જગલિંગઃ તન-મન માટે અગત્યની એક્સરસાઇઝ

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 20th May 2015 06:23 EDT
 
 

આપણે શરીર માટે તો ઘણી કસરતોની વાતો સાંભળી છે, અને જરૂરત અનુસાર તેનો અમલ કરીને ચુસ્ત-દુરસ્ત સ્વાસ્થય જાળવવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ મગજને જોઈએ એટલી કસરત મળતી નથી. જેમ શરીરને ફ્લેક્સિબલ રાખવા માટે સ્ટ્રેચિંગ, સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ અને શ્વાસોચ્છ્વાસ ઝડપી બને એવી કસરતો ખૂબ જ જરૂરી છે એમ મગજની ક્ષમતાઓ વિકસે અને આ વિકસેલી ક્ષમતાઓ જળવાઈ રહે એ માટે કેટલીક કસરત જરૂરી છે.

બ્રેઇન-એક્સરસાઇઝ માટે ચેસ જેવી મગજ વાપરવું પડે એવી ગેમ્સ અથવા તો વીડિયોગેમ્સનો ઉપયોગ થાય છે. પ્રૌઢ વયના લોકોને વીડિયોગેમ્સ રમવા માટે જે એકાગ્રતા તેમ જ હાથ-પગ અને મગજના સંયોજનની જરૂર પડે છે એનાથી ઘણો જ ફાયદો થયાનું રિસર્ચરો કહે છે. જોકે એનાથી બેઠાડું જીવન થઈ જાય છે અને શરીરને કોઈ મૂવમેન્ટ નથી મળતી એ ગેરફાયદો છે. બ્રેઇન અને બોડી બન્નેને અદ્ભુત ફાયદો મળે એવી કોઈ ગેમ-એક્સરસાઇઝ હોય તો એ છે જગલિંગ.

જગલિંગની સાદી સમજણ છે કે બે કરતાં વધુ દડા એક જ રિધમમાં હવામાં ઉછાળવા ને પાછા હાથમાં પકડીને સતત ફેરવતા રહેવા. તમે પહેલી વાર પ્રયત્ન કરતા હશો તો બે બોલનું જગલિંગ કરવામાં પણ મુશ્કેલી પડે છે. એકસાથે મગજ અને શરીર બન્નેને રિધમમાં ચલાવવાં પડે છે એ જ એની ખાસિયત છે ને એટલે જ એ બેસ્ટ એક્સરસાઇઝ ગણાય છે. એક તરફથી દડો હવામાં ઉછાળ્યો હોય એને બીજા હાથમાં પકડવા માટે ઉછાળતી વખતના ફોર્સ પર પણ કન્ટ્રોલ રાખવો પડે છે.

ઇન્ટેલિજન્સ વધે

જર્મની અને સ્પેનના રિસર્ચરોએ આ જગલિંગ ગેમ પર ઘણું ઊંડું રિસર્ચ કર્યું છે. તેમનું કહેવું છે કે પ્રેક્ટિસ કરીને વધુ ને વધુ ઓબ્જેક્ટ્સ લઈને જગલિંગ કરવામાં આવે તો એનાથી બ્રેઇનની ગ્રે મેટર વધે છે. આધુનિક વિજ્ઞાનના તારણ અનુસાર, આ ગ્રે મેટર એટલે મગજનો એવો ભાગ જેમાં વૈચારિક, વિશ્લેષણ, સ્મૃતિ જેવી બૌદ્ધિક ક્ષમતાઓ સંઘરાય છે. ગ્રે મેટર જેટલી વધુ એટલી તે વ્યક્તિની ઇન્ટેલિજન્સ વધુ એવો સીધો રેશિયો મંડાય છે.

રિસર્ચરોએ આ બાબત વોલન્ટિયર્સ પર જાત-જાતના પ્રયોગો કરીને પુરવાર કરેલી છે. સ્વયંસેવકોનાં બે જૂથ પાડીને એક ગ્રૂપને જગલિંગની ટ્રેઇનિંગ આપવી શરૂ કરી. આ ટ્રેઇનિંગ પહેલાં તમામના બ્રેઇનનો ઝીણવટભર્યો એમઆરઆઇ (મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ટેસ્ટ કર્યો. એક ગ્રૂપને બે મહિના સુધી જગલિંગ-પ્રેક્ટિસ કરાવી અને બીજા ગ્રૂપને જનરલ એક્સરસાઇઝ. બે મહિના પછી ફરીથી બધાનો એમઆરઆઇ કરાવ્યો. એમાં જે જોવા મળ્યું એ આશ્ચર્યજનક હતું. સાદી એક્સરસાઇઝ કરનારાઓ કરતાં જગલિંગ કરનારાઓનાં બ્રેઇનમાં ગ્રે મેટરનો ભાગ નોંધી શકાય એટલો વધુ જોવો મળ્યો. આ પ્રયોગ પછી બન્ને ગ્રૂપને એકસરખી બુદ્ધિક્ષમતાની ચકાસણી કરે એવી ગાણિતિક ક્વિઝ ભરવા આપી, એમાં પણ જગલિંગ કરનારાઓ આગળ નીકળી ગયા હતા.

ગ્રે મેટર વધવાને કારણે વ્યક્તિની શીખવાની, ગ્રહણ કરવાની, સમજવાની ક્ષમતા વધે છે ને એટલે વ્યક્તિ વધુ સ્માર્ટ થાય છે.

ફોકસ અને કોન્સન્ટ્રેશન

વધુ ને વધુ બોલ્સ લઈને જગલિંગને કોમ્પ્લેક્સ બનાવતા જવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે. બીજું, સતત લાંબા સમય સુધી બોલ્સને હવામાં ઉછાળતા રાખવા હોય તો સંકુલ વિચાર કરવો પડે છે. એકસાથે એકસરખા ફોર્સથી બોલ ઉછાળવાથી બધા તમારા હાથમાં કેચ થઈ જ જાય એવું નથી હોતું. કેટલાક બોલ્સને ઓછા ફોર્સથી તો કેટલાકને વધુ ઊંચા ઉછાળવા વધુ ફોર્સ આપવો પડે છે. આ બધી ટેક્નિક કોઈ પણ ટ્રેઇનર તમને સમજાવી શકતો નથી. વ્યક્તિએ ખુદ એક્સપરિમેન્ટ કરીને આ રિધમ કેળવવી પડે છે ને એટલે પ્રોબ્લેમ-સોલ્વિંગ અભિગમ આપમેળે વિકસે છે.

સ્ટ્રેસ રિલીફ

જગલિંગ એક એવી ક્રિયા છે જે કરતાં-કરતાં તમે બીજી કોઈ બાબતના વિચારો કરી જ ન શકો. વિચારો કે ચિંતા થતી હોય તો જગલિંગ લાંબું ચાલતું જ નથી. જગલિંગ શીખવા આવનારા લોકોને તેઓ જ્યાં સુધી એની પ્રેક્ટિસ કરતા હોય છે ત્યાં સુધી ચિંતાઓ કે અન્ય વિચારો પજવી શકતા જ નથી ને એટલે વ્યક્તિ થોડાક સમય માટે સ્ટ્રેસમુક્ત થાય છે. બીજો મુખ્ય ફાયદો એ છે કે વ્યક્તિને એમાં તેઓ એક્સરસાઇઝ કરી રહ્યા છે એવું ફીલ નથી થતું. વ્યક્તિને એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવે છે, પણ જગલિંગનો કંટાળો નથી આવતો.

બોડી-માઇન્ડ કો-ઓર્ડિનેશન

મગજ વિચારોમાં ક્યાંય વિહરતું હોય ને તમે ટ્રેડમિલ પર કે પછી બગીચાના જોગિંગ-ટ્રેક પર ચાલ્યા કરતા હો એવું થવું સ્વાભાવિક છે, પરંતુ વિચારવું અને જગલિંગ કરવું એમ બે કામ સાથે શક્ય નથી. એકધ્યાનપણે તમે જે જુઓ છો એ મુજબ શરીરની સૂક્ષ્મ મૂવમેન્ટ સેટ કરવી પડે છે. ઘણા લોકો બોડી-માઇન્ડ કો-ઓર્ડિનેશન ન હોવાને કારણે જગલિંગ સારું કરી શકતા નથી. એવા લોકો ખાસ જગલિંગની પ્રેક્ટિસ કરે તો એનાથી કો-ઓર્ડિનેશન સુધરે છે.

ફિઝિકલ એક્ટિવિટી

ઘણા લોકો માને છે કે દડા ઉછાળવા એ તો એક જ જગ્યાએ ઊભા રહીને કરવાની કસરત છે એટલે એનાથી બ્રેઇનને ફાયદો થઈ શકે, બોડીને નહીં. જર્મની અને સ્પેનના રિસર્ચરો પાસે પણ આ દલીલનો કોઈ સમજાવી શકાય એવો સચોટ જવાબ નથી, પરંતુ તેમનું કહેવું છે કે પાંચથી વધુ દડાનું જગલિંગ કરી શકતો હોય એવો કોઈ માણસ જાડિયો નથી હોતો. તેમણે જગલિંગ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને એવી પણ ચેલેન્જ આપી છે કે નોર્મલી હોવું જોઈએ એના કરતાં દસ કિલોથી વધુ વજન ધરાવનારી વ્યક્તિ જો પાંચ દડાને હવામાં રમાડી શકે તો અમને બતાવો.

ક્રેવિંગ અને સ્મોકિંગ

ભૂખ ન હોવા છતાં સતત કંઈક ખાવાનું મન થતું હોય કે પછી સ્મોકિંગની આદત છોડવી હોય તો જગલિંગ બેસ્ટ છે. સ્મોકિંગ છોડનારા લોકોને અમુક સમયાંતરે ખૂબ જ વધારે નિકોટિનનું ક્રેવિંગ થાય છે. એવા સમયે ૧૫થી ૨૦ મિનિટ માટે જગલિંગ કરવામાં આવે તો ક્રેવિંગ ટળી જાય છે. એવું જ ખોટી ભૂખનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter