ચીકુ એક એવું ફળ છે, જે લગભગ આખું વર્ષ બજારમાં જોવા મળે છે. તેની અંદર રહેલો મીઠો અને દાણાદાર ગર તેને અન્ય ફળોથી અલગ પાડે છે. ભારતની વાત કરીએ તો, ગુજરાતમાં ચીકુનું ઉત્પાદન મોટા પાયે થાય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌનું પ્રિય ફળ એવા ચીકુમાં કુદરતી શર્કરા ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે. આ ઉપરાંત તેમાં વિટામિન-એ, વિટામિન-સી, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી મિનરલ્સ રહેલા છે. તેમાં રહેલા ફાઈબર પાચનતંત્ર માટે અત્યંત ફાયદાકારક છે. જેમ કે,
• ઇન્સ્ટન્ટ એનર્જીઃ જો તમે થાક અનુભવતા હો તો એક ચીકુ ખાવાથી શરીરમાં તરત જ સ્ફૂર્તિ આવે છે. રમતવીરો અને સગર્ભા સ્ત્રીઓ માટે આ ફળ ઊર્જાનો ઉત્તમ સ્રોત છે.
• પાચનમાં સુધારો: ચીકુમાં ડાયેટરી ફાઇબર હોવાથી તે કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તે આંતરડાંની કાર્યક્ષમતા વધારે છે અને પાચનતંત્રને સાફ રાખે છે.
• ત્વચા અને વાળ માટે: વિટામિન-ઇ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે ચીકુ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે અને વધતી ઉંમરની અસરોને રોકવામાં મદદ કરે છે. તે વાળને પણ મજબૂતી આપે છે.
• હાડકાંની મજબૂતી: ચીકુમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાથી તે હાડકાંને મજબૂત બનાવે છે. વધતી ઉંમરે થતા સાંધાના દુખાવામાં ચીકુનું સેવન ગુણકારી છે.
• માનસિક શાંતિ: ચીકુમાં શામક ગુણો પણ જોવા મળે છે, જે મગજને શાંત કરવામાં અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
વળી, ચીકુનો ઉપયોગ માત્ર ફળ તરીકે જ નહીં, પણ વિવિધ વાનગીઓમાં પણ થાય છે. ચીકુનો મિલ્ક શેક સૌથી વધુ લોકપ્રિય છે. આ ઉપરાંત તેની બરફી, હલવો, આઈસક્રીમ અને સ્મૂધી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ચીકુ અત્યંત ફાયદાકારક છે તેમાં બેમત નથી, પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું જોઈએ. કુદરતે આપણને આપેલું આ ફળ સસ્તું હોવાની સાથે પોષણનું પાવરહાઉસ છે. રોજિંદા આહારમાં ચીકુનો સમાવેશ કરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે અને સ્વાસ્થ્ય જાળવી શકાય છે.


