબોહવા, સ્વાસ્થ્ય, શારીરિક પ્રવૃત્તિ અને સગર્ભાવસ્થા સહિતના પરિબળો પર શરીરને પાણીની જરૂરિયાત આધાર રાખે છે.


