જાણો માનસિક તણાવ આખરે શું છે?

Wednesday 24th June 2020 06:29 EDT
 
 

વ્યક્તિને જ્યારે કોઈ સ્થિતિ ચિંતાજનક લાગે અને પછી તેનું તન અને મન તે અંગે જે પ્રતિક્રિયા આપે તેના પગલે ઉદ્ભવતી માનસિક સ્થિતિને તણાવ કહી શકાય. આધુનિક જીવનમાં તણાવ અને ચિંતા ખૂબ સામાન્ય થઈ ગયેલી સમસ્યાઓમાંની એક છે. હાલમાં મોટા ભાગના લોકો પોતાના જીવનમાં તણાવ અથવા તેનાં ગંભીર લક્ષણોથી પીડાય છે. આ તણાવ લાંબો સમય ચાલે ત્યારે તે ડિપ્રેશનમાં પરિણમવાનું જોખમ રહેતું હોય છે.

તણાવ કેમ થાય છે?

આપણી માનસિકતાથી વિપરીત ઘટના બને છે ત્યારે તે તણાવ ઊભો કરે છે. આપણને જે ગમતું હોય, જે ઈચ્છતા હોઈએ તેથી તદ્દન વિપરીત પરિસ્થિતિ આપણા જીવનમાં તણાવ ઊભો કરે છે. જ્યારે કોઈ પરિસ્થિતિ અથવા સંજોગોને એક ધમકી તરીકે જોવામાં આવે ત્યારે તે સ્થિતિ સ્ટ્રેસર (તણાવનું કારણ) બની જાય છે અથવા તણાવ પ્રોત્સાહક બની જાય છે.
સાયકો-સોમેટિક ડિસઓર્ડર એટલે માનસિક્તાને કારણે થતું શારીરિક અસંતુલન. અમુક એવા રોગ હોય છે જે શારીરિક કરતાં માનસિક વધારે હોય છે. અમુક એવા દુખાવાઓ જે મનની અશાંતિ, ચિંતા તથા માનસિકતાના કારણે હોય છે. આવા રોગો અથવા પરિસ્થિતિને સાયકો-સોમેટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે. આવા રોગોને નાબૂદ કરવા અથવા તેના પર કાબૂ મેળવવા ઘણા ઉપાય કરવા પડે છે.
એસિડિટી, ગેસ્ટ્રાઈટિસ, હોજરીનું અલ્સર, તે અતિ ચિંતાના કારણે થતી બીમારીઓ છે.એસિડ રિફલ્ક્સ અને હાયટેસ હર્નિયા પણ જીવનશૈલીના રોગોમાં એક છે. ગેસ, કબજિયાત જેવી સમસ્યાઓ પણ બદલાતી જીવનશૈલીના કારણે થાય છે. પેટમાં આંતરડાનો દુખાવો થાય તે (IBS) તરીકે ઓળખાય છે, તે પણ એક સાઈકો-સોમેટિક સમસ્યા છે. મેદસ્વિતા કે સ્થૂળતા પણ મન સાથે સંકળાયેલા રોગ છે.
તણાવ અને સાયકો-સોમેટિક ડિસઓર્ડર ઉપર કાબૂ મેળવવા અને તે રોગોને નાબૂદ કરવા માટે અમુક એવા સચોટ ઉપાય છે જે કરવાથી ઘણો ફાયદો થાય છે. જેમ કે, 

પોતાના માટે સમય ફાળવવો

આધુનિક જીવનશૈલીમાં કામના વધતા જતા પ્રમાણ સાથે પોતાના જીવનનું સંતુલન ખૂબ જ અઘરું થઈ ગયું છે. આવી વ્યસ્ત જીવનશૈલીમાં પોતાની જાત માટે સમય ફાળવવો ખૂબ જ જરૂરી થઈ ગયું છે. સવારે ઊઠવાનો સમય થોડો વહેલો કરી આપણે પોતાની જાતને સમય ફાળવી શકીએ. સવારે પોતાની જાત માટે ફાળવેલો થોડોક સમય પણ આપણને આખો દિવસ સ્ફૂર્તિનો અહેસાસ કરાવશે. સવારે ૪૦ મિનિટ
ચાલવું, ધ્યાન કરવું, હળવી કસરત કરવી ઘણું લાભદાયક થઈ શકે છે.

કામ અને પરિવાર વચ્ચે સંતુલન

દિવસભર કામના બોજા હેઠળ આપણે પરિવારને ભૂલી જતા હોઈએ છીએ. દિવસમાં કામને ફાળવેલો સમય પરિવારને ફાળવેલા સમય કરતાં હંમેશાં વધુ જ રહેશે. બંને વચ્ચેનું સંતુલન રહેવું ખૂબ જ જરૂરી છે. પરિવાર કે મિત્ર સાથે સમય પસાર કરવાથી તમારી ભાવાત્મક લાગણીઓને પોષણ મળે છે અને માનસિક રીતે સંતુલિત થઈ શકાય છે.

સમયાંતરે બ્રેક, વેકેશન લો

રોજબરોજના જીવનમાં સતત કામ કરતા રહેવાથી માનસિક તાણની સ્થિતિ ઉદ્ભવે છે. રોજ સતત કામના બોજા હેઠળ રહેવાથી માનસિક થાક અને ચલિત થઈ જવાય છે. આવા સમય દરમિયાન ટૂંકા વેકેશન કે બ્રેક લેવાથી ફરી તાજગીસભર અને આનંદિત રહેવાય છે. એક સર્વે પ્રમાણે દર ત્રણ મહિને એક અઠવાડિયાનો બ્રેક લેવાથી માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહી શકાય છે. એ સર્વેમાં એમ પણ જાણવા મળ્યું છે કે ટૂંકું વેકેશન લેવાથી વ્યક્તિની કાર્યક્ષમતામાં પણ વધારો જોવા મળે છે. આમ, ટૂંકું વેકેશન કે બ્રેક લેવાથી ઘણા ફાયદા થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter