જાણો સડન કાર્ડિયાક અરેસ્ટના જોખમો

Wednesday 01st July 2020 07:48 EDT
 
 

સડન કાર્ડિયાક અરેસ્ટની સ્થિતી કોઇ પણ વ્યકતિ માટે જીવલેણ સાબિત થઇ શકે છે કારણ કે તેમાં હૃદય અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ ડિસીઝથી થતાં મૃત્યુમાં મોટા ભાગના સડન કાર્ડિયાક અરેસ્ટથી જ થાય છે. યુનિવર્સિટી ઓફ બર્ગનના એક રિપોર્ટ મુજબ ૩૦થી ૪૦ વર્ષના લોકોમાં આ બીમારીનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આમાં પણ મહિલાઓની વાત કરીએ તો ૫૦ ટકા મહિલાઓને સમયસર પૂરતી ટ્રીટમેન્ટ મળતી નથી. આથી જ સહુ કોઇને આ તકલીફ અંગે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.
• શું છે આ બિમારી?ઃ સડન કાર્ડિયાક અરેસ્ટ એ હાર્ટ એટેક નથી હોતો. તેમાં હાર્ટની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં અચાનક ગરબડ થવાથી ધબકારા અનિયમિત - અનિયંત્રિત અને વધુ ઝડપી થઇ જાય છે. આ અવસ્થાને વેન્ટ્રિકુલ ફાઇબ્રિલિશન કહેવામાં આવે છે. આ સમયે વ્યક્તિનું હાર્ટ યોગ્ય રીતે પમ્પિંગ નથી કરી શકતું જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ નથી વહી શક્તો અને વ્યક્તિ બેભાન થઇ જાય છે.
• કેવા લક્ષણ જોવા મળે?ઃ વ્યક્તિને હૃદયના ધબકારા એકદમથી વધી ગયો હોય તેવું મહેસૂસ થાય છે અને ચક્કર આવવા લાગે છે. આ જ લક્ષણ સડન કાર્ડિયાક અરેસ્ટ માટે વ્યક્તિને એલર્ટ થવાનો સંકેત આપે છે. અલબત, દરેક વખતે આ પ્રકારના પ્રારંભિક લક્ષણ દેખાય એ જરૂરી નથી.
• કોને વધુ જોખમ?ઃ સડન કાર્ડિયાક અરેસ્ટની તકલીફ ૭૫ ટકા એવા વ્યકિતઓમાં જોવા મળે છે, જેમને પહેલા હાર્ટ એટેક આવી ચૂક્યો હોય અને હાર્ટની પમ્પિંગ કેપેસિટી ૩૫ ટકા કરતા ઓછી થઇ ચુકી હોય. જન્મજાત હાર્ટની બીમારીઓ સિવાય સ્મોકિંગ ડ્રિંકિંગ, એક્સરસાઇઝ ન કરવી, જંકફૂડનું સેવન પણ તેનું જોખમ વધારે છે. બિનજરૂરી દવાઓના સેવનથી પણ જોખમ વધી જાય છે એટલે એન્ટિબાયોટિક કયારેય ડોક્ટરની સલાહ વિના ન લેવી.
• ઓળખ અને તપાસઃ સડન કાર્ડિયાક અરેસ્ટની શક્યતા કાયમ યુવાવસ્થામાં હોય છે.
ધબકારા અનિયમિત થવા, હૃદયની બીમારીના કારણે પમ્પિંગ કેપેસિટી ઓછી હોવી અથવા પરિવારમાં આવી રીતે કોઇનું મૃત્યુ થઇ ચૂક્યું હોય તો કાર્ડિયોલોજિસ્ટ પાસે અવશ્ય ચેકઅપ કરાવો. ઇસીજી, ઇકો-કાર્ડિયોગ્રાફી, સ્ટ્રેસ ટેસ્ટ, હોલ્ડર ટેસ્ટ હાર્ટની એમઆરઆઇ વગેરે તપાસથી જીવ બચાવી શકાય છે.
• સારવારઃ સડન કાર્ડિયાક અરેસ્ટની વધુ શક્યતા ધરાવતા દર્દીઓમાં એઆઇસીડી (ઓટોમેટેડ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફિબ્રેટલર) મશીનનો ઉપયોગ કરાય છે. આ પેસમેકર છે જે હાર્ટના ધબકારાની નિયમિત તપાસ કરે છે અને સડન કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિમાં ઇલેક્ટ્રિકલ શોક આપીને ધબકારા નિયમિત કરે છે જેનાથી અચાનક મૃત્યુ અટકાવી શકાય છે. આ સિવાય ઇલેક્ટ્રો ફિઝિયોલોજિકલ સ્ટડીથી હૃદયની એબ્નોર્મલ ઇલેક્ટ્રિકલ સર્કિટની તપાસ કરીને તેને રેડિયો ફ્રિકવેન્સી અબલેશનથી સુધારવામાં આવે છે.
જયારે ઇમરજન્સી સારવારમાં કાર્ડિયો પલ્મોનરી રિસિટેશન (સીપીઆર) એટલે કે ચેસ્ટ કમ્પેશનમાં છાતીને ઝડપીથી વારંવાર દબાવવાનો સમાવેશ થાય છે. આમ કરવાથી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ફેફસાં તથા બ્રેઇનમાં પહોંચી જાય છે. વેન્ટ્રિકુલ ફાઇબ્રિલિશનની અવસ્થામાં મશીનના માધ્યમથી ઇલેક્ટ્રિકલ શોક આપીને ધબકારાને નોર્મલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તો જીવનરક્ષક અને ધબકારાને નિયમિત - નિયંત્રિત કરનારી દવાઓ પણ અપાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter