જિનેટિક કોડ્સમાં બદલાવ વિના માનવી 194 વર્ષ જીવી શકે

(હેલ્થ બુલેટિન)

Sunday 06th September 2026 10:16 EDT
 
 

જિનેટિક કોડ્સમાં બદલાવ વિના માનવી 194 વર્ષ જીવી શકે

અમર રહેવાની કે લાંબું જીવવાની ઈચ્છા કોને ન હોય? આમ છતાં, આ શક્ય બનતું નથી કારણકે ઘડપણ બધાને સતાવે છે. આપણા શરીરના કોષો સતત વધતા રહે છે, પરંતુ સમયાંતરે વધવાની ગતિ નિયંત્રિત થાય છે અને વૃદ્ધત્વનો પગપેસારો થઈ જાય છે. આમ છતાં, વિજ્ઞાનીઓ આયુષ્ય કેવી રીતે વધે તેની ગણતરીઓ સતત કરતા રહે છે. જર્નલ NPJ Agingમાં પ્રકાશિત મેથેમેટિકલ મોડેલથી નવા અભ્યાસની ગણતરીઓ અનુસાર માનવી કોઈ મોટા રોગ વિના 194 વર્ષ સુધી જીવી શકે છે. આપણાં શરીરમાં શુક્રાણુ અને ઈંડા સિવાયના કોષોના જિનેટિક કોડ્સમાં થતાં ફેરફારો સોમેટિક મ્યુટેશન્સ કે દૈહિક બદલાવ તરીકે ઓળખાય છે. ઘણી વખત આવા બદલાવ તમાકુના સેવન, અલ્ટ્રાવાયેલેટ પ્રકાશ સહિતના બાહ્ય કારણોથી થતાં હોય છે, પરંતુ જીવનના આરંભ સાથે જ આ ફેરફારો જોડાયેલા હોય છે. જન્મ સાથે જ શરીરના મૂળભૂત DNA માં કેટલાક ચોક્કસ સોમેટિક મ્યુટેશન્સ અથવા તો દૈહિક બદલાવનો ધીરેધીરે સંગ્રહ થતો રહે છે. વિજ્ઞાનીઓ માને છે કે કોષોમાં ન્યૂરોન્સ જેવાં પ્રકારોમાં આવા બદલાવો માનવીની મહત્તમ સંભવિત વયને નિર્ધારિત કરવાનું પરિબળ હોઈ શકે છે. જીવનકાળ દરમિયાન સતત થતા જિનેટિક ફેરફારો દીર્ઘ આયુષ્ય સામેના મુખ્ય અવરોધો છે અને જીવનની મર્યાદા 90 વર્ષની આસપાસ સુધી લઈ જાય છે.
 2023માં જર્નલ ‘Cell’માં પ્રકાશિત પેપરમાં વયોવૃદ્ધ થવાના 12 હોલમાર્ક્સ દર્શાવાયા હતા, જેમાં કોષવિભાજન સાથે જિનેટિક મ્યુટેશન્સ, પ્રોટીન્સના ઉત્પાદન અને જાળવણીની ક્ષમતા ઘટવી અને મિટોકોન્ડ્રીઅલ કાર્યક્ષમતા નિષ્ફળ થવાનો સમાવેશ થયો હતો. આ 12 હોલમાર્ક્સમાંથી કેટલાક થિયરીની દૃષ્ટિએ રિવર્સીબલ છે અને તેનાથી આયુષ્ય લંબાઈ શકે છે. રસપ્રદ બાબત એ છે કે આપણાં શરીરમાં કેટલાક ટિસ્યુઝ અને ખાસ કરીને લિવરના કોષો, અન્યોની સરખામણીએ દૈહિક બદલાવ- મ્યુટેશન્સ સંદર્ભે વધુ સ્થિતિસ્થાપક છે. લિવરના કોષો જૂના કોષોનું સ્થાન લેવા નિરંતર વધતા રહે છે અને કદાચ 100,000 કે તેથી વધુ વર્ષ સુધી વધતા જ રહે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે હૃદયની દીવાલના મધ્ય સ્તર અને મગજના ન્યૂરોન્સ સહિતના કોષો દૈહિક મ્યુટેશન્સનો શિકાર બનતા રહે છે. આથી, આવા કોષો સતત વિભાજિત થઈ અનેકગણાં થતા નથી. એક વખત તેમનું કાર્ય પૂર્ણ થાય એટલે નવસંચાર પામતા નથી. આ કોષો નિષ્ફળ થાય એટલે હૃદય અને મગજ નિષ્ફળ બને અને મોત થાય.

•••

વજન ઘટાડવાની GLP-1 દવાઓ કેન્સરનું જોખમ પણ ઘટાડે?

ટાઈપ 2ડાયાબિટીસ મેનેજમેન્ટ અને વજન ઘટાડવા માટે ઓઝેમ્પિક (Ozempic) અને વીગોવી (Wegovy) જેવી ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઈડ-1 (GLP-1) દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે. 2018થી 2022ના ગાળામાં ટાઈપ 2ડાયાબિટીસ માટે આ દવાઓ લેનારા લોકોની સંખ્યામાં 155 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, વજન ઘટાડવા માટે GLP-1 દવાઓ લેનારાની સંખ્યા 38 ટકા થઈ હતી. GLP-1 દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે આ દવાઓ માનવીના આરોગ્ય પર અન્ય કેવી અસરો કરી શકે તેના વિશે સંશોધનો ચાલુ જ રખાયા છે. જર્નલ ‘એનાલ્સ ઓફ ઓન્કોલોજી’માં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર ઓઝેમ્પિક, વીગોવી, ઝેપબાઉન્ડ ( Zepbound) અને મોન્જારો (Mounjaro) જેવી GLP-1 દવાઓ લેવા અને ડાયાબિટીસ વિનાના લોકોમાં સ્થૂળતા સંબંધિત 4 પ્રકારના કેન્સર રોગો થવાના જોખમમાં 50 ટકા કે તેથી વધુ ઘટાડાની સંભવિત કડીઓ જાણવા મળી છે. સંશોધકોએ આ અભ્યાસ માટે નેશનલ ડેટાબેઝમાંથી સ્થૂળ અને ડાયાબિટીસ નહિ ધરાવતા 229,000 થી વધુ લોકોના હેલ્થ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. અગાઉના અભ્યાસોમાં ટાઈપ 2ડાયાબિટીસ પેશન્ટ્સમાં GLP-1 દવાઓ અને કેન્સરના જોખમ બાબતે પરીક્ષણો કરાયા હતા. જોકે, હવે મોટા ભાગના ડાયાબિટીસ નહિ ધરાવતા અને મેદસ્વી લોકો દ્વારા આ દવાઓનો ઉપયોગ વધી રહ્યો છે.
સંશોધકોએ બ્રેસ્ટ (સ્તન), કોલોરેક્ટલ (આંતરડા), એન્ડોમેટ્રીઅલ (ગર્ભાશયના આંતરિક આવરણ), ઈસોફેગલ (અન્નનળી), ગોલબ્લેડર (પિત્તાશય), કિડની, લિવર, મેનિન્જીઓમા (બ્રેઈન ટ્યૂમરનો પ્રકાર), મલ્ટિપલ માયેલોમા (એક પ્રકારનું બોન મેરો કેન્સર), ઓવેરિયન, પેન્ક્રીઆટિક, જઠર અને થાઈરોઈડ સહિતના 13 કેન્સરને મેદસ્વીતા સાથે સાંકળ્યા છે. ડિસેમ્બર 2014થી જૂન 2025 દરમિયાન અભ્યાસ હેઠળના 38 ટકાને GLP-1 દવાઓ અપાઈ હતી જ્યારે 62 ટકાને આહાર અને કસરતોની સલાહ અપાઈ હતી.
અભ્યાસના અંતે જણાયું હતું કે GLP-1 દવાઓ લેનારાઓમાં સ્થૂળતા સંબંધિત કેન્સર થવાના જોખમમાં 41 ટકાનો ઘટાડો જણાયો હતો. આ ઉપરાંત, એન્ડોમેટ્રીઅલ કેન્સરના જોખમમાં નોંધપાત્ર 58 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે યુવા મહિલાઓમાં સ્થૂળતા સાથે સંકળાયેલાં એન્ડોમેટ્રીઅલ કેન્સરનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter