છ વર્ષની વયે બાળકનું ડેન્ટલ ચેક-અપ ખૂબ જરૂરી

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 26th May 2018 08:14 EDT
 
 

વીતેલા સપ્તાહે આપણે એકથી ત્રણ વર્ષનાં બાળકોના દાંતની સારસંભાળ કઇ રીતે લઇ શકાય તે વિશે જાણ્યું હતું. આ ઉંમરમાં દાંતના કયા પ્રોબ્લેમ શરૂ થઈ શકે છે અને એની સંભાળ શા માટે જરૂરી છે એ વિશે પણ વિગતવાર માહિતી મેળવી હતી. છ માસની વયથી પાંચ વર્ષ સુધી બાળકને દાંત આવવાની પ્રોસેસ સતત ચાલ્યા કરે છે, જેને આપણે દૂધિયા દાંત તરીકે ઓળખીએ છીએ.

લગભગ છ વર્ષની ઉંમરથી આ દૂધિયા દાંત પડવાની શરૂઆત થઈ જાય છે અને એની જગ્યાએ પાકા દાંત આવવાનું શરૂ પણ થઈ જાય છે. આ દૂધિયા દાંત પડવાની અને પાકા દાંત આવવાની જે ઉંમર છે એ ૬ વર્ષથી લઈને લગભગ ૧૨ વર્ષ સુધીની હોય છે. આ છ વર્ષનો સમય સૌથી મહત્વનો સમય છે, કારણ કે આ સમય દરમિયાન જ બાળકના એ દાંત આવે છે જે તેની સાથે જીવનભર રહેવાના છે. આ દરમિયાન ઘણી બધી બાબતોની કાળજી લેવી અત્યંત જરૂરી હોય છે, અને જો આ અંગે માતા-પિતા ગફલતમાં રહી જાય તો બાળકે આખી જિંદગી સહન કરવું પડે છે.

દાંતના ઇલાજથી બચવા માટે દાંતની સંભાળ અત્યંત જરૂરી છે એ અભિગમ આપણે અપનાવીશું તો બાળકોને જીવનભરની શાંતિ થઈ જશે અને તેમની બત્રીસી સદા હસતી રહેશે. આજે આપણે એ કાળજી શું હોઈ શકે અને આપણે કેવી ભૂલો કરીએ છીએ એ વિશે જાણીશું.

દાંતમાં સડો

ઘણાં માતા-પિતા એવું સમજે છે કે દૂધિયા દાંત પડી જ જવાના છે અને એની જગ્યાએ નવા દાંત આવવાના જ છે તો પછી દાંતની કાળજી શું લેવાની? આમ એ લોકો દાંતની કાળજી પ્રત્યે બેદરકાર બની જાય છે, પરંતુ લાંબા ગાળે આ બેદરકારી ખૂબ મોંઘી પડે છે અને બાળકો ખૂબ હેરાન થાય છે. દૂધિયા દાંતની કાળજી શા માટે લેવી જરૂરી છે એ સમજાવતાં નિષ્ણાત ઓર્થોડોન્ટિસ્ટ કહે છે કે બાળકનો છ વર્ષથી લઈને ૧૨ વર્ષ સુધીનો સમય ખૂબ જ નાજુક ગણાય છે, જ્યારે તેના દૂધિયા દાંત પડે છે અને પાકા દાંત આવે છે. ઘણી વાર માતા-પિતા બ્રશિંગ પર ધ્યાન નથી આપતાં, દાંતમાં સડા જેવું લાગે તો પણ ડોક્ટર પાસે ચેક-અપ કરાવતાં નથી. તેઓ એવું માની લેતા હોય છે કે દૂધિયો દાંત છે, પડવાનો જ છે; પરંતુ એવું નથી હોતું. દાંતમાં જરાપણ સડા જેવું દેખાય તો તરત જ ડેન્ટિસ્ટ પાસે જવું જરૂરી છે, કારણ કે એક સડેલો દાંત પાસેના દાંતને કે પેઢાને અસર કરે છે. એવું પણ બને કે એ સડેલો દાંત દૂધિયો હોય, પરંતુ બાજુનો દાંત પાકો હોય અથવા તો જેને તમે દૂધિયો માનતા હોય એ જ પાકો દાંત હોય. આમ ગફલતમાં રહેવું નહીં અને ડોક્ટરને બતાવવું જરૂરી છે.

સમય પહેલાં પડી જાય

આપણા દાંતની રચના એવી છે કે જ્યારે પાકો દાંત આવવાની શરૂઆત થાય છે ત્યારે દૂધિયા દાંતનાં મૂળિયાં હલી જાય છે અને દૂધિયો દાંત એની મેળે પડી જાય છે અને પાકો દાંત એની જગ્યાએ થોડા જ સમયમાં ઊગવા લાગે છે, પરંતુ એમાં પણ જુદી પરિસ્થિતિ સર્જા‍ઈ શકે છે. આ વાત સમજાવતાં નિષ્ણાતો કહે છે કે આમાં ક્યારેક એવું થાય છે કે બાળકનો દૂધિયો દાંત સડી જવાના કારણે કાઢવો ખૂબ જ જરૂરી બની જાય છે અથવા બાળક પડી ગયું અને દાંત તૂટી ગયો અથવા તો અડધો તૂટ્યો હોય તો એ આખો કાઢવો પડે છે. પરિણામે એ જગ્યાએ હજી પાકો દાંત આવવાને વાર હોય અને એ જગ્યા ખાલી પડી રહેવાની હોય તો ક્યારેક એવું બને છે કે પાકો દાંત બરાબર ન આવે. પાકા દાંતને ઊગવા માટે એ જગ્યા બરાબર રહે એ માટે ઘણી વાર એ જગ્યાને મેઇન્ટેન કરવા માટે એક વાયરનું સ્ટ્રક્ચર બેસાડવું જરૂરી બને છે. આ સ્ટ્રક્ચર પાકા દાંતને વ્યવસ્થિત ઊગવા માટે જરૂરી બને છે.

આદતો અને ઇલાજ

જો બાળક નાનું હોય તો તેને અંગૂઠો ચૂસવાની આદત હોય છે, પરંતુ છ વર્ષના બાળકને જો આવી આદત હોય તો આ આદત તેના દાંત માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ આદતને કારણે તેના દાંત વાંકાચૂકા આવે છે, અને તેનાથી બરાબર ચવાતું નથી. આ ઉપરાંત ખોરાક દાંતમાં ભરાય છે અને સડો ઉત્પન્ન થાય છે. આમ આ આદત છોડાવવી જરૂરી છે. આ સિવાય સડા માટે શું કરી શકાય એ વિશે જાણકારી આપતા નિષ્ણાતો કહે છે કે જે બાળક ખૂબ ગળ્યું ખાતું હોય, જન્ક ફૂડ ખાતું હોય કે કોલ્ડ ડ્રિન્કસ પીતું હોય અને બરાબર બ્રશ પણ ન કરતું હોય તો એ બાળકના દાંત સડવાની શક્યતા ખૂબ વધારે હોય. આ આદતો એવી છે જે જલદીથી બદલી શકાતી નથી. આ માટે એક ફ્લોરાઇડ ટ્રીટમેન્ટ આવે છે જેનાથી બાળકના દાંતમાં સડો થવાના રિસ્કને ઘટાડી શકાય છે. દાંતના સડાને અટકાવવા માટે એક રસી પણ આવે છે, પરંતુ તેની જરૂર બાળકને છે કે નહીં એ પણ ડેન્ટલ ચેક-અપ બાદ ડેન્ટિસ્ટ જ જણાવી શકે છે.

કાળજી કઇ રીતે રાખી શકાય?

દરેક બાળકને તેના દૂધિયા દાંત આવવાની કે પડવાની શરૂઆત થાય ત્યારે ડેન્ટલ ચેક-અપ માટે લઈ જવું અત્યંત જરૂરી છે. એવી કઈ-કઈ પરિસ્થિતિ છે જેમાં ડેન્ટિસ્ટની સહાય જરૂરી જ બને છે એ જાણીએ નિષ્ણાત પાસેથી...

• જો બાળકનો દૂધિયો દાંત પડે નહીં અને નવો પાકો દાંત આવવા લાગે.

• જો પાકો દાંત આવતો-આવતો અડધો જ બહાર આવે અને પછી ઊગે જ નહીં.

• જો બાળક ચાવે ત્યારે તેનું જડબું બરાબર ન લાગે. વ્યક્તિનું નીચેનું જડબું અંદર અને ઉપરનું બહાર હોય તો જ વ્યવસ્થિત ચાવી શકાય, પરંતુ ઘણાં બાળકોમાં જડબાંના સ્ટ્રક્ચરમાં જ ગરબડ હોય છે.

• જો આગળના દાંત જે નવા આવતા હોય એ એકદમ બહાર પડતા આવે.

• જો બાળક મોઢા દ્વારા વધુ શ્વાસ લેતું હોય તો બની શકે કે તેના દાંતમાં કોઈ પ્રોબ્લેમ હોય.

• જો કોઈ પણ દાંતમાં સડો જણાય.

• જો બાળકને અંગૂઠો ચૂસવાની આદત હોય.

આ કે આના જેવી કોઇ પણ તકલીફને કારણે બાળકના પાકા દાંત બરાબર ન આવે, વાંકાચૂકા આવે, જડબું બરાબર ન હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે અને તે જીવનભરની તકલીફ બની જાય છે. આ બધી સમસ્યાને શરૂઆતમાં જ ટ્રીટમેન્ટ દ્વારા અટકાવી શકાય છે અને આવા સમયે પણ ડેન્ટિસ્ટને મળવું જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter