વોશિંગ્ટનઃ શું તમે પણ ચ્યૂઇંગમ ચાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે જ છે. વૈજ્ઞાનિકોએ એક અભ્યાસના આધારે ચોંકાવનારું તારણ આપ્યું છે કે ચ્યૂઈંગમ ચાવવાથી આપણા મોંઢામાં ખુબ જ નાના પ્લાસ્ટિકના કણ અથવા માઈક્રોપ્લાસ્ટિક જાય છે. તે ચ્યૂઇંગમના ગમમાંથી નીકળીને લાળની સાથે ભળીને સીધી પેટમાં પહોંચે છે. અમેરિકાના સાન ડિએગોમાં તાજેતરમાં યોજાયેલી અમેરિકન કેમિકલ સોસાયટીની બેઠકમાં એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં કહેવાયું હતું કે ચ્યૂઇંગમના ગમ મારફત લોકો કઈ રીતે માઈક્રોપ્લાસ્ટિકને પેટમાં નાંખી રહ્યા છે. લોસ એન્જલિસની કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ આ રિસર્ચ કર્યું છે. તેમણે અલગ - અલગ બ્રાન્ડની ચ્યુઇંગમ ચાવ્યા બાદ લાળના સેમ્પલ લીધા હતા. એક વિદ્યાર્થિનીને દસ અલગ-અલગ બ્રાન્ડની સાત ચ્યૂઇંગમ ચાવવા અપાઈ હતી, પછી વૈજ્ઞાનિકોએ તેની લાળનું એનાલિસિસ કર્યુ હતું. તપાસમાં જણાયું હતું કે એક ગ્રામ ગમમાંથી સરેરાશ 100 માઈક્રોપ્લાસ્ટિક કણ નીકળે છે.
કેટલાક ગમમાંથી તો 600 કરતાં પણ વધારે કણ છોડતા હતા. એક સામાન્ય ચ્યુઇંગમનું વજન લગભગ 1.5 ગ્રામ હોય છે. અને તે હિસાબે જે લોકો રોજ ચ્યુઇંગમ ચાવે છે, તેઓ દર વર્ષે 30,000 જેટલા માઈક્રોપ્લાસ્ટિક કણો ગળી શકે છે.
રિસર્ચ દરમિયાન શરીરના અનેક ભાગોમાં માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યુ હતું. જેમાં ફેફ્સાં, રક્ત શિરાઓ અને મગજનો પણ સમાવેશ થાય છે. જોકે, આ રિસર્ચના મુખ્ય વૈજ્ઞાનિક સંજય મોહંતીએ કહ્યું હતું કે હું લોકોને ડરાવવા નથી માગતો. હજુ સુધી આ સાબિત નથી થયું કે માઈક્રોપ્લાસ્ટિકથી માનવીઓને નુકસાન થાય છે કે કેમ? પરંતુ આટલા મોટા પ્રમાણમાં માઈક્રોપ્લાસ્ટિક મળવું ચિંતાજનક તો છે જ.
ચ્યૂઇંગમ સિન્થેટિક હોય છે?
માર્કેટમાં મળનાર મોટાભાગની ચ્યૂઇંગમ સિન્થેટિક હોય છે. સિન્થેટિક એટલે કે કૃત્રિમ. તેમાં પેટ્રોલિયમથી નિર્મિત પોલીમર હોય છે. પોલિમર એક પ્રકારનું રસાયણ છે જેનાથી ગમને ચાવવાથી સારું લાગતું હોય છે, પરંતુ પેકેટ પર પ્લાસ્ટિકનું નામ નથી લખાયેલું રહેતું. ત્યાં માત્ર ‘ગમ બેઝ’ જ લખાયેલું હોય છે.