જીવનને સરળ બનાવવા માટે કરતા રહો વાતચીત

Wednesday 17th August 2022 06:35 EDT
 
 

જીવનને સરળ બનાવવું છે? બહુ સરળ ઉપાય છે - વાતચીત કરતા રહો. કહેવાય છે કોઈની સાથે વાતો શેર કરવાથી સુખની વાતનો આનંદ બમણો થઈ જાય છે અને દુઃખની વાત હોય માનસિક રાહત વર્તાય છે. આથી જ હંમેશા મિત્રો તેમજ પરિવારજનો સાથે વાતચીત કરવી જરૂરી છે. વાતચીતનું માધ્યમ આપણને એકમેક સાથે જોડે છે. અંગ્રેજીમાં ઉક્તિ છે ‘શેરીંગ ઈઝ કેરિંગ’. જો કોઈ વાત મનમાં ને મનમાં રહે તો દિલોદિમાગમાં તે સતત ઘુમરાયા કરે છે અને તેની અસર આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. આમ તો દરેક વયના લોકોને આ વાત લાગુ પડે છે, પણ ખાસ તો વડીલોને. બાળકો અને યુવાનો માતા–પિતા અને મિત્રો સાથે વાતચીત કરી મનનો ઉભરો ઠાલવી શકે છે, પણ બધી જ જવાબદારીઓમાંથી નિવૃત થયેલ વડીલોની વાતચીત સાંભળવા માટે કોઈ પાસે સમય હોતો નથી. આ કારણોસર સંતાનોએ પોતાના ગમેતેટલા વ્યસ્ત શિડ્યૂલમાંથી પણ થોડો સમય ફાળવીને પરિવારના વડીલોની વાતો સાંભળવી જોઇએ અને તેમને કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવામાં તેમને સહકાર આપવો.
વાતચીત કરવાથી મન હળવું થાય છે
આગળ વાત કરી તેમ કોઈ પણ વાત હોય અન્ય સાથે તેને શેર કરવાથી મનને શાંતિ મળે છે. વડીલો જો કોઈ સમસ્યાથી પીડાતા હોય અથવા તેમને કોઈ તકલીફ હોય તો પરિવારના સભ્યો અથવા મિત્રો સાથે શેર કરો એ પછી કોઈ શારીરિક તકલીફ હોય કે પછી કોઈ સામાજિક સમસ્યા કેમ ન હોય! વાતચીત કરવાથી દરેક વાતનું નિરાકરણ આવે છે. આ ઉપરાંત તમે કોઈ આનંદની વાત પણ શેર કરી શકો છો. તેનાથી તમારા આનંદમાં અન્ય સહભાગી બનતા તમારો આનંદ - ખુશી બમણા થઈ જશે.
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર
કોઈ પણ વાતને શેર કરવા માટે જ્યારે કોઈ હોતું નથી ત્યારે એ વાત મનમાંને મનમાં જ રહી જાય છે અને વાત મનમાં જ રહેતા મન અને મગજમાં સતત વિચારો ફર્યાં કરે છે. પરિણામે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તેની વિપરિત અસર પડે છે. આ ઉપરાંત એ સમયે એકલતાનો અનુભવ વધારે સાલે છે. મગજમાં નકારાત્મક વિચારો ઘર કરી જાય છે અને માનસિક સ્વાસ્થ્ય બગડતું જાય છે. માનસિક સ્વાસ્થ્ય બગડતા શરીર પર પણ તેની નકારાત્મક અસર વર્તાય છે, પરિણામે ધીરે ધીરે તબીયત કથળવા લાગે છે.
સંતાનોએ સમય આપવો જરૂરી
સંતાનોએ પોતાની વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય વડીલો માટે ફાળવવો જરૂરી છે. તેમની પાસે બેસી તેમની સાથે વાતચીત કરો. તેનાથી વડીલોને એકલવાયાપણું લાગશે નહીં અને તેમને ઘરમાં તેમનું મહત્ત્વ હોવાની અનુભૂતિ થશે. આ ઉપરાંત વાતચીત કરતા રહેવાથી પરસ્પર પ્રેમભાવ પણ જળવાઈ રહે છે.
મિત્રો બનાવો અને વાતો શેર કરો
વય ભલે વધી રહી હોય, પરંતુ વડીલોએ પણ ઘડપણમાં પોતાની સોશિયલ લાઈફ જાળવી રાખવી જરૂરી છે. આ માટે સમવયસ્ક મિત્રો બનાવવા જરૂરી છે, જેથી તેઓ પોતાને વ્યસ્ત રાખી શકે અને પોતાની વાતો મિત્રો સાથે શેર કરી શકે. અંગ્રેજીમાં કહેવત છે ‘શેરીંગ ઈઝ કેરિંગ’. વાતચીત શેર કરવાથી ઘણી બાબતો સચવાઈ જાય છે એ પછી સ્વાસ્થ્યને લગતી હોય કે પછી સામાજિક સંબંધો હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter