જીવનશૈલીમાં ફેરફાર કેન્સરથી થતાં ૪૦ ટકા મૃત્યુ અટકાવી શકે

Wednesday 20th December 2017 06:01 EST
 
 

લંડનઃ કેન્સરને મૃત્યુનો પર્યાય માનવામાં આવે છે પરંતુ, લાઈફસ્ટાઈલમાં આઠ મામુલી ફેરફાર કરવાથી કેન્સરથી થતાં મૃત્યુમાં લગભગ ૪૦ ટકા મૃત્યુ અટકાવી શકાય છે અને દર વર્ષે ૩.૧ મિલિયન લોકો મૃત્યુના મુખમાં જતાં બચી શકે છે. ધૂમ્રપાન છોડી દેવું, આરોગ્યદાયી ભોજન અને ઓછું શરાબપાન કેન્સર થતું અટકાવવામાં સહાયરુપ નીવડે છે. વિજ્ઞાનીઓના કહેવા અનુસાર આ ત્રણ આદતો જ કેન્સરથી થતાં ૩૦.૪ ટકા મોત માટે કારણભૂત હોય છે. વધુ પડતું અલ્ટ્રાવાયોલેટ રેડિએશન, મેદસ્વિતા અને અપૂરતી કસરત સહિત અન્ય પાંચ આદત વધારાના ૧૪.૪ ટકા અથવા તો વાર્ષિક ૧.૨ મિલિયન મૃત્યુ માટે દોષિત ગણાવી શકાય. આંકડા અનુસાર હાલ દર વર્ષે ૮.૨ મિલિયન લોકો કેન્સરથી મોતનો શિકાર બને છે.

બ્રિસ્બેનની QIMR બ્રેઘોફેર મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સંશોધકો કહે છે કે સંખ્યાબંધ કેસીસમાં બે પરિબળ સંકળાયેલાં હોવાથી કેન્સરથી મૃત્યુનું કુલ પ્રમાણ ૩૮ ટકાથી વધુ છે. નાના સરખા પરિવર્તન પણ અકાળે મોતનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. ૨૦૧૩માં ઓસ્ટ્રેલિયામાં ૪૪,૦૦૦ લોકો વિવિધ કેન્સરથી મોતને શરણ થયાં હતાં, જેમાંથી ૩૮ ટકા કેસ અટકાવી શકાય તેવાં ગણાયા હતા. મેદસ્વિતા અને ઈન્ફેક્શનથી પાંચ ટકા અને અપૂરતી કસરત ૦.૮ ટકા મોત માટે દોષિત હતા.

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણો અનુસાર કેન્સરથી થતાં મોતમાં પુરુષોમાં ૪૧ ટકા અને સ્ત્રીઓમાં ૩૪ ટકા મોત ખરાબ આદતોથી આગળ વધ્યાં હતાં. આનું કારણ એ કહેવાય કે પુરુષો ધૂમ્રપાન અને શરાબપાન વધુ કરે છે, સૂર્યતાપમાં વધુ સમય વીતાવે છે તેમજ યોગ્ય આહાર લેતા નથી. મુખ્ય સંશોધક ડો. ડેવિડ વ્હીટમેન કહે છે કે અસંખ્ય કેસીસમાં કેન્સર ટાળી શકાતું નથી પરંતુ, કેન્સર હંમેશા જિનેટિક્સ અથવા કમનસીબીથી આવતું નથી. બે તૃતીઆંશ કેન્સરના કેસ માટે ડીએનએની ભૂલોને જવાબદાર ગણાવી શકાય છે. ધ જ્હોન્સ કિમેલ કેન્સર સેન્ટરના અભ્યાસમાં પણ કેન્સર મોટા ભાગે વંશાનુગત અને બિનસ્વાસ્થ્યપ્રદ લાઈફસ્ટાઈલથી થતું હોવાની વ્યાપક માન્યતાને ફગાવી દીધી છે. વાતાવરણ ગમે તેટલું સારું હોય ભૂલોના પુનરાવર્તનથી કેન્સર થઈ શકે છે. તંદુરસ્ત જીવનના તમામ નિયમોને પાળતા તેમજ કેન્સરનો પારિવારિક ઈતિહાસ ન ધરાવતા લોકોને પણ શા માટે કેન્સર થાય છે તેનો ખુલાસો આ અભ્યાસમાં કરાયો છે. તમાકુ અને આલ્કોહોલ લાંબા સમયથી કેન્સર અને હાર્ટ ડીસિઝ સાથે નોંધપાત્રપણે સંકળાયેલા છે. નવા પૂરાવાઓ સાબિત કરે છે કે બિનઆરોગ્યપ્રદ આહાર, અપૂરતી કસરત અને મેદસ્વિતા કેન્સર થવાને ઉત્તેજન આપે છે.

કેન્સરથી મૃત્યુ માટે શું જવાબદાર?

ધૂમ્રપાન ૨૦.૩ ટકા

બિનઆરોગ્યપ્રદ આહાર ૫.૦ ટકા

શરાબપાન ૨.૪ ટકા

UV રેડિએશન ૩.૨ ટકા

મેદસ્વિતા ૫.૦ ટકા

ઈન્ફેક્શન્સ ૫.૦ ટકા

અપૂરતી કસરત ૦.૮ ટકા

હોર્મોન્સ ૦.૪ ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter