જળ પીઓ અને હૃદયને મજબૂત બનાવો

Wednesday 08th September 2021 04:41 EDT
 
 

લંડનઃ એક કહેવત છે ‘જળ એ જ જીવન’ જેને એક અભ્યાસે ચરિતાર્થ કરી છે. સમગ્ર જીવન દરમિયાન પૂરતું પાણી પીવાથી હાર્ટ ફેઈલ્યોર થવાનું જોખમ ઘટાડી શકાય છે તેમ કહેતા સંશોધકોએ લોકોને તેઓ દિવસમાં કેટલું પ્રવાહી પીએ છે તેના પર ધ્યાન રાખવા અને જો તેઓ ગણું ઓછું પ્રવાહી લેતા હોય તો તત્કાળ એક્શન લેવા અનુરોધ કર્યો છે. સંશોધકોની ટીમે મધ્ય વયના ૧૫,૭૯૨ લોકોના લોહીમાં સોડિયમનું પ્રમાણ તપાસવા સાથે તેમના હાઈડ્રેશન સ્ટેટસની નોંધ લીધી હતી. આ પ્રમાણ લોકો કેટલું પાણી પીએ છે તેનું માર્કર છે. આ પછી, આ વ્યક્તિઓને હાર્ટની ચોક્કસ તકલીફ થઈ હતી કે કેમ તે જાણવા ૨૫ વર્ષ સુધી નજર હેઠળ રાખવામાં આવ્યા હતા.

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના ૨૦૨૧ના અધિવેશનમાં રજૂ કરાયેલા અભ્યાસના આલેખક અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ, બેથેસ્ડા, યુએસ સાથે સંકળાયેલી નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઈન્સ્ટિટ્યૂટના ડો. નટાલીઆ ડિમિટ્રિવાએ જણાવ્યું હતું કે,‘અમારો અભ્યાસ સૂચવે છે કે હૃદયની અંદર હાર્ટ ફેઈલ્યોર તરફ દોરી જે ફેરફારો થાય છે તેને સારું હાઈડ્રેશન જાળવી રાખવાથી અટકાવી શકાય છે અથવા ઓછામાં ઓછું ધીમાં પાડી શકાય છે.’

સીરમ સોડિયમ કોન્સન્ટ્રેશનમાં પ્રતિ ૧ મિલિમોલ પર લિટર (mmol/L)નો વધારો ૨૫ વર્ષ પછી લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઈપરટ્રોફી (LVH) તરીકે ઓળખાતી સ્થિતિ વિકસાવવાનું જોખમ ૨૦ ટકા વધવા સાથે સંકળાયેલો છે. આ બાબત હૃદય બેસી જવા (હાર્ટ ફેઈલ્યોર)ની ૧૧ ટકા વધુ શક્યતા સાથે પણ સંકળાયેલી છે.

LVHમાં હૃદયની મુખ્ય પમ્પિંગ ચેમ્બરની દીવાલો મોટી અને જાડી થઈ જાય છે જેના પરિણામે, લોહી ધકેલવાની તેની કાર્યક્ષમતા પર અસર થાય છે. આના લક્ષણોમાં શ્વાસમાં હાંફ ચડવી, નબળાઈ-થાક, હાર્ટના ધબકારા વધવા, ચક્કર અથવા મૂર્છા આવવીનો સમાવેશ થાય છે.

યુકે પબ્લિક હેલ્થ ગાઈડલાઈન્સ કહે છે કે લોકોએ દરરોજ ૬થી ૮ ગ્લાસ જેટલું પ્રવાહી પીવાનું રાખવું જોઈએ. પ્રવાહીમાં પાણી, દૂધ, ચાહ અને કોફી સહિત સુગર-ફી ડ્રિન્ક્સનો સમાવેશ થાય છે. દેશ પ્રમાણે પ્રવાહી પીવાની ભલામણ સ્ત્રીઓ માટે ૧.૬થી ૨.૧ લીટર અને પુરુષો માટે ૨થી ૩ લીટર જેટલી ગણાય છે.

આ અભ્યાસમાં એથેરોસ્ક્લેરોસિસ રિસ્ક ઈન કોમ્યુનિટીઝ (Aric) સ્ટડીમાં ભાગ લેનારા લોકો પર પણ નજર કરી હતી. શરૂઆતના સમયે અભ્યાસ હેઠળના લોકોની વય ૪૪થી ૬૬ વર્ષ વચ્ચેની હતી અને ૭૦થી ૯૦ વર્ષની વય સુધી તેમની પાંચ વિઝિટ કરવામાં આવી હતી. લોકોને પ્રથમ ત્રણ વર્ષમાં બે વિઝિટ દરમિયાન તેમના સરેરાશ સીરમ સોડિયમ કોન્સન્ટ્રેશનના આધારે ચાર ગ્રૂપમાં વહેંચાયા હતા જેમના રીડિંગ્સ ૧૩૫-૧૩૯.૫, ૧૪૦-૧૪૧.૫, ૧૪૨-૧૪૩.૫ અને ૧૪૪-૧૪૬ mmol/L હતાં.

સૌથી ઓછાં સોડિયમ ગ્રૂપમાં ૩ ટકાથી ઓછાં લોકોને ૨૦ વર્ષ પછી LVHની સમસ્યા જોવા મળી હતી જે સૌથી વધુ સોડિયમના ગ્રૂપમાં વધીને ૧૦ ટકા જણાઈ હતી. સૌથી ઓછાં સોડિયમ ગ્રૂપમાં હાર્ટ ફેઈલ્યોરને દર આશરે ૧૪ ટકા હતો જે સૌથી વધુ સોડિયમ ગ્રૂપમાં વધીને આશરે ૨૧ ટકાએ પહોંચ્યો હતો. પ્રૌઢાવસ્થા (મિડ-લાઈફ)માં સીરમ સોડિયમ ૧૪૨ mmol/Lથી વધી ગયું ત્યારે ૭૦થી ૯૦ વર્ષની વયમાં LVH અને હાર્ટ ફેઈલ્યોરનું જોખમ વધી ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter