જીવનનાં અમૂલ્ય ૩૦ વર્ષ અને જીપીની ૫૦૦ મુલાકાતો પછી અતિમાને થયું એન્ડોમેટ્રિઓસિસનું નિદાન

Wednesday 07th April 2021 06:24 EDT
 
 

વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં રહેતાં ૪૧ વર્ષની અતિમા ભટનાગરને સ્ત્રીઓના માસિકચક્ર સંબંધિત અવસ્થા એન્ડોમેટ્રિઓસિસ (endometriosis)નું નિદાન કરી શકાય તે માટે જીપીની ૫૦૦ વખત મુલાકાત અને ૩૦ વર્ષ સુધી યાતના સહન કરવી પડી હતી.
બે સંતાનોની માતા અતિમા ભટનાગરને દર મહિને ઓછામાં ઓછાં સાત દિવસ અથવા ત્રણ સપ્તાહ સુધી આ તીવ્ર પીડા સાથેની તકલીફ રહેતી હતી જેમાં, ઘરમાં નહાવાનું કે બહાર ચાલવાનું પણ મુશ્કેલ બનતું હતું.
અતિમા ૧૦ વર્ષની હતી ત્યારથી તેને એન્ડોમેટ્રિઓસિસની તકલીફ રહેતી હતી. યુકેમાં ૧૦માંથી એક મહિલાને આ સમસ્યા રહે છે, જેમાં ગર્ભાશયની આંતરિક દીવાલમાં જોવા મળતાં કોષો યોનિની બહાર વિકસે છે. ગયા વર્ષે, અતિમા પર આ બાહ્ય કોષો દૂર કરવાની સર્જરી કરાઈ હતી. સામાન્યપણે એન્ડોમેટ્રિઓસિસનું સાચું નિદાન કરવા લક્ષણો દેખાયા પછી સાડા સાત વર્ષનો સમય લાગી જાય છે. અતિમાના કિસ્સામાં ૩૦ વર્ષના ગાળામાં જનરલ પ્રેક્ટિશનરની ૫૦૦ વખત મુલાકાત પછી તેનું નિદાન કરાયું હતું. હવે ચેરિટી Endometriosis-UKની એમ્બેસેડર અતિમા તેના બ્લોગ nemosnails.com અને તેના ઈન્સ્ટાગ્રામ Instagram@Allaboutatima પર એન્ડોમેટ્રિઓસિસ વિશે જાગૃતિ ફેલાવી રહી છે.
અતિમાએ ફેબ્યુલસ ડેઈલીને જણાવ્યું હતું કે, ‘આ ડિસઓર્ડરે મારી જિંદગીના ૩૦ વર્ષ બગાડ્યાં. મારાં જીવનના દરેક પાસાને તેની અસર થઈ. માત્ર પીરિયડ દરમિયાન જ નહિ, મહિનાના મોટા ભાગે પીડા સહન કરવી પડી હતી. ટોઈલેટ જવું, નીચે બેસવું, ચાલવું મુશ્કેલ હતું. આટલાં વર્ષોમાં મને ખોટી રીતે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, લેક્ટોઝ ઈનટોલરન્સ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસઓર્ડરના નિદાનો કરવામાં આવ્યાં હતાં.
૧૦ વર્ષની વયે પીરિયડ્સની શરૂઆત
અતિમાના પીરિયડ્સ ૧૦ વર્ષની વયથી શરૂ થઈ ગયા હતા અને હોજરીના સ્નાયુઓમાં ભારે પીડાની ફરિયાદથી તેને શાળાએથી ઘેર મોકલી દેવાતી હતી. તે ૧૪ વર્ષની થઈ ત્યારે માતા મીનાબહેન તેને જીપી પાસે લઈ ગયાં પરંતુ, તેને કહેવામાં આવ્યું કે આમાં કશું અસામાન્ય નથી અને તેને પેઈનકીલર્સ અપાયા હતા. અતિમાએ કહ્યું હતું કે ‘મારાં વસ્ત્રોમાંથી બહાર આવતા રક્તસ્રાવથી મને શરમ અને સંકોચ થતો હતો. મને પીરિયડ્સનો ભય લાગવા માંડ્યો હતો. ઘણી વખત મને જાહેર સ્થળોએ પણ ઉલટી થતી હતી.’ ૧૫ વર્ષની વયે અતિમાને પીલ (Pill) પ્રિસ્ક્રાઈબ કરાઈ હતી જેનાથી પીડા સહન કરી શકી અને ભારે રક્તસ્રાવ પણ નિયંત્રણમાં આવ્યો હતો. તેણે ૨૪ વર્ષની વયે ડોક્ટરોને કહ્યું કે હવે તે આખી જિંદગી કોન્ટ્રાસેપ્ટિવ્ઝ લેવાં ઈચ્છતી નથી. તેણે આ બંધ કરવાના એક જ મહિનામાં પીરિયડ્સ અસહ્ય બની ગયાં હતાં. ડોક્ટરોએ ભારે પેઈનકીલર્સ આપ્યા પછી ફરી પીલ લેવાનું કહ્યું હતું.
પાર્ટનર માર્ક સાથે મુલાકાત
અતિમા ૨૮ વર્ષની હતી ત્યારે તેની મુલાકાત ૨૦ વર્ષના માર્ક મેરીઓન સાથે થઈ પરંતુ તેની આ દશાથી સંબંધો પર અસર પડવાની ચિંતા પણ હતી. જોકે, માર્ક સમજુ હતો. સંબંધો ગાઢ બન્યાં ત્યારે દંપતીએ બાળકો માટે વિચાર્યું હતું. એન્ડોમેટ્રિઓસિસમાં ૩૦થી ૫૦ ટકા સ્ત્રીઓને ફળદ્રૂપતાની સમસ્યા હોય છે. આમ છતાં, સાત મહિના પછી અતિમા સગર્ભા બની હતી. ૨૦૧૧માં ટ્વીન ગર્લ્સ અનાયા અને રિયાનું આગમન થયું જેઓ હાલ ૯ વર્ષની છે.
અતિમાના જીપીએ ૨૦૧૮માં તેને ગાયનેકોલોજિસ્ટને રીફર કરી અને તેના ગર્ભાશયમાં ફાઇબ્રોઈડ્સ અને સિસ્ટ્સ (પાણીની નાની ગાંઠો) હોવાની શક્યતા દર્શાવી હતી. તેના સ્તનમાં પીડા રહેવાથી મેમોગ્રામ પણ કરાવાયા હતા. ઈન્ટર્નલ સ્કાન્સ પછી એન્ડોમેટ્રિઓસિસની શક્યતા દર્શાવી હતી. તેના મેમોગ્રામ સ્કેન્સમાં પ્રાથમિક બ્રેસ્ટ કેન્સર પણ જણાતા એન્ડોમેટ્રિઓસિસની સારવાર પડતી મૂકીને પાંચ સપ્તાહ સુધી રેડિકલ રેડિયોથેરાપી ચાલુ કરવી પડી હતી. તેને જૂન ૨૦૧૯માં કેન્સરમુક્ત હોવાનું જણાવાયું હતું.
એન્ડોમેટ્રિઓસિસનું ઓપરેશન
અતિમાના બીજા ગાયનેકોલોજિસ્ટે પેલ્વિક એરિયા અને ગર્ભાશયમાંથી ચોથા તબક્કાના અસાધ્ય એન્ડોમેટ્રિઓસિસ દૂર કરવા કી-હોલ ઓપરેશનની જરૂર હોવાનું જણાવતા ડિસેમ્બર ૨૦૧૯માં નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં ખાનગી ક્લેમેન્ટાઈન ચર્ચિલ હોસ્પિટલમાં સર્જરી કરાઈ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સામાન્ય સ્ત્રીની સરખામણીએ તેનાં ગર્ભાશયની સાઈઝ બમણી હતી અને તે વળેલું હતું. અતિમાને ત્રણ સપ્તાહ પછી પીરિયડ્સ પાછાં આવ્યા ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ હતી. ગર્ભાશય જાણે શરીરની બહાર આવવા મથતું હોય તેવાં આંચકા લાગતા હતા. હવે તો તે હિસ્ટરીક્ટોમી (ગર્ભાશય બહાર કઢાવવા) વિશે વિચારી રહી છે.

એન્ડોમેટ્રિઓસિસના મુખ્ય લક્ષણો
એન્ડોમેટ્રિઓસિસ સાથે સંકળાયેલા મુખ્ય લક્ષણો આ મુજબ છેઃ • હોજરીના નીચેના ભાગમાં અથવા પીઠમાં પીડા (pelvic pain) – જે સામાન્યપણે માસિક દરમિયાન તીવ્ર રહે છે. • માસિક દરમિયાન પીડાથી તમારી સામાન્ય પ્રવૃત્તિઓ કરવી લગભગ અશક્ય બને છે.  •  સમાગમ પહેલા કે પછી પીડા. • માસિક કાળમાં કબજિયાત, ઝાડા-ઉલટી અથવા પેશાબમાં લોહી આવવું. •  માસિકકાળમાં પેશાબ કે મળવિસર્જન સમયે પણ તીવ્ર પીડા. • ગર્ભાવસ્થા રાખવામાં ભારે અડચણ.  • માસિક સમયે ભારે રક્તસ્રાવ. સંખ્યાબંધ પેડ અથવા ટેમ્પુન્સનો ઉપયોગ કરવો પડે અથવા વસ્ત્રોમાં થઈને બ્લીડિંગ બહાર આવે. • થાક અને નબળાઈ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter