જરા કહો તો બ્લડ ગ્રૂપના પ્રકાર કેટલા?

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 10th June 2015 07:20 EDT
 
 

જો તમે હેડલાઇનમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં કહેશો કે ચાર પ્રકાર - A, B, AB અને O તો તમારો જવાબ ખોટો છે. તમે ચારેય બ્લડ ગ્રૂપના પોઝિટિવ અને નેગેટિવ ફેક્ટરને ધ્યાનમાં રાખીને કહેશો કે આઠ પ્રકાર તો તે જવાબ પણ ખોટો ગણાશે. સાચો જવાબ છેઃ પાંચ! હા, તમને નવાઇ લાગશે, પણ બ્લડ ગ્રૂપના કુલ પાંચ પ્રકાર છે. A, B, AB અને O (ચારેય ગ્રૂપમાં પોઝિટિવ અને નેગેટિવ) ઉપરાંત એક જવલ્લે જ જોવા મળતો પ્રકાર છે - બોમ્બે બ્લડ ગ્રૂપ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૪ જૂને વિશ્વભરમાં વર્લ્ડ બ્લડ ડોનર ડે મનાવાશે. આ પ્રસંગે બ્લડ ગ્રૂપના બધા પ્રકારો અને કયુ બ્લડ ગ્રૂપ કોને આપી શકાય એની કોમ્પિટિબિલિટી વિશે સમજીએ.

વિશ્વમાં જેટલા લોકો કોઈ ગંભીર કે આકસ્મિક રોગોથી મરે છે એટલા જ લોકો એક્સિડન્ટ કે કુદરતી હોનારતોનો ભોગ બનીને જીવ ગુમાવે છે. આવી હોનારત દરમિયાન અનેક લોકો વધુપડતું લોહી વહી જવાને કારણે અને તત્કાળ યોગ્ય મેચિંગ ગ્રૂપ ધરાવતું લોહી ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ડિલિવરી અને હૃદય-કિડની કે અન્ય મહત્ત્વની સર્જરી દરમિયાન પણ દર્દીને લોહી ચડાવવાની જરૂર ઊભી થાય છે.

માનવશરીરમાં લોહી એક એવી ચીજ છે જે સતત નવું-નવું બન્યા કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના અંદાજ મુજબ ધરતી પરના ૨૫ ટકા લોકોને જીવનના કોઈકને કોઈક તબક્કે લોહી ચડાવવાની જરૂર પડે છે. એકલા ભારતમાં જ દર વર્ષે ચાર કરોડ યુનિટ બ્લડ-ટ્રાન્સફ્યુઝનની જરૂરિયાત હોય છે, જ્યારે ડોનેશન મળે છે માત્ર ૪૦ લાખ યુનિટ જેટલું જ.

વ્યક્તિ સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવા જાય કે બ્લડની તાકીદની જરૂર ઊભી થાય ત્યારે હોસ્પિટલે પહોંચે કે ડોક્ટરનો સૌથી પહેલો સવાલ હોય છેઃ તમારું બ્લડ ગ્રૂપ કયું છે? તમે કહો કે મારું તો AB પોઝિટિવ છે. તો આ AB પોઝિટિવ શું છે? વાંચો આગળ...

લોહીના પ્રકાર કઈ રીતે નક્કી થાય?

બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે અને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ એન્ટિજન A અને Bની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે.

આ એન્ટિજન અને એન્ટિબોડીઝ શું છે એ સમજીએ. એન્ટિબોડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. એન્ટિજન એટલે શરીરમાં આવાં એન્ટિબોડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી એન્ટિજન અને એન્ટિબોડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રૂપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.

ABO સિસ્ટમ પ્રમાણે બ્લડ ગ્રૂપ

A: જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A એન્ટિજન આવેલા હોય અને B પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ-ગ્રૂપ A છે એમ કહેવાય.

B: જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર B એન્ટિજન આવેલા હોય અને B પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ B છે એમ કહેવાય.

AB: જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અને B બન્ને એન્ટિજન આવેલા હોય અને બન્ને પ્રકારના એન્ટિબૉડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ AB છે એમ કહેવાય.

O: જે વ્યક્તિના લોહીમાં રક્તકણોની સપાટી પર A અથવા B કોઈ પણ પ્રકારના એન્ટિજન આવેલા ન હોય અને બન્ને પ્રકારના એન્ટિબોડીઝ બ્લડ-પ્લાઝમામાં હોય તો એ વ્યક્તિનું બ્લડ ગ્રૂપ O છે એમ કહેવાય.

પોઝિટિવ અને નેગેટિવ

Rh (Rhesus) ફેક્ટર તરીકે ઓળખાતા એન્ટિજન અને એન્ટિબોડીઝની હાજરી કે ગેરહાજરી પરથી આ બે ગ્રૂપ જુદાં પડે છે.

પોઝિટિવ: જે વ્યક્તિમાં ઉપરોક્ત એન્ટિજન ઉપરાંત લાલ રક્તકણોની સપાટી પર Rh એન્ટિજન પણ હાજર હોય એ બ્લડ Rh પોઝિટિવ ગણાય છે.

નેગેટિવ: જે વ્યક્તિમાં લાલ રક્તકણોની સપાટી પર Rh એન્ટિજન હાજર ન હોય એને Rh નેગેટિવ બ્લડ કહેવાય છે. આ બ્લડના પ્લાઝમામાં Rh એન્ટિબોડીઝ નેચરલી નથી હોતા, પરંતુ જો આ બ્લડની સાથે Rh પોઝિટિવ બ્લડ ભેળવવામાં આવે તો એ Rh એન્ટિબોડીઝ પેદા કરી શકે છે.

બ્લડ મેચિંગ કઈ રીતે થાય?

• A ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ A ગ્રૂપ તેમ જ AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રૂપનું બ્લડ આપી શકાય.

• B ગ્રૂપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રૂપનું બ્લડ આપી શકાય.

• AB ગ્રૂપ ધરાવનારી વ્યક્તિનું લોહી AB ગ્રૂપ ધરાવતી વ્યક્તિને આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રૂપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રૂપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ ગ્રૂપ કહેવાય છે.

• O ગ્રૂપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ ગ્રૂપ સાથે મેચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રૂપ જ મેચ થાય છે. આ ગ્રૂપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રૂપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રૂપ કહેવાય છે.

બોમ્બે બ્લડ-ગ્રૂપ

કેટલાક લોકોનું બ્લડ-ગ્રૂપ ચકાસો તો એ O પોઝિટિવ કે O નેગેટિવ બતાવે છે, પણ એ ખરેખર આ બેમાંથી કોઈ ગ્રૂપનું નથી હોતું. આ પ્રકારનું લોહી ૧૯૫૨માં મુંબઈમાં પહેલી વાર જોવા મળ્યું હતું એટલે એ ગ્રૂપનું નામ બોમ્બે બ્લડ ગ્રૂપ પાડવામાં આવ્યું છે. આ સૌથી રેર ગણાતું બ્લડ ગ્રૂપ છે. ભારતમાં દર દસ લાખ લોકોએ એક વ્યક્તિ બોમ્બે બ્લડ-ગ્રૂપ ધરાવે છે ને ઈસ્ટ એશિયાના અમુક દેશોમાં દર દસ લાખે ચાર વ્યક્તિ આ બ્લડ-ગ્રૂપ ધરાવે છે. આ બ્લડ-ગ્રૂપ ધરાવનારા લોકો નોર્મલ સ્વાસ્થ્ય ધરાવતા હોય છે, પરંતુ તેમને એક્સિડન્ટ, ડિલિવરી કે મેજર સર્જરી દરમિયાન લોહી ચડાવવાની જરૂર ઊભી થાય તો કટોકટી પેદા થઈ શકે છે, કેમ કે તેમને માત્ર અને માત્ર બોમ્બે બ્લડ-ગ્રૂપ ધરાવનારાઓનું જ લોહી ચડી શકે છે.

૧૪ જૂને વર્લ્ડ બ્લડ ડોનર ડે કેમ?

ઓસ્ટ્રેલિયન મૂળ ધરાવતા અમેરિકાના બાયોલોજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લેન્ડસ્ટેઇનરે ૧૯૦૧ની સાલમાં શોધ્યું હતું કે દરેક વ્યક્તિનું લોહી એકસરખું નથી હોતું, પરંતુ એના વિવિધ પ્રકાર હોય છે. હાલમાં જે પદ્ધતિ બહુપ્રચલિત છે એવી A, B, AB, અને O એમ ચાર પ્રકારનાં પોઝિટિવ અને નેગેટિવ Rh ફેક્ટર ધરાવતું કુલ આઠ પ્રકારનું લોહી હોય છે એવું સાબિત કર્યું. આને ABO સિસ્ટમ કહે છે. આ સિસ્ટમને આધારે મેચિંગ બ્લડ ગ્રૂપ ધરાવનારાઓમાં બ્લડ-ટ્રાન્સફ્યુઝન કરવાથી એમાં ૯૯.૯ ટકા જેટલી સફળતા મળતી હોવાનું નોંધાયું છે.

આ સફળતાને પગલે વધુને વધુ લોકો રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવામાં પોતાનો ફાળો આપે એ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વર્લ્ડ બ્લડ ડોનર ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આ માટે બ્લડ-ગ્રૂપના શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરનો જન્મદિન ૧૪ જૂન પસંદ કર્યો. રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળે એ માટે ૧૯૯૫ની સાલથી દર વર્ષે ૧૪ જૂને આ દિવસ સેલિબ્રેટ થાય છે. આ વર્ષની મુખ્ય થીમ છેઃ થેન્કયુ ફોર સેવિંગ માય લાઇફ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter