ચીઝ પણ ખરેખર દુઃસ્વપ્નો લાવી શકે છે
મોટા ભાગના લોકોને રાત્રે ઊંઘમાં સ્વપ્નાં આવે તે સ્વાભાવિક છે. સ્વપ્ન સારાં કે ખરાબ હોઈ શકે છે. વિશ્વભરમાં ઘણા લોકોને સારી નિંદ્રા લેવામાં મુશ્કેલી પડે છે. સંશોધકોના અંદાજ પ્રમાણે, યુનાઇટેડ સ્ટેટ્સમાં 56 ટકા અને પશ્ચિમ યુરોપમાં 31 ટકા લોકોને નિદ્રાની સમસ્યા છે. નિદ્રામાં મુશ્કેલીનું એક કારણ દુઃસ્વપ્ન હોઈ શકે છે. ભૂતકાલીન અભ્યાસો અનુસાર, પુખ્ત વયના લગભગ 85 ટકા લોકોને વર્ષમાં ઓછામાં ઓછું એક દુઃસ્વપ્ન આવે છે અને 5 ટકા લોકોને વારંવાર દુઃસ્વપ્નનો અનુભવ થાય છે. દુઃસ્વપ્નના ઘણા સંભવિત કારણો છે, જેમ કે પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD), તણાવ અને ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, કેટલીક દવાઓ, ગેરકાયદે ડ્રગ્સ અને આલ્કોહોલનો ઉપયોગ અને સૂતા પહેલાં લેવાયેલાં ખોરાકથી પણ આનું જોખમ વધી શકે છે.‘ ફ્રન્ટિયર્સ ઇન સાયકોલોજી’ જર્નલમાં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર ખાસ કરીને લેક્ટોઝ, ગ્લુટેન, ખોરાકની એલર્જી અથવા અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે ચીઝ સહિતના વધુ પડતા ડેરી ઉત્પાદનો ઉપયોગ દુઃસ્વપ્ન અને નિદ્રાની સમસ્યાનું કારણ બની શકે છે. દુઃ સ્વપ્નો ન આવે તે માટે સમયસર એટલે કે સૂવાના 2થી 3 કલાક પહેલા રાત્રિભોજન કરી લેવું, સૂતા પહેલા, તીખાં-મસાલેદાર ખોરાક, આલ્કોહોલ, ખાંડ કે કૃત્રિમ ગળપણ ધરાવતા પીણાં અને કેફીનનો ઉપયોગ ટાળવો, પીઝા, બર્ગર, ફ્રાઈઝ જેવા ફાસ્ટ ફૂડ, ફ્રાઈડ ચીકન જેવાં ભારે અને ચરબીથી ભરપૂર ખોરાક ન લેવા, જો સૂતા પહેલા નાસ્તો જરૂરી લાગે તો સૂકોમેવો, સુપાચ્ય ફળો અને શાકભાજી લેવાનું રાખવું જોઈએ.
•••
ડાયેટ સોડા છોડી પાણી પીવાનું રાખો
બધા જ જાણે છે કે ડાયેટ સોડા પીવું તે આરોગ્યપ્રદ પસંદગી નથી અને તે બાબતે ભારે ચર્ચા ચાલે છે. ભૂતકાલીન સંશોધનો અનુસાર ડાયેટ સોડા પીવાને ટાઈપ 2 ડાયાબિટીસ સહિત આરોગ્યને નુકસાનકારી જોખમો સાથે સાંકળવામાં આવ્યું છે. ડાયેટ સોડા વાસ્તવમાં તો ઉત્પાદન પ્રક્રિયા તેમજ એડિટીવ્ઝ, એસ્પાર્ટેમ અને સુક્રાલોઝ જેવાં કૃત્રિમ ગળપણ, હાઈ કેલરી પ્રમાણ સહિત તત્વોનાં કારણોસર અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જ છે. સંશોધનો જણાવે છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ શારીરિક વૃદ્ધત્વને ઝડપી બનાવવા સાથે મૃત્યુદરમાં 10 ટકાનો વધારો કરે છે.
અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશન (ADA)ના 85મા સાયન્ટિફિક સેશન્સમાં રજૂ કરાયેલા નવા અભ્યાસ અનુસાર ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓ ડાયેટ સોડાના બદલે નિયમિત પાણી પીવાનું પસંદ કરતી હતી તેમને વજનમાં ઘટાડો અને ડાયાબિટીસ રેમીશન (ઘટાડો) હાંસલ કરવાની શક્યતા વધુ હતી. સંશોધકોએ અભ્યાસ માટે ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતા ધરાવતી 81 પુખ્ત સ્ત્રીઓની ભરતી કરી હતી, જેઓ સામાન્ય આહારના ભાગરૂપે ડાયેટ સોડાનો વપરાશ કરતી હતી. 18 મહિનાના અભ્યાસમાં નિયમિત ડાયેટ સોડા પીનારા સ્ત્રીજૂથમાં 45 ટકા સ્ત્રીને ડાયાબિટીસ રેમીશનની સરખામણીએ નિયમિત પાણી પીનારી 90 ટકા સ્ત્રીઓમાં વજનમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ડાયાબિટીસ રેમીશન જોવાં મળવ્યું હતું. આ ઉપરાંત, BMI, ફાસ્ટિંગ ગ્લુકોઝ, ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ટ્રાઈગ્લિસરાઈડ્સ, ઈન્સ્યુલિનનું પ્રમાણ અને ભોજન પછીના ગ્લુકોઝ સ્તર સહિતના હેલ્થ માર્કર્સમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અનુસાર ઓછામાં ઓછાં 20 ટકા અમેરિકનો નિયમિતપણે ડાયેટ સોડા પીએ છે. યુરોપિયન યુનિયનમાં 2016માં 23 ટકા લોકો ડાયેટ સોડા જેવાં બીવરેજીસનું નિયમિત સેવન કરતા હતા જેનું પ્રમાણ 2021માં વધીને 30 ટકા થયું હતું.
•••