ચાળીસી પછી ખાસ ચેક કરાવજો તમારી આંખ

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 18th November 2017 06:10 EST
 
 

લંડનમાં રહેતાં અને યુવા વયે દેશ-વિદેશમાં ફરી ચૂકેલાં એક ભણેલાં-ગણેલાં સન્નારી હેલ્થ જાળવવા માટે ૭૦ વર્ષની વયે પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરે છે, પોતાનું શુગર લેવલ અંકુશમાં રાખવા સજાગ રહે છે, અને દર મહિને હેલ્થ ચેક-અપ પણ કરાવે છે. આમ છતાં આજે તેમનું હરવાફરવાનું મર્યાદિત થઇ ગયું છે - વધતી વયના કારણે નહીં, પણ દૃષ્ટિના કારણે. તેમને એક આંખથી લગભગ દેખાવાનું બંધ થઈ ગયું છે. ૭૦ વર્ષે પણ ફિઝિકલી એકદમ ફિટ હોવા છતાં આજે આ બહેનની હાલત એક અક્ષમ વ્યક્તિ જેવી થઈ ગઈ છે. તેમની આ હાલત માટે જવાબદાર છે દસકા પૂર્વેની એક ભૂલ.

આ બહેનને ૧૦ વર્ષ પહેલાં ખબર પડી હતી કે તેને ગ્લુકોમા નામનો રોગ છે જેને ગુજરાતીમાં આપણે ઝામર કહીએ છીએ અને મરાઠીમાં એને કાચબિંદુ કહે છે. ચેક-અપ બાદ તેમને ડ્રોપ્સ આપવામાં આવ્યાં હતાં જે તેમણે દરરોજ નાખવાં જરૂરી હતાં. ભૂલ એ થઈ કે તેમને લાગ્યું કે મને બધું બરાબર જ દેખાય છે એટલે મને ડ્રોપ્સની જરૂર નથી. આ ગફલતે તેમની દૃષ્ટિ જ છીનવી લીધી. પોતાની ભૂલ સમજાયા બાદ હવે તેઓ પોતાની બીજી આંખ બચાવવા આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે. વધતી ઉંમરે આવતો આ રોગ યોગ્ય ટ્રીટમેન્ટ ના થાય તો દૃષ્ટિ છીનવી લે છે.

અગાઉના સમયમાં લોકો માનતા કે ઉંમર વધતાં દૃષ્ટિ નબળી પડતી જાય છે એટલે દેખાતું બંધ થાય છે, પરંતુ ત્યારે લોકોમાં આ રોગ વિશે જાગૃતિ નહોતી કે આ રોગ ઝામર છે અને એને ઇલાજની જરૂર પડે છે. નિષ્ણાતોના મતે આજે પણ મોટા ભાગના લોકો જ્યાં સુધી આંખમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં ત્યાં સુધી ડોક્ટર પાસે જતા નથી, જેને લીધે તેમને દૃષ્ટિ ગુમાવવી પડે એવી હાલત થઈ જાય છે. આજે જાણીએ આ રોગ વિશે વિસ્તારથી.

આ વ્યાધિનું જોખમ કોને?

બ્રિટિશ જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીના એક તારણ અનુસાર ૨૦૧૦માં સમગ્ર દુનિયામાં ૬૦.૫ મિલિયન લોકોને ઝામરનો રોગ હતો. આ સંખ્યા વધીને ૨૦૨૦ સુધીમાં એટલે કે ફક્ત ૧૦ વર્ષમાં ૭૯.૬ મિલિયન થવાની શક્યતા રહેલી છે. આ જર્નલ મુજબ આ રોગ સ્ત્રીઓને વધુ અસર કરી રહ્યો છે, કારણ કે ૨૦૧૦માં ઝામરના દરદીઓમાં ૫૯ ટકા સ્ત્રીઓ હતી.

વધતી વયે થતો આ રોગ અંધાપો લાવી શકે છે એ વાતને ધ્યાનમાં રાખીએ તો આટલી મોટી સંખ્યામાં લોકો પર અંધાપાનો ખતરો તોળાઈ રહ્યો છે, એ પણ મોટી ઉંમરે જ્યારે તેમના માટે બીજાના સર્પોટ વગર જીવવું કપરું બની જાય છે.

ચેતાતંતુઓને નુકસાન થાય

ઝામર એક એવો રોગ છે જે આંખની અંદરના ચેતાતંતુઓને ડેમેજ કરે છે અને દિવસે ને દિવસે વધુ ને વધુ ડેમેજ કરતો જ જાય છે. આમ આ એક પ્રોગ્રેસિવ ડિસીઝ છે. એ વિશે સમજાવતાં નિષ્ણાતો ઓપ્થેલ્મોલોજિસ્ટ કહે છે કે આંખમાં રહેલા ચેતાતંતુઓ આંખ જે જુએ છે એ દૃશ્યને મગજ સુધી લઈ જવાનું કામ કરે છે. ઝામર થાય ત્યારે આ સંદેશો લઈ જનારા ચેતાતંતુઓને નુકસાન થાય છે એ થવાનું કારણ આંખમાં વધી જતું પ્રેશર છે. આપણી આંખ પોતાનું એક પ્રેશર ધરાવે છે. આ પ્રેશર અમુક હદથી વધી જાય તો એ હાનિકારક સાબિત થાય છે. આપણી આંખમાં જે પ્રવાહી પદાર્થ રહેલો હોય છે એ આંખની અંદર ચેનલ્સ દ્વારા સતત પ્રવાહિત રહે છે.

આંખનું પ્રેશર વધી જવાને કારણે કે કોઈ બીજાં કારણોસર આ ચેનલ્સ કે નળીઓ જ્યારે બ્લોક થાય અને એને કારણે આ પ્રવાહી પદાર્થ આંખની આગળની તરફ પ્રવાહિત થતો અટકી જાય ત્યારે ચેતાતંતુઓ ડેમેજ થાય છે, જેને લીધે વ્યક્તિની દૃષ્ટિ પર અસર થાય છે. આ રોગ ઝામર છે.

ડોક્ટર શું ચેક કરશે?

ઝામરનું કોઈ લક્ષણ હોય જ એવું જરૂરી નથી. તમને આ રોગ હોય અને તમને ખબર જ ન પડે એવું પણ બને, કારણ કે કોઈ લક્ષણ દેખાય જ નહીં એટલે કોઈ પણ વ્યક્તિને લાગે કે તેની આંખ નોર્મલ છે. પરંતુ જ્યારે દૃષ્ટિ ધૂંધળી થવા લાગે ત્યારે છેક ખબર પડે કે ઝામર છે અને ત્યાં સુધીમાં મોડું થઈ જાય છે. ૪૦ વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ વર્ષમાં એક વાર આંખ ચેક કરાવવી જોઈએ.

આ ચેક-અપ શેનું હોય છે? સૌપ્રથમ આંખમાં કેટલું પ્રેશર છે એ ચેક કરવામાં આવે છે. આ પ્રેશર એટલે આંખનું પોતાનું પ્રેશર, બ્લડ-પ્રેશર નહીં. આ પ્રેશર જો જરૂર કરતાં વધારે લાગે તો ઝામર હોવાની શક્યતા છે. બીજું એ કે ઘણા કેસમાં પ્રેશર બરાબર હોય છતાં ઝામર હોઈ શકે છે અને આ માટે આંખના ચેતાતંતુઓ ચેક કરવા પડે છે. વ્યક્તિના ચેતાતંતુઓ બરાબર કામ કરે છે કે નહીં એ ચેક કરવાથી ખબર પડે છે કે વ્યક્તિને ઝામર છે કે નહીં. ત્રીજા પ્રકારે જે ટેસ્ટ કરવામાં આવે છે એ છે પેરિફેરલ વિઝન એટલે કે આંખની બન્ને બાજુની કિનારીએથી વ્યક્તિને બરાબર દેખાય છે કે નહીં. ઝામરના નિદાન માટે આ ત્રણેય વસ્તુ ચેક કરવી જરૂરી છે.

ચેક-અપ જરૂરી

ઝામર સતત વધતો જતો રોગ છે. એક વાર કોઈ વ્યક્તિને આ રોગ થયો તો તે ક્યારેય ક્યોર થઈ શકતો નથી એટલે કે ઝામરથી છુટકારો મેળવી શકતો નથી. પરંતુ ઇલાજ દ્વારા એને અટકાવી શકાય છે અથવા તો કહી શકાય કે દૃષ્ટિને થતા નુકસાનને એ રોકી શકે છે. જો ઇલાજ ન થયો તો ચોક્કસપણે અમુક વર્ષોની અંદર તેની દૃષ્ટિ તે ગુમાવી બેસે છે. વળી એનાથી પણ મહત્ત્વની વાત એ છે જ્યારે વ્યક્તિને ખબર પડે કે તેને ઝામર છે અને ત્યાં સુધીમાં જો મોડું થઈ ગયું હોય તથા ઝામરને કારણે જો તેમનું વિઝન થોડું જતું રહ્યું હોય તો એ જતું રહેલું વિઝન પાછું લાવી શકાતું નથી. કોઈ પણ પ્રકારની એવી ટ્રીટમેન્ટ નથી જે આંખને થયેલા આ ડેમેજને રિપેર કરી શકે. આથી જ એ ખૂબ જ જરૂરી છે કે ઝામર વિશે પહેલેથી જ ખબર પડે. જો નિદાન કરવામાં મોડું થઈ જાય તો એ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી જ ૪૦ વર્ષ પછી દરેક વ્યક્તિએ આંખના નિષ્ણાત ડોક્ટર પાસે એક વાર ચેક-અપ કરાવવું ખૂબ જ જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter